ગાંધીધામ, તા. 5 : અંજાર- મુંદરા ધોરીમાર્ગ વીડીની
સીમમાં આવેલા વાહનોના વર્કશોપમાં કામ કરતા બે કામદારોએ રૂા. 3,24,852ની રકમ પોતાના આર્થિક ફાયદા
માટે મેળવી બારોબાર ચાંઉ કરી જતાં બંને સામે છેતરપિંડીની કલમો તળે ફરિયાદ નોંધાઇ હતી.
અંજાર-મુંદરા માર્ગ વીડીની સીમમાં આવેલ ચામુંડા ઓટોમેટિવ નામના વર્કશોપમાં બનેલા આ
બનાવ અંગે વર્કશોપના માલિક મયૂર રતિલાલ વાઘમશી (સોરઠિયા)એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
હતી. ટાટા કંપનીના આ વર્કશોપમાં દીપાલ સુરેશકુમાર બાંભણિયાને સર્વિસમાં આવતી ગાડીઓની
સર્વિસ અંગેના બિલ બનાવવાની અને સ્વીકારવાની જવાબદારી સોંપવામાં આવી હતી તેમજ હર્ષકુમાર
માથુરદાસ ગોરીને સ્ટાફ મેનેજમેન્ટ, વર્કશોપ મેનેજમેન્ટની જવાબદારી આપવામાં આવી હતી. હર્ષને મેનેજમેન્ટ માટે તેના
ખાતાંમાં રૂા. 15,52,892 આપવામાં
આવ્યા હતા. તેણે રૂા. 15,52,8883નો
ખર્ચ કર્યો હોવાનું જણાવ્યું હતું. જેની તપાસણી કરતાં તેણે રૂા. 13,32,461નો ખર્ચ કર્યો હોવાનું બહાર
આવ્યું હતું અને રૂા. 2,20,431ની
ખોટી એન્ટ્રી કરી હતી. તેમજ દીપાલ બાંભણિયા પાસે સર્વિસમાં આવતી ગાડીઓનું જોબકાર્ડ
બનતું હતું. તેમાં વાહનો સર્વિસ થયા બાદ તેની પાસે બિલ બનાવવા જાય ત્યારે સર્વિસ ન
થઇ હોવાનું કહી જોબકાર્ડ કેન્સલ કરી સર્વિસ પેટે નીકળતી રકમ તેના અંગત ખાતા અથવા રોકડમાં
સ્વીકારી લેતો હતો. ફરિયાદીએ આ અંગે તપાસ કરતાં તેણે 33 વાહનોનાં બિલ ન બનાવ્યાં હોવાનું
બહાર આવ્યું હતું તથા વર્કશોપ સ્ટોર રૂમ, સર્વિસમાં વપરાયેલ સ્પેરપાર્ટના રજિસ્ટરમાં તપાસ કરાતાં રૂા. 1,54,421 વપરાયેલ હોવાનું સામે આવ્યું
હતું. બંનેની પૂછપરછ બાદ દીપાલે રૂા. 50,000 વર્કશોપના બેન્ક ખાતાંમાં જમા કરાવી નાખ્યા હતાં, પણ રૂા. 1,04,421 પરત આપ્યા નથી તથા હર્ષ ગોરીએ રૂા. 2,20,431 એમ કુલ્લ રૂા. 3,24,852 પરત ન આપી છેતરપિંડી કરતાં
બંને સામે ગુનો નોંધાયો હતો. ફરિયાદીએ આ બનાવ અંગે અંજાર પોલીસ મથકે તા. 14/4/2026ના અરજી કરી હતી જે અંગે પોલીસે
ગઇકાલે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.