• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

વિશ્વ વિજેતાઓનું સ્વાગત

17  વર્ષ બાદ વિશ્વ વિજેતા બનેલી ટીમ ઇન્ડિયાનું દેશમાં જે રીતે સ્વાગત થયું એનાથી સાબિત થયું કે, આ વિજય માત્ર ખેલાડીઓ જ નહીં, પણ દેશવાસીઓ માટે પણ બહુ મોટો છે. રમતગમતનાં ક્ષેત્રે છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતે ભરેલી હરણફાળ અને મેળવેલી સિદ્ધિઓની યાદી લાંબી છે. જો કે, ક્રિકેટ જેટલું મહત્ત્વ અન્ય રમતોને નથી મળતું એવી બૂમ સંભળાય છે, જે કેટલીક હદે સાચી પણ છે. ભારતમાં ક્રિકેટ રમત નહીં, ધર્મનો અને ક્રિકેટરો ભગવાન જેવો દરજ્જો ધરાવે છે. જો કે, જે રીતે રોહિત શર્માની ટીમનું પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને પછી ક્રિકેટની બારીક સૂઝ ધરાવતી મુંબઈની જનતાએ સ્વાગત કર્યું એની અપેક્ષા કદાચ વિશ્વ વિજેતાઓએ પણ નહીં રાખી હોય. જે રીતે વડાપ્રધાને પણ દરેક ખેલાડીને વર્લ્ડકપમાં તેમણે કરેલી કામગીરીના સંબંધમાં પ્રશ્નો પૂછયા એ દેખાડે છે કે, દેશને આ ખેલાડીઓની કેટલી કદર છે. ગુરુવારે સાંજે ટીમ ઈન્ડિયાનાં વાનખેડે સ્ટેડિયમમાં જાહેર સન્માનમાં ક્રિકેટરસિકોનો ધસારો અને વીસેક મિનિટમાં આખું સ્ટેડિયમ ભરાઈ ગયું હતું. ટીમ ઈન્ડિયા ખુલ્લી બસમાં નરિમાન પોઈન્ટથી મરિન ડ્રાઈવ સુધીના માર્ગો પર નીકળી ત્યારે માનવમહેરામણ ઉમટયો હતો. એક તરફ ઘૂઘવતો અરબી સમુદ્ર અને બીજી તરફ જનસાગર. સ્ટેડિયમ અને રસ્તાઓ પર લોકો કલાકોથી ઊભા હતા. પોલીસ ખાતાંને પણ આટલી ભારે ભીડ થવાનો અંદાજ ન હોવા છતાં જે રીતે તેમણે સુપેરે કામગીરી બજાવી એની પ્રશંસા થવી ઘટે. એક અંદાજ મુજબ ત્રણેક લાખ લોકો બે કિમીના રૂટ પર ઊતરી આવ્યા હતા અને ખરેખર હૈયેહૈયું દળાય એવી મેદનીએ એમ્બ્યુલન્સને જવા માટે જે રીતે માર્ગ કરી આપ્યો એ મુંબઈગરાના મિજાજનો-મુંબઈ સ્પિરિટનો જીવંત પુરાવો હતો. મુંબઈને ક્રિકેટનું મક્કા કહી શકાય અને મુંબઈગરાએ જે રીતે મેદની વચ્ચે શિસ્તપૂર્ણ રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો એ માટે તેઓ પણ અભિનંદનને પાત્ર ઠરે છે. કેટલાક લોકોને દૂધમાંથી પોરા કાઢવાની ટેવ હોય છે. આવા લોકોનું કહેવું છે કે, ટીમ ઇન્ડિયા જે બસમાં આવી તે ગુજરાતથી શા માટે લાવવામાં આવી! અહીં લોકો એ ભૂલી જાય છે કે, આ પ્રસંગે બસનું નહીં ખેલાડીઓનું મહત્ત્વ છે. અગાઉ જે ઓપન બસમાં ટીમ ઈન્ડિયા સવાર થઈ મુંબઈગરાઓની વચ્ચે આવી હતી, તે મુંબઈની શાન અને વૈભવશાળી ઈતિહાસ ધરાવતી બેસ્ટની નીલાંબરી ડબલ ડેકર બસ 15 સપ્ટેમ્બરે તેનું આયુષ્ય પૂરું થતાં `બેસ્ટ'ના કાફલામાંથી દૂર થઈ છે. આથી હાલ આવી બસ `બેસ્ટ' પાસે નથી. જો કે, મહારાષ્ટ્ર અને મુંબઈમાં વારંવાર ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યેનો દ્વેષ સપાટી પર આવી જાય છે. સ્ટેડિયમમાં અને રસ્તા પર ખેલાડીઓ અને ચાહકોમાં જે લાગણીઓ દેખાઈ તેનાથી સ્પષ્ટ થયું કે, રમત દેશને એકસૂત્રે બાંધી શકે છે, લોકોને એકમેક સાથે જોડે છે. વિશ્વકપ વિજયે એનું પ્રમાણ આપ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang