ભુજ, તા. 20 : ગુજરાતની સાથે કચ્છમાં ચોમાસાંનું
આગમન લંબાતાં ચિંતાનાં વાદળો છવાતાં જોવા મળી રહ્યાં છે. હજુ જૂન માસના બાકી દિવસો
લગભગ વરસાદવિહોણા પસાર થાય તેવા હવામાન વિભાગના વર્તારા વચ્ચે આજે સવારે ભુજ તાલુકાના
કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં ઝરમર વરસાદથી રસ્તા ભીંજાયા હતા. જિલ્લાના અન્ય વિસ્તારોમાં
વાદળો અને તડકાની સંતાકુકડી વચ્ચે ધૂપ-છાંવનો માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગે
રવિવારે કેટલાંક સ્થળે છૂટોછવાયો વરસાદ વરસે તેવી આગાહી કરી છે, પણ તે બાદ વરસાદ વરસવાની કોઇ સંભાવના દેખાડવામાં
આવી નથી. કંડલા (એ.) અને કંડલા પોર્ટમાં 39 તો ભુજમાં 37 ડિગ્રી તાપમાને ઉકળાટનો અનુભવ યથાવત્ રહ્યો હતો. જિલ્લામાં સરેરાશ
10થી 15 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. દરમ્યાન આજે સવારે ભુજના કેટલાક
ગ્રામીણ વિસ્તારમાં અમીછાંટણા રૂપે ઝરમરિયો વરસતાં માર્ગો ભીંજાયા હતા. ત્રણેક દિવસથી
પ્રિ-મોન્સૂન ગતિવિધિના ભાગરૂપે અલગ-અલગ વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આમ છતાં
જિલ્લામાં પ્રિ-મોન્સૂન વરસાદી ગતિવિધિનો માહોલ પણ જોઇએ તેવો જામતો જોવા મળી રહ્યો
નથી. રાજ્યમાં અપર એર સાયક્લોનિક
સર્ક્યુલેશન સહિતની સિસ્ટમ સર્જાઇ છે. વાતાવરણમાં ભેજ પણ વધી રહ્યો છે, તે જોતાં આગામી દિવસોમાં વરસાદી ગતિવિધિ વધે
તે માટેનો માહોલ ઊભો થઇ રહ્યો છે.