ભુજ, તા. 27 : ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી
ત્રિકમભાઈ છાંગાએ દયાપર ખાતે સામાજિક વનીકરણ વિભાગ કચ્છ દ્વારા આયોજિત 77મા વન મહોત્સવની જિલ્લાકક્ષાની ઉજવણી કાર્યક્રમનો
પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યમંત્રી શ્રી છાંગાએ જણાવ્યું હતું કે, પ્રથમ સરહદી તાલુકા ખાતે જિલ્લાકક્ષાના વન મહોત્સવના
આયોજનથી નાગરિકોમાં પર્યાવરણ ક્ષેત્રે વિશેષ જાગૃતિ આવશે. વૃક્ષોના વાવેતર અને ઉછેરમાં
નાગરિકોનો સહયોગ ખૂબ જ જરૂરી છે. વન વિભાગ અને નાગરિકોના સહિયારા પ્રયાસથી આ વિસ્તારને
વધુ હરિયાળો બનાવી શકાશે. પ્રાસંગિક પ્રવચન કરતાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ
જાડેજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં સરકાર મહત્તમ વૃક્ષોનું વાવેતર થાય અને
પર્યાવરણનું જતન થાય એ બાબતને પ્રાથમિકતા આપી રહી છે. છારીઢંઢને રામસર સાઈટની માન્યતા
બાદ અહીં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે સાથેસાથે રોજગારીની નવી તકોનું સર્જન થશે.
મિયાવાકી પદ્ધતિથી કચ્છ ખાતે વનકવચનાં નિર્માણને ઐતિહાસિક કામગીરી ગણાવીને ઉમેર્યું
હતું કે, ખેડૂતોએ પણ વન વિભાગની યોજનાનો લાભ લઈને શેઢે વૃક્ષોનું
વાવેતર કરવું જોઈએ. કચ્છ વન વર્તૂળના વન સંરક્ષક ડો. ધીરજ મિત્તલે વન મહોત્સવની ઉજવણીનો
મુખ્ય ઉદ્દેશ જણાવીને ઉમેર્યું હતું કે, આ ઉજવણીથી લોકો પર્યાવરણના
જતન બાબતે વધુ જાગૃત બનશે. તેઓએ લખપત સહિત સરહદી તાલુકાઓમાં વન વાવેતર મહત્તમ થાય તે
માટે વન વિભાગ અને સામાજિક વનીકરણ વિભાગ પ્રતિબદ્ધ છે તેમ ઉમેર્યું હતું. સામાજિક વનીકરણ
વિભાગ કચ્છના ગ્રીન કવર વધારવાના પ્રયાસો વિશે વિગતવાર માહિતી આપીને સામાજિક વનીકરણ
વિભાગના નાયબ વન સંરક્ષક જે. આર. પટેલે જણાવ્યું હતું કે, સરહદના
પ્રથમ તાલુકા એવા લખપત ખાતે જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઉજવણીથી આ વિસ્તારને વધુ હરિયાળો
બનાવી શકાશે. જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણના માર્ગદર્શન બદલ વિશેષ આભારની લાગણી
વ્યક્ત કરી હતી. વિશિષ્ટ કામગીરી કરનારા વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને પર્યાવરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારી સંસ્થાઓને પ્રશસ્તિપત્ર
આપીને બિરદાવવામાં આવી હતી. 77મા વન મહોત્સવની ઉજવણી નિમિત્તે દયાપર ખાતે લોકોના આરોગ્યની
તપાસ માટે હેલ્થ વિભાગના સહયોગથી મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. ખાસ કરીને કચ્છ
જિલ્લાની સ્થાનિક વનસ્પતિ અને વૃક્ષોનાં વાવેતરને પ્રાથમિકતા આપીને સામાજિક વનીકરણ
વિભાગ દ્વારા વિવિધ બીજ એકત્રિત કરવામાં આવ્યા છે. આ બીજમાંથી રોપાઓ તૈયાર કરીને આગામી
સમયમાં વાવેતર કરાશે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર એલ. બી. ભરવાડે સ્વાગત પ્રવચન કરીને સૌ મહાનુભાવોને
આવકાર આપ્યો હતો. આભારવિધિ મદદનીશ વન સંરક્ષક
પી. એન. વાઘેલાએ કરી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રભાબેન, પશ્ચિમ
કચ્છ વન વિભાગના નાયબ વનસંરક્ષક હર્ષ ઠક્કર, મામલતદાર નવીનચંદ્ર
મારૂ, અગ્રણી મેઘજીભાઈ બલિયા, મોડભાઈ સુમરા,
જિલ્લા પંચાયત સદસ્યો, મદદનીશ વન સંરક્ષક જે. બી.
જોશી, રેન્જ ફોરેસ્ટ ઓફિસરો સહિત વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો મોટી
સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.