ભુજ, તા. 5 : તાલુકાના સેડાતા નજીક પશુ દવાખાના
પાસે ગુરુવારે ટ્રક અને સ્કોર્પિયો વચ્ચે થયેલા માર્ગ અકસ્માતમાં અફરીન અયુબ ખત્રી
(ઉ.વ. 18) નામની યુવતીનું મોત થયું હતું, તો ભુજ તાલુકાના દેશલપર ચેકપોસ્ટ પાસે એસટી બસ હડફેટે આવી જતાં નાનજી ઉર્ફે
નરેન્દ્ર મનજીભાઈ નાકરાણીનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે ભુજ
તાલુકાના સરલી ફાટક પાસે મિની ટેમ્પોની ટક્કર વાગવાથી વિક્રમ રાજેશ નટ (ઉ.વ. 23) નામના યુવાનનું મોત થયું હતું.
પોલીસે આપેલી વિગતો મુજબ, સેડાતા પાસે
થયેલા અકસ્માતમાં જીજી 39 ટી 7579વાળી ટ્રકના ચાલકે સ્ટીયરિંગ
પરથી કાબૂ ગુમાવ્યો હતો અને સામેથી આવતી સ્કોર્પિયો સાથે ધડાકાભેર ટક્કર થઈ હતી, જેમાં ગંભીર રીતે ઘવાયેલી અફરીનનું મોત થયું
હતું, જ્યારે દોઢ વર્ષનું બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું,
તો વસીમ ખત્રી, નજમા ખત્રી, પરવીન ખત્રી, ફાતિમા ખત્રી, હાજરાબાઈ
ખત્રી સારાબોન ખત્રી ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ડ્રાઈવર નાસી છુટયો
હોવાની વિગતો માનકૂવા પોલીસ મથકના તપાસકર્તા એએસઆઈ જયંતીભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું.
બીજી બાજુ દેશલપર ચેકપોસ્ટ નજીક શુક્રવારે સવારના
અરસામાં બનેલી જીવલેણ ઘટનામાં ભુજ રૂટની જીજે 18 ઝેડ 6877વાળી એસટી બસની હડફેટે આવી
જવાથી નાનજી ઉર્ફે નરેન્દ્ર નામના યુવાનનું મોત થયું હતું. આ મામલે માનકૂવા પોલીસે
આગળની તપાસ હાથ ધરી છે. અકસ્માતનો વધુ એક બનાવ સરલી ફાટક નજીક બન્યો હતો. ગઢશીશા તરફ
જઈ રહેલા હતભાગી વિક્રમને મિની ટેમ્પોએ ટક્કર મારતાં આ યુવક ગંભીર રીતે ઘવાયો હતો.
તેને સારવાર માટે તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો
હોવાની વિગતો હોસ્પિટલ સ્થિત પોલીસચોકીમાં લખાવાઈ હતી.