• બુધવાર, 10 જૂન, 2026

મમતાના કાલીઘાટ કાર્યાલયે પહોંચી સીઆઈડીની ટીમ

કોલકાતા, તા. 9 : ટીએમસીએ સત્તા ગુમાવ્યા બાદ પશ્ચિમ બંગાળના રાજકારણમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી ગઈ છે. મંગળવારે સીઆઈડીની એક ટીમ કથિત વિસંગતતાઓ અને અનિયમિતતાઓ મામલે કોલકાતામાં કાલીઘાટ કાર્યાલય પર તેમના ભત્રીજા અભિષેક બેનર્જીને નોટિસ આપવા માટે ગઈ હતી. એક મીડિયા હેવાલ મુજબ, બંગાળ વિધાનસભામાં મુખ્ય વિપક્ષ-અનામત હોદ્દાઓ પર  નિમણૂકો અંગેના મહત્ત્વપૂર્ણ ઠરાવ પર તૃણમૂલ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોના હસ્તાક્ષરોમાં કથિત અનિયમિતતાઓના મુદ્દે સીઆઈડીની ટીમ કાલીઘાટ કાર્યાલય અભિષેકને નોટિસ આપવા ગઈ હતી. આ પહેલાં સોમવારે સીઈડીએ ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અને લોકસભા સાંસદ અભિષેક બેનર્જીને ત્રીજી નોટિસ જારી કરી હતી, જેમાં તેમને 9 જૂને સાંજે 5 વાગ્યા સુધીમાં દક્ષિણ કોલકાતા સ્થિત સીઆઈડી મુખ્યાલયમાં પૂછપરછ માટે હાજર રહેવા જણાવ્યું હતું. જો કે, 1 જૂનના તેમણે સીઆઈડીને એક પત્ર લખીને 15 દિવસનો સમય માગ્યો હતો, જેમાં 30 મેના દક્ષિણ 24 પરગણા જિલ્લાના સોનારપુરમાં થયેલા કથિત હુમલા દરમિયાન સ્વાસ્થ્યના કારણો અને થયેલી ઇજાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. બીજી તરફ કોર્ટે ભૂતપૂર્વ ટીએમસી ધારાસભ્ય સબ્યસાચી દત્તાને આઠ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. મંગળવારે વહેલી સવારે પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાંથી ખંડણી અને ગુનાહિત ધાકધમકી આપવાના આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી હતી. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, દત્તા ખંડણી પ્રવૃત્તિઓમાં સામેલ હતો અને તેણે 2018માં ફરિયાદી પાસેથી 1 કરોડ રૂપિયાથી વધુની માગણી કરી હતી. નોંધનીય છે કે, દત્તાની ધરપકડ એવા સમયે થઈ છે, જ્યારે બિધાનનગરના ભૂતપૂર્વ ધારાસભ્ય અને તૃણમૂલ કોંગ્રેસ સરકારના ભૂતપૂર્વ મંત્રી સુજિત બોઝની ઈડી દ્વારા નાગરિક ભરતી કૌભાંડ સંબંધિત કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ પર રાજ્યના મંત્રી શારદાવત મુખર્જીએ કહ્યું હતું કે, ભ્રષ્ટાચાર અને ઘમંડમાં ડૂબેલા લોકોની એક પછી એક ધરપકડ કરવામાં આવી રહી છે. 

Panchang

dd