ભુજ, તા. 4 : કચ્છમાં રવિવારે ગગડેલો
મહત્તમ પારો ફરી ઊંચકાતાં કાળઝાળ ગરમીનો અનુભવ થયો હતો. જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં
તાપના સામ્રાજ્ય વચ્ચે વાગડના ખારોઈ અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદનાં ઝાપટાં
વરસ્યાં હતાં. ભુજમાં એકસામટો પારો ત્રણ ડિગ્રી ઊંચકાઈ 41 ડિગ્રીના આંકે પહોંચતાં આકરી ગરમીનો અનુભવ થયો હતો.
રાજ્યમાં રાજકોટ અને સુરેન્દ્રનગર બાદ ભુજ ત્રીજા નંબરનું ગરમ મથક બન્યું હતું. પવનની
ઝડપ મંદ પડતાં તાપની તીવ્રતા વધુ પ્રમાણમાં અનુભવાઈ હતી. કંડલા (એ.)માં 39.7, નલિયામાં 35 અને
કંડલા પોર્ટમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું
હતું. રાત્રિના સમયે ઉકળાટનો માહોલ જળવાયેલો
રહ્યો હતો. હવામાન વિભાગે ગરમી અને ઉકળાટનો માહોલ આગામી સપ્તાહ દરમિયાન જળવાયેલો
રહેશે તેવી આગાહી કરી છે. ભચાઉના અહેવાલ અનુસાર તાલુકાના ખારોઈ-નેર સહિતના વિસ્તારમાં
પવન-ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં વરસતાં થોડા સમય માટે ઠંડક પ્રસરી હતી. કેરી સહિતના
બાગાયતી પાકોને નુકસાનની ભીતિ વ્યક્ત કરાઈ હતી.