ઇન્દોર, તા. પ : કુણાલ પંડયાના કપ્તાનપદ હેઠળની વડોદરા ટીમે
સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં આજે સિક્કિમ વિરુદ્ધ ટી-20 ફોર્મેટમાં પાંચ વિકેટે સર્વોચ્ચ
349 રનનો વિશાળ સ્કોર બનાવીને નવો વિશ્વવિક્રમ બનાવ્યો છે. વડોદરા ટીમે ઇતિહાસ રચીને
ઝિમ્બાબ્વેના 20 ઓવરમાં 344 રનના અત્યાર સુધીના
સૌથી મોટા ટીમ સ્કોરના રેકોર્ડને તોડી નાખ્યો છે. ઝિમ્બાબ્વે ટીમે ગામ્બિયા સામે
27 છગ્ગાથી 344 રન કર્યાં હતા.સિક્કિમ સામે મેચમાં વડોદરા તરફથી ભાનુ પનિયાએ સૌથી વધુ
અણનમ 134 રન માત્ર પ1 દડામાં 1પ છગ્ગા સાથે કર્યાં હતા. આ મેચમાં વડોદરાના બેટધરોએ
કુલ 37 છગ્ગા ફટકાર્યાં હતા. જે પણ એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સરનો નવો કીર્તિમાન છે. મુસ્તાક અલી ટ્રોફીની આ મેચમાં સિક્કિમ વિરુદ્ધ
વડોદરા ટીમનો 263 રન મહાવિજય થયો હતો. જે ટૂર્નામેન્ટનો નવો વિક્રમ છે. સિક્કિમ ટીમ
સાત વિકેટે 86 રન જ કરી શકી હતી. વડોદરા તરફથી
ભાનુ પનિયાએ પ1 દડામાં પાંચ ચોગ્ગા, 1પ છગ્ગા સાથે અણનમ 134, અભિમન્યુ રાજપૂતે 17 દડામાં
ચાર ચોગ્ગા, પાંચ છગ્ગા સાથે પ3 રન, શિવાલિક શર્માએ 17 દડામાં ત્રણ ચોગ્ગા, છ છગ્ગા
સાથે 55 રન, વિષ્ણુ સોલંકીએ 16 દડામાં બે ચોગ્ગા, છ છગ્ગા સાથે પ0 રન અને શાશ્વત રાવતે 16 દડામાં ચાર ચોગ્ગા,
ચાર છગ્ગા સાથે 43 રનની ઇનિંગ રમી હતી. સિક્કિમના બોલર રોશનકુમારે ચાર ઓવરમાં વિના
વિકેટે 81 રન લૂંટાવ્યા હતા. જે પણ એક રેકોર્ડ બન્યો છે.