• રવિવાર, 21 જૂન, 2026

સ્વાસ્થ્ય સાથે કારકિર્દી : યુવાનોનો યોગ તરફ વધતો ઝુકાવ

હેતલ પટેલ : ભુજ, તા. 20 : વિશ્વભરમાં સ્વાસ્થ્ય અને સુખાકારી અંગે વધતી જાગૃતિ વચ્ચે યોગનું મહત્ત્વ સતત વધી રહ્યું છે. ભારતની પ્રાચીન ઋષિ પરંપરાની અમૂલ્ય વિરાસત ગણાતો યોગ આજે દેશ-વિદેશમાં લોકોની દૈનિક જીવનશૈલીનો હિસ્સો બન્યો છે. શારીરિક તંદુરસ્તીથી લઈને માનસિક શાંતિ અને આધ્યાત્મિક વિકાસ સુધી યોગની સકારાત્મક અસર અનુભવાઈ છે. દર વર્ષે 21 જૂને ઊજવાતો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ યોગના વૈશ્વિક મહત્ત્વને ઉજાગર કરે છે. સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા યોગના પ્રચાર માટે અનેક નિ:શુલ્ક તાલીમ અને વર્ગો ચલાવવામાં આવી રહ્યા છે. આ સાથે હવે શાળા, કોલેજ, કોર્પોરેટ, હોસ્પિટલ, ફિટનેસ સેન્ટર, વેલનેસ રિસોર્ટ્સ સુધી યોગ નિષ્ણાતની જરૂરિયાત ઉદ્ભવી છે, ત્યારે આજની યુવા પેઢી યોગને કારકિર્દીના નવા વિકલ્પ તરીકે સ્વીકારી રહી છે. - સકારાત્મક બદલાવનું માધ્યમ : ભુજમાં છેલ્લા દસ વર્ષથી નેચરોપાથ કન્સલ્ટન્ટ અને યોગ ઈન્સટ્રક્ટર તરીકે કાર્યરત ઈવા વોરા પટેલ કહે છે કે, યોગને માત્ર રોજગારનું સાધન નહીં, પરંતુ લોકોનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું માધ્યમ બનાવ્યું છે. તેણી હઠયોગ, પ્રાણાયામ, ધ્યાન-મેડિટેશન સહિતની વિવિધ યોગ પદ્ધતિઓની તાલીમ આપે છે. હાલમાં ઓનલાઈન માધ્યમથી ફેસ યોગા તાલીમ શરૂ કરી છે. તેમાં પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું જણાવ્યું હતું. - સીમાચિહ્ન સમાન : એમ.એસ.મી. ઈન યોગા પૂર્ણ કરી હાલમાં યોગ વિષયમાં પીએચ.ડી.નો અભ્યાસ કરતી મૂળ ભુજની હિના રાજગોરે વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક મેળવીને અજોડ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. 10 વર્ષથી યોગને સાધીને એક યોગ થેરાપિસ્ટ, ટ્રેઈનર તેમજ યોગાસન એથ્લેટ તરીકે ઓળખ ધરાવે છે તેમજ ગુજરાત સુપર મોડેલ -2022નો ખિતાબ પણ જીત્યો છ.ઁ હિના જણાવે છે કે, ડબલ્યુ.એચ.ઓ.ની વ્યાખ્યા મુજબ આરોગ્ય માત્ર નિરોગી હોવું નહીં, પરંતુ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારીની સ્થિતિ છે. નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસો થકી વિશ્વમાં યોગ એક વ્યાપક વિષય બન્યો છે. - શરીરને રિચાર્જ કરીએ : યોગાચાર્ય વિરલ આહીર જણાવે છે કે, જેમ મોબાઇલને રોજ ચાર્જ કરવાની જરૂર પડે છે, તેમ શરીર અને મનને તંદુરસ્ત રાખવા માટે દરરોજ ઓછામાં ઓછો એક કલાક યોગ, પ્રાણાયામ અને ધ્યાન જરૂરી છે. આજના સમયમાં ફાસ્ટફૂડ, વ્યસનો, તણાવ, ડિપ્રેશન વચ્ચે યોગ આરોગ્યપ્રદ જીવન માટે અસરકારક સાધન છે. વિશ્વના અનેક અભ્યાસો મુજબ સૂર્યનમસ્કાર ઓછા સમયમાં વધુ કેલરી ખર્ચ કરાવતી અને સમગ્ર શરીરને સક્રિય બનાવતી શ્રેષ્ઠ કસરતોમાંની એક છે. વિરલ આહીર છેલ્લાં 16 વર્ષથી યોગ અને નેચરોપેથી ક્ષેત્રે કાર્યરત છે. તેઓ બીજા ધોરણથી યોગાભ્યાસ સાથે જોડાયેલા છે અને તેમણે ગુરુ, સ્વામી રામદેવની ગુરુ પરંપરાથી પ્રેરણા મેળવી છે. આદિપુર અને અંજારમાં વિરલ યોગા અને નેચરકેર તેમના યોગ કેન્દ્રો કાર્યરત છે, જ્યાં દરરોજ 250થી વધુ લોકો યોગ અને કુદરતી ઉપચારની તાલીમ લે છે. તેઓ અને તેમની પત્ની બંને યોગ કોચ તથા નેચરોથેરાપિસ્ટ તરીકે કાર્યરત છે. તેઓ ભારતભરમાં શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, કોર્પોરેટ સંસ્થાઓ અને સામાજિક કાર્યક્રમોમાં યોગ તાલીમ આપે છે. - વૈશ્વિક સ્તરે યોગ ટીચરની ખૂબ માંગ : યોગ અને યોગાસનો વચ્ચેનો ભેદ જણાવતાં પશ્ચિમ કચ્છ યોગ સંયોજક તરીકે કાર્યરત વિજયકુમાર શેઠ જણાવે છે કે, યોગ એટલે લાઇટ સ્ટાઇલ. આયુર્વેદ ગ્રંથોમાં જણાવ્યું છે કે, મન, આત્મા, ઇન્દ્રિય પ્રસન્ન છે તે સ્વાસ્થ્ય છે. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ત્રણેય સાથે યોગ કેન્દ્રીય છે. વર્ષ 2025 સુધીમાં દોઢ લાખથી વધુ યોગ કોચ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તાલીમ અપાઇ છે. સમગ્ર વિશ્વમાં યોગ ટીચરની જરૂર છે, ત્યારે લાઇફ ટાઇમ યોગ આચાર્યની ખૂબ માંગ છે. યોગાભ્યાસ માટે સ્પેશિયલ યોગની યુનિવર્સિટીઓ ખૂલી છે જ્યાં સંપૂર્ણ જ્ઞાન ડિગ્રી સાથે પ્રાપ્ત કરી શકાય છે. આયુષ મંત્રાલય દ્વારા તેમજ મોરારજી દેસાઇ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ યોગા હેઠળ પણ તાલીમ અપાય છે. આ ક્ષેત્રે ભારત સરકારના 15 મંત્રાલય સમગ્ર વિશ્વમાં ચાલે છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત માહિતી |||.લતુબ.શક્ષ પર ઉપલબ્ધ છે. - પૂર્વ કચ્છમાં 78 યોગ કેન્દ્ર કાર્યરત : પૂર્વ કચ્છ જિલ્લા યોગ સંયોજક પૂજાબેન લાલવાની જણાવે છે કે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ હેઠળ પૂર્વ કચ્છમાં ગાંધીધામ, આદિપુર, અંજાર, ભચાઉ અને રાપર સહિતના વિસ્તારોમાં હાલમાં 78 યોગ કેન્દ્ર કાર્યરત છે, જેમાં નિયમિત નિ:શુલ્ક યોગ તાલીમ આપવામાં આવે છે અને સાધકોને યોગ સાથે જોડવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. યોગ ક્ષેત્રે સક્રિય કાર્યરત રહી પૂજાબેને અત્યાર સુધી 14થી વધુ યોગ શિબિરોમાં કોચ તરીકે સેવા આપી છે. આ ઉપરાંત ભાજપના નગરસેવિકા તરીકે પણ કાર્યરત છે. રાજ્યભરમાં યોગના વ્યાપને વધારવા ટ્રેઈનરોને એક-બે માસની ટૂંકાગાળાની તાલીમ બાદ સર્ટિફિકેટ પણ અપાય છે અને નવા ટ્રેઈનરો અને કોચ આ ક્ષેત્રમાં સેવારત રહે છે. - યોગનું મહત્ત્વ અકબંધ : ભુજમાં છેલ્લાં 12 વર્ષથી યોગ સાથે પ્રોફેશનલી જોડાયેલા વેદાંગ યોગ સ્ટુડિયો ચલાવતા પૂર્વીબેન સોની જણાવે છે કે, શાળાકાળ દરમ્યાન મુંબઇના યોગ શિક્ષક વિપુલાબેન શાહ પાસેથી મળેલી તાલીમ અને પ્રેરણાથી તેઓ યોગ ક્ષેત્ર સાથે જોડાયા. યોગમાં પીજી અભ્યાસ ઉપરાંત તેમણે બિહાર મુંગર વિદ્યાપીઠમાંથી વિશેષ તાલીમ મેળવી છે અને વર્ષ 2021માં યોગ ક્ષેત્રે વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. તેઓ સ્થાનિક ઉપરાંત સ્વિત્ઝર્લેન્ડ, જર્મની અને યુ.કે. જેવા દેશોના લોકોને પણ ઓનલાઇન યોગ તાલીમ આપી રહ્યા છે. - સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ : યોગ એક `નેવર એન્ડિંગ અને એવર ગોઇંગ' ક્ષેત્ર હોવાનું જણાવતાં ગાંધીધામમાં ચાર વર્ષથી ત્રાટક યોગ સ્ટુડિયો ખાતે યોગ અને મેડિટેશનની તાલીમ આપતા સ્થાપક સીમાબેન સિંઘવી, સહસ્થાપકમાં તેમની પુત્રીઓ આશિતા સિંઘવી એરિયલ યોગા-હેમોક, સિલ્ક અને હૂક તથા અંશિતા સિંઘવી ડાન્સ અને વર્કઆઉટની તાલીમ એક જ છત હેઠળ આપી લોકોને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તરફ પ્રેરિત કરે છે. સીમાબેન જણાવે છે કે, કોરોનાકાળ દરમ્યાન મોટાભાગની પ્રવૃત્તિઓ બંધ હતી, ત્યારથી લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત બન્યા અને યોગા-વર્કઆઉટ તરફ વળ્યા. ત્યારથી સમાજમાં `હેલ્થ કોન્સિયસનેસ'માં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. 

Panchang

dd