• બુધવાર, 10 જૂન, 2026

ચિત્રોડ ગામે કેમિકલયુક્ત દારૂ પીવાથી યુવાનનું અકાળે મોત !

ગાંધીધામ, તા. 9 : રાપર તાલુકાના ચિત્રોડ ગામે એક ચોંકાવનારી અને અત્યંત કરુણ ઘટના સામે આવી છે, જેમાં 45 વર્ષીય યુવાન એવા મગન રાયશીભાઇ મ્યાત્રાનું કેમિકલયુક્ત દારૂ પીવાથી મોત થયું હોવાનું બહાર આવ્યું છે. બનાવથી પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. ચિત્રોડ ગામમાં રહેનાર મગન મ્યાત્રાનું તા. 6/6ના સવારે 11 વાગ્યાથી તા. 8/6ના 6.30ના અરસામાં કોઇ પણ સમયે મોત થયું હતું. આ યુવાન પોતાના ઘરેથી સવારે નીકળી ગયા હતા અને ઇન્દિરા આવાસ યોજના પાછળ ડુંગરાળ વિસ્તારમાં જઇ ચડયા હતા. પરિવારજનોએ તેમની શોધખોળ કરી હતી, પરંતુ ક્યાંય પત્તો મળ્યો ન હતો અને તેમની લાશ મળતાં શોધખોળનો અંત આવ્યો હતો. તેમના મોટા ભાઇ મોહન મ્યાત્રા આ યુવાનને સારવાર અર્થે લાકડિયા હોસ્પિટલ લઇ જતાં ફરજ પરના હાજર તબીબે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો. પોલીસ મથકે તેમના ભાઇએ કરાવેલી નોંધ પ્રમાણે આ યુવાને કેમિકલયુક્ત દારૂ પી લેતાં તેનું મોત થયું હતું. આ બનાવની તપાસ કરનાર એએસઆઇ અમરસિંઘ મોરીનો સંપર્ક કરાતાં તેમણે વિશેરા લઇને એફ.એસ.એલ. અર્થે મોકલી આપ્યા હોવાનું જણાવ્યું હતું. રિપોર્ટ આવ્યા બાદ જ ખ્યાલ આવશે કે કેમિકલયુક્ત દારૂ પીવાથી કે હૃદયરોગના હુમલાથી કે અન્ય કોઇ કારણે આ યુવાનનું મોત થયું હતું. યુવાનનાં મોતને  પગલે સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી હતી. 

Panchang

dd