રાજકોટ, તા. 17 : પ્રકાશના પર્વ દિવાળી આડે ત્રણેક
સપ્તાહ જેટલો સમય બાકી છે, બરાબર ત્યારે
જ સૌરાષ્ટ્ર-કચ્છ પર કાળી ચૌદસ જેવા અંધારાનું વીજ સંકટ તોળાઈ રહ્યું છે. વર્તમાન સમયમાં
પીજીવીસીએલ પુરવઠાના મોટા દબાણનો સામનો કરી રહ્યો છે ત્યારે વીજ માગમાં થયેલો અનિયંત્રિત
વધારો અને વીજ પુરવઠાની સ્થિતિ નાજુક બનતા ઉદ્યોગગૃહો અને પીજીવીસીએલ માટે આ બાબત ચિંતાનો
વિષય બની છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ સૌરાષ્ટ્ર અને કચ્છના રાજકોટ,
જામનગર, જૂનાગઢ, કચ્છ,
અમરેલી, ભાવનગર, મોરબી,
વગેરે 12 જિલ્લાઓમાં
વીજ વિતરણનું વિશાળ નેટવર્ક સંભાળે છે. જેમા 60 લાખ જેટલા ગ્રાહકો જોડાયેલા
છે. જેમાં કૃષિ અને ઔદ્યોગિક ગ્રાહકોનો મોટો હિસ્સો છે. સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો
અનુસાર વર્તમાન સમયે ક્ષેત્રમાં જ વીજ માંગ 10,500થી 11,500 મેગાવોટની
સપાટી વટાવી ગઈ છે. - સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજસંકટનાં કારણો : - મોરબી, મુંદરા અને રાજકોટના ઉદ્યોગોની ભારે વીજ માંગ
- કંડલા,
મુંદરા, અંજારમા પોર્ટ, સ્ટીલ
પાવર પ્લાન્ટ્સ, કેમિકલ હબ અને ગ્રીન હાઇડ્રોજન, ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સના કારણે 24 કલાક અવિરત વીજળીની માંગ
- મોરબીમાં સિરામિક અને રાજકોટ-શાપર-મેટોડા સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં
ઉત્પાદનના મોટા પ્લાન્ટને કારણે ભારે વીજ માગ - ચોમાસા બાદ કપાસ, મગફળી અને શિયાળુ પાકની વાવણી માટે સૌરાષ્ટ્રના 4.5 લાખથી વધુ કૃષિ કનેક્શનો પર
એકસાથે વીજળીનો ઉપાડ શરૂ થતાં ગ્રામીણ ફીડરો પર ઓવરલાડિંગની સમસ્યા - સૌરાષ્ટ્ર-કચ્છ કિનારે આવેલા મુંદરા અને
સિક્કા જેવા થર્મલ પાવર પ્લાન્ટ્સમાં આયાતી કોલસાની સપ્લાય ચેઇનમાં વિક્ષેપના કારણે
સ્થાનિક વીજ ઉત્પાદનમાં ઘટ - આ વર્ષે વરસાદ
ઓછો થયો છે. માટે મોટા ડેમ-જળાશયોમાંથી થતું વીજ ઉત્પાદન ઘટયું છે. - હાલમાં પવનની ગતિ પણ સાધારણ હોવાથી વિન્ડમિલમાંથી પણ પાવર મર્યાદીત
માત્રામાં ઉત્પાદિત થાય છે. - સૌરાષ્ટ્ર-કચ્છને
મળતી અડધાથી પણ વધુ માત્રાની વીજ સપ્લાય કોલસા આધારિત હતી. હોર્મુઝમાં યુદ્ધની સ્થિતિ, કોલસાનું મર્યાદીત ઉપ્તાદન.વર્તમાન માગને પહોંચીવળવા
સામે કોલસાના પરિવહનની અપુરતી વ્યવસ્થાને કારણે વીજ પુરવઠો ઓછો મળી રહ્યો છે. - સૌરાષ્ટ્ર-કચ્છમાં સોલાર રિન્યુએબલ એનર્જીનું
નેટવર્ક ઘણું મોટું છે. દિવસ દરમિયાન સોલાર પાવર મળી રહે છે, પરંતુ સાંજે 6 થી જ્યારે સોલાર બંધ થાય છે ત્યારે અચાનક
ગ્રીડ પર પીક લોડ આવે છે, જે સંભાળવું
પીજીવીસીએલ માટે પડકારજનક બન્યું છે.