• રવિવાર, 21 જૂન, 2026

ગાંધીધામ તાલુકા આરોગ્ય વિભાગ સ્ટાફ વગર ઓક્સિજન ઉપર

ગાંધીધામ, તા. 20 : છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે માનવબળ આવશ્યક છે, નહીંતર હોસ્પિટલમાં પણ યોગ્ય સમયે યોગ્ય સારવાર મળતી નથી. આવી જ સ્થિતિ ગાંધીધામ તાલુકા આરોગ્ય વિભાગમાં છે.  અહીં મહત્ત્વના 15થી વધુ તબીબ સહિત 35થી વધુ જગ્યા ખાલી પડી છે, જેના કારણે આરોગ્ય સેવાઓ ઉપર ગંભીર અસર પડી રહે છે. 50થી 70 ટકા સુધી જગ્યાઓ ખાલી હોવાથી આરોગ્ય વિભાગ ઓક્સિજન ઉપર આવી ગયો છે. આરોગ્ય વિભાગના અલગ અલગ અર્બન સેન્ટરોની મુલાકાત દરમિયાન તબીબોની જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું હતું. આદિપુરમાં ત્રણ, ગણેશનગર એક, રેડક્રોસ એક, સપનાનગર એક, કિડાણા બે સહિત કુલ સાત જગ્યા ઘણા લાંબા સમયથી ખાલી છે. અન્ય સેન્ટરો ઉપર તબીબો પરીક્ષાની તૈયારી અંગે રજામાં  ગયા છે.   હાલના સમયે આદિપુરમાં ડોક્ટર છે, તે પણ જો રજામાં જશે, તો તમામ સેન્ટર ડોક્ટર વગરના બની જશે. હાલ અર્બન આયુષ્યમાન મંદિરના ડોક્ટરને ચાર્જ આપીને ગાડું ગબડાવાય છે. તેમાં પણ 10 પૈકીની પાંચ જગ્યા ખાલી છે એટલે એક તબીબ પાસે બેથી ત્રણ સેન્ટરનો ચાર્જ છે. આવી સ્થિતિમાં આરોગ્ય સેવાઓ લોકોને મળે તે મુશ્કેલ બન્યું છે. સ્ટાફની જગ્યાઓ ઘણા સમયથી ખાલી હોવાથી  રસીકરણ અને ફિલ્ડની કામગીરી બંધ જેવી છે. કોર્પોરેશન બનતા બદલી અને સ્ટાફની માંગના કારણે 53 પૈકી 25 જગ્યા લાંબા સમયથી ખાલી છે. એફએચ.ડબલ્યુ.ને ચાર્જ આપવામાં આવ્યો છે. પરીક્ષાના કારણે રજાઓમાં જતાં હાલે કાયમી 10 બહેન હાજર છે તેની સીધી અસર રસીકરણ,  મમતા દિવસ વગેરે કામગીરી ઉપર પડી રહી છે. આશાબહેનોએ જગ્યાઓ ભરવા માટે જિલ્લા કક્ષાએ ફરિયાદ, રજૂઆત કરી છે, પરંતુ કોઈ નિર્ણય કે નિરાકરણ આવતું નથી.  સુપરવાઇઝરોની જગ્યાઓ પણ ખાલી છે. તેવામાં વારંવાર વીસી થતી હોવાથી સુપરવાઇઝર અને અધિકારીઓ તેમાં વ્યસ્ત રહે છે, જેથી કામગીરી કરશે કોણ તે સહિતના સવાલો ઊભા થયા છે.  આ ઉપરાંત આરબીએસકેમાં પણ જગ્યાઓ ખાલી હોવાથી શાળા પ્રવેશોત્સવ તથા આરોગ્ય તપાસણી અને સ્કૂલના રસીકરણ સહિતની સેવાઓ ઉપર પણ પ્રશ્ન ઊભા થયા છે. 

Panchang

dd