• રવિવાર, 26 જાન્યુઆરી, 2025

ભારત સામે પિન્ક બોલની પરીક્ષા : આજથી ડે-નાઈટ ટેસ્ટ

એડિલેડ, તા.પ : પ્રથમ ટેસ્ટની શાનદાર જીતથી આત્મવિશ્વાસથી ઓતપ્રોત ભારતીય ટીમ શુક્રવારથી અહીં શરૂ થઇ રહેલ બીજી ટેસ્ટમાં વિજય અભિયાન આગળ ઘપાવવા અને ડે-નાઇટ ટેસ્ટમાં પોતાનો રેકોર્ડ સુધારવાના મકકમ નિર્ધાર સાથે મેદાનમાં ઉતરશે. એડિલેડમાં ગુલાબી દડાથી રમાનાર બીજી ટેસ્ટમાં વાપસી કરનાર ભારતીય કપ્તાન રોહિત શર્મા મધ્યક્રમમાં બેટિંગ કરશે તે હવે નિશ્ચિત બની ચૂક્યું છે. આથી ભારતના દાવનો પ્રારંભ ફરી યશસ્વી જયસ્વાલ-કેએલ રાહુલ કરશે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા તેની ઇલેવનમાં અનફિટ જોશ હેઝલવૂડના સ્થાને સ્કોટ બોલેંડને તક આપશે. ઓસ્ટ્રેલિયા ટીમ ડે-નાઇટ ટેસ્ટમાં તેના ચાલ્યા આવતા વર્ચસ્વને આગળ વધારવા કોશિશ કરશે. જો કે તેના સામે આ વખતે ટીમ ઇન્ડિયાને પાર પાડવાની કઠિન કસોટી છે. મેચ ભારતીય સમય અનુસાર શુક્રવારથી સવારે 9-30થી શરૂ થશે. ટીમ ઇન્ડિયાએ પર્થ ટેસ્ટમાં તમામ વિપરિત પરિસ્થિતિ વચ્ચે બુમરાહની આગેવાનીમાં 29પ રને જીત હાંસલ કરી હતી અને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઇ બનાવી હતી. જો કે હવે નવો પડકાર છે અને તે એડિલેડમાં ડે-નાઇટ ટેસ્ટ મેચનો છે. જ્યાં પાછલા પ્રવાસમાં ટીમ ઇન્ડિયા પિન્ક બોલથી 36 રનમાં ઢેર થઇ હતી. જો કે એ પછી શ્રેણી જીતી હતી. ગુલાબી દડાથી બોલરને વધારાનો સીમ મૂવમેન્ટ મળે છે. આ પડકારને પાર પાડવા ભારતીય બેટધરોએ તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. ઓસ્ટ્રેલિયાનો ડે-નાઇટ ટેસ્ટમાં રેકોર્ડ સારો છે. અત્યાર સુધી ઘરેલુ ધરતી પર જે 12 ટેસ્ટ રમાયા છે તેમાં ફક્ત એક મેચમાં જ હાર સહન કરી છે. જો કે આ વખતે પર્થ ટેસ્ટની હારથી પેટ કમિન્સ પર દબાણ રહેશે. ભારતીય ઇલેવનના બેટિંગ ઓર્ડરમાં ફેરફાર નિશ્ચિત છે. કપ્તાન રોહિત શર્મા અને શુભમન ગિલની વાપસી નિશ્ચિત છે. કપ્તાન રોહિત ઓપનિંગ છોડી મીડલઓર્ડરમાં આવશે. જેથી સારા ફોર્મમાં રમી રહેલ યશસ્વી અને રાહુલ દાવનો પ્રારંભ કરી શકે. વન ડાઉનમાં ગિલ આવશે કે રોહિત તે નિશ્ચિત નથી. કપ્તાન રોહિતનો ઓસ્ટ્રેલિયામાં બેટિંગ રેકોર્ડ બહુ સારો નથી. તેની કોશિશ આંકડા સુધારવા પર હશે. તાજેતરની બે હોમ સિરીઝમાં પણ તે સારો દેખાવ કરી શકયો નથી. જયારે યુવા યશસ્વી અને અનુભવી કોહલી તેમનું ફોર્મ જાળવી રાખવા માગશે.  ભારતના બોલિંગ વિભાગમાં ફેરફારની સંભવાના નહીંવત છે. બે અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજા ઇલેવનમાં સામેલની રેસમાં છે. જો કે કોચ ગૌતમ ગંભીર વોશિંગ્ટન સુંદરને વધુ એક તક આપવા માંગશે. જસપ્રિત બુમરાહ ફરી એકવાર ટીમ ઇન્ડિયા માટે એકસ ફેકટર બની રહેશે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ શ્રેણીમાં જો વાપસી કરવી હશે તો સ્ટીવ સ્મિથ, ઉસ્માન ખ્વાઝા, માર્નસ લાબુશેન જેવા બેટર્સે તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. ઓસ્ટ્રેલિયાની ચિંતા ફકત બેટિંગ જ નથી, બોલિંગ પણ છે. જે પર્થની બીજી ઇનિંગમાં પૂરી રીતે નિષ્ફળ રહી હતી. તેનો પ્રમુખ ઝડપી બોલર હેઝલવૂડ ઇજાને લીધે બહાર થયો છે. આથી સ્કોટ બોલેંડ 18 મહિના પછી ટેસ્ટ રમશે. તે સતત ઓફ સ્ટમ્પ બહાર બોલિંગ કરવા માટે માહિર છે. જે ભારતીય બેટધરો માટે એક અલગ ચુનૌતિ બની રહેશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd