ભુજ, તા. 11 : કચ્છમાં ગાંધીધામ મહાનગરપાલિકા, પાંચ નગરપાલિકા, 9 તા. પંચાયત અને જિ. પંચાયતની 448 બેઠક માટે 26મી એપ્રિલે યોજાનાર ચૂંટણી જંગમાં ઉમેદવારોએ
પોતાનું નામાંકન ભરી દાવેદારી નોંધાવી છે. ધારણા અનુસાર જ ફોર્મ ભરવાના અંતિમ દિવસે
1336 સાથે કુલ્લ 1579 ફોર્મ ભરાયા છે. ઉમેદવારી પત્રક
ભરવા ભારે ધસારો જોવા મળતાં લોકશાહીના મેળાનો માહોલ જામ્યો હોય તેવો નજારો જોવા મળ્યો
હતો. ભરાયેલ તમામ ફોર્મની સોમવારે ચકાસણી કરવામાં આવશે. બુધવારે ઉમેદવારી ફોર્મ પરત
ખેંચવાનો છેલ્લો દિવસ છે. આ દિવસે જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી જંગમાં કેટલા
ઉમેદવાર બાકી રહ્યા તેનું આખરી ચિત્ર સ્પષ્ટ થઈ જશે. - આકરા તાપ વચ્ચે ફોર્મ ભરવાનો
ધમધમાટ : મુખ્ય રાજકીય પક્ષો ભાજપે તેના ઉમેદવારોની
યાદી શુક્રવારે જાહેર કરી તો કોંગ્રેસે સતાવારયાદી જાહેર કરવાના બદલે સંબંધિત ઉમેદવારને
સીધો મેન્ડેટ આપી દેવાતા ફોર્મ ભરવાની પ્રક્રિયા ઉમેદવારોએ હાથ ધરી હતી. શનિવારે સવારથી
આભમાંથી વરસતી અગનવર્ષા વચ્ચે રાજકીય પારો પણ આકરા પાણીએ થયો હોય તેમ ઉમેદવારી ફોર્મ
ભરવાનો ધમધમાટ જોવા મળ્યો હતો. જિલ્લા ... દ્વારા 34 સ્થળે ઉમેદવારી ફોર્મ ભરવાની વ્યવસ્થા ગોઠવાઈ ત્યાં ઉમેદવારો
અને તેમના ટેકેદારોનો ધસારો જોવા મળ્યો હતો. - વાજતે-ગાજતે ફોર્મ ભર્યા : ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી
તેમજ અન્ય પક્ષના ઉમેદવારો વાજતે ગાજતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા.
જેમને ટિકિટ મળી છે એવા ચૂંટણી લડનારા મુરતિયાઓની સાથે તેમના ટેકેદારોની હાજરીના પગલે
જિલ્લાની પ્રાંત, મામલતદાર અને તા. પંચાયત સહિતની અન્ય કચેરીઓમાં
ભારે ધમધમાટ જોવા મળ્યો હતો. - આકરા તાપમાં છાંયડાની શોધ : ચૈત્ર માસના તાપે પોતાનો અસલ મીજાજ દેખાડતાં
ફોર્મ ભરવાની પ્રક્રિયા પર તેની સ્પષ્ટ અસર વર્તાતી જોવા મળી હતી. ગરમીના લીધે પરસેવે
રેબઝેબ થતાં ઉમેદવારોના ટેકેદારો છાયડાની શોધમાં જોવા મળ્યા હતા. ફોર્મ ભરવાના સ્થળોની
આસપાસ નાના ધંધાર્થીઓને તડકો પડી ગયો હતો. - ભુજ નગરપાલિકા અને તાલુકા પંચાયત માટે ઉત્સાહ : ભુજમાં પ્રાંત, મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે નગરપાલિકા
તેમજ જિલ્લા-તાલુકા પંચાયતની બેઠક માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા વેળાએ ભારે ધમધમાટ જોવા
મળ્યો હતો. મુખ્ય રાજકીય પક્ષના કાર્યકરો ઉમંગ-ઉત્સાહ સાથે પોતાની દાવેદારી નોંધાવી
હતી. - ક્યાંક સામાન્ય ચકમક ઝરી : ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા એકંદરે
શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. કેટલાક સ્થળે રાજકિય પક્ષના કાર્યકરો બાબતે તો
ક્યાંક ફોર્મ ભરવા માટે પ્રવેશના મુદ્દે ચકમક ઝરતાં થોડો સમય માટે માહોલ ગરમાયો હતો. - ઉમેદવારો છેલ્લી ઘડીએ બદલ્યા : જિલ્લા તા. પંચાયત તેમજ નગરપાલિકાની કેટલીક
બેઠકો માટે મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસે જેમને ટિકિટ ફાળવી હતી એ ઉમેદવારો
છેલ્લી ઘડીએ બદલાયા હતા અને બદલાયેલ ઉમેદવારોએ નિયુક્ત અધિકારીઓ પાસે પોતાની દાવેદારી
નોંધાવી હતી. - 10 બેઠક બિનહરીફ થવા ભણી
: ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભુજ
નગરપાલિકામાં 5, અંજાર અને નખત્રાણા નગરપાલિકામાં
બે-બે, તો માંડવી તાલુકા પંચાયતમાં એક મળી 10 બેઠક બિનહરીફ થવા ભણી છે. હજુ
બુધવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે ત્યારે વધુ બેઠકો બિનહરીફ થાય તેવી સંભાવના
દેખાઈ રહી છે. - ઉમેદવારોને
સાચવવા હોટલો થઈ ગઈ બુક : ભુજ, તા. 11 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે નામાંકન પત્ર ભરવાના અંતિમ
દિવસે મુખ્ય હરીફ પક્ષો ઉપરાંત અપક્ષોનો રાફડો ફાટ્યો હતો તે સાથે આજથી રાજકીય ગતિવિધિ
તેજ બની છે. ભૂતકાળના કડવા અનુભવોના આધારે રાજકીય પક્ષો પણ પોતાના ઉમેદવારોને સાચવવા
સાબદા બન્યા છે. જે વિસ્તારમાં બાહુબલીઓનું જોર રહ્યું છે તેવા વિસ્તારના જિલ્લા તાલુકા
પંચાયતના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા સુધી હાથવગા રાખવા માટે પક્ષના આગેવાનોએ જૂની
અને જાણીતી ફોર્મ્યુલા આપનાવી છે. અગાઉથી બુક કરેલી હોટલોમાં દાવેદારોનું સ્થળાંતર
શરૂ થઈ ગયું છે. ખાસ કરીને એકસોથી દોઢસો કીમી દૂર ભુજ અને ગાંધીધામ સુધીની હોટલોમાં
વાહનોની અવરજવર જોવા મળી રહી છે. આવા હોટલમાં
`નજરકેદ'
આવા સતાવાર ઉમેદવારોનો કોઈ સંપર્ક ન કરી શકે તે માટે તેમના ફોન પણ કબ્જે
લઈ લેવાયા હોવાનું વિશ્વાસપાત્ર વર્તુળોએ કહ્યું હતું. ગુજરાતમાં ખજુરાહો પ્રકરણ પછી
હવે આજ પેટર્ન પર ચાલી રહેલા કાવાદાવા હવે છેક જિલ્લા અને તાલુકા પંચાયત કક્ષાએ પહોંચ્યા
છે. આના લીધે પણ હવે ગ્રામ્યસ્તરે પણ ચૂંટણી ખર્ચાળ બની છે. રાજકીય આગેવાનોને પોતાના
ઉમેદવારો પર કાબુ રાખવા માટે ખાસ્સી સરભરા અને મહેમાનગતિ આપવી પડે છે. હવે ચૂંટણી વખતે
લગ્નસરાની જેમ હવે હોટલ અને રિસોર્ટના ધંધા પણ ખીલી ઉઠે છે તેવું વર્તુળોએ ઉમેર્યું
હતું.