ઈસ્લામાબાદ, તા. 11 : વિશ્વભરની
મીટ જેના પર મંડાઈ છે એ અમેરિકા અને ઈરાન વચ્ચે આજે અહીં યુદ્ધવિરામ સહિતના મુદ્દે
ત્રણથી ચાર કલાક સુધી મંત્રણા ચાલી હતી, પણ લેબેનોન પર હુમલા બંધ કરવાની શરતને લઈને ઈરાન અડગ રહેતાં વાતચીત નક્કર પરિણામ
સુધી પહોંચી નહોતી. મીડિયા અહેવાલો મુજબ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સના નેતૃત્વ
હેઠળના અમેરિકી પ્રતિનિધિ મંડળ અને ઈરાન સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ઘાલિબાફના વડપણ
હેઠળ ઈરાની ડેલિગેશને પાકિસ્તાનની રાજધાનીમાં યોજાયેલી મંત્રણામાં હોર્મુઝની ખાડી,
લેબેનોન પર ઈઝરાયલના હુમલા સહિતના મુદ્દા આવરી લીધા હતા અને આવતીકાલે
પણ બેઠક જારી રહે તેવી શક્યતા છે. બેઠક પૂર્વે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે
ફરી એકવાર ઈરાનને ધમકી આપતાં કહ્યું હતું કે, વાટાઘાટો નિષ્ફળ
રહી તો ઈરાન પર ફરી હુમલા કરાશ, અમે હોર્મુઝમાંથી માઈન્સ હટાવવા
માટે ઉપકરણો લાવી રહ્યા છીએ. બીજી તરફ ઈરાને પણ પલટવારમાં કહ્યું હતું કે, અમારા પર ગેરકાનૂની રીતે યુદ્ધ થોંપવામાં આવ્યું છે અને હોર્મુઝમાંથી અમેરિકી
જહાજ પસાર થયાં તો હુમલો થશે. વાતચીત નિષ્ફળ રહે તો હત્યાઓની વાત દબાણ નથી
? ઈરાને લેબેનોન પર હુમલા બંધ થવાની શરતનો પુનરોચ્ચાર કર્યો હતો. ઉલ્લેખનીય
છે કે, અમેરિકા અને ઈરાન વચ્ચે 1979 બાદ પહેલીવાર મોટા મંચ પર સામસામે
મંત્રણા યોજાઈ રહી છે. વિદેશી બેન્કોમાં ઈરાનના છ અબજ ડોલરને અનફ્રીઝ કરવાના અહેવાલ
વ્હાઈટ હાઉસે નકાર્યા હતા. અગાઉ લોખંડી સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પાકિસ્તાનની રાજધાની
ઈસ્લામાબાદમાં આજે આ શાંતિ વાટાઘાટોનો આરંભ થયો હતો. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિના વડપણ
હેઠળનાં પ્રતિનિધિ મંડળે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે બેઠક કરી હતી. આવી
જ રીતે ઈરાનના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓએ પણ શરીફ અને અન્ય પાકિસ્તાની અધિકારીઓ સાથે
બેઠક કરી હતી. ઈરાનના પ્રતિનિધિ મંડળમાં સંસદના સ્પીકર મોહમ્મદ બઘેર ઘાલિબાફ અને વિદેશમંત્રી
અબ્બાસ અરાઘચી સામેલ છે. પાકિસ્તાનનાં ટોચના નેતૃત્વ સાથેની બેઠકમાં ઈરાનના પક્ષેથી
શાંતિ માટે પોતાની શરતો જણાવી દેવામાં આવી હતી. ઈરાન તરફથી પોતાનો પ્રસ્તાવ અને શરતો
પાકિસ્તાનના વડાપ્રધાન શરીફને સોંપી દેવામાં આવ્યા હતા. દરમિયાન મીડિયાના અહેવાલોથી
વિપરીત અમેરિકાએ આ વાટાઘાટો હકારાત્મક ચેષ્ટામાં ઈરાનની સ્થગિત કરી દેવામાં આવેલી સંપત્તિઓ
મુક્ત કરવાનો કોઈ નિર્ણય લેવાયો હોવાનું સ્પષ્ટ નકારી દીધું હતું. પાકિસ્તાનમાં આ શાંતિમંત્રણા ચાલતી હતી, ત્યારે જ બીજીબાજુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પે ઈરાનને નવી ધમકી આપી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં કોઈ પણ પ્રકારનો ટોલ વસૂલવા દેવાશે નહીં. ઉલ્લેખનીય
છે કે, ઈરાન હોર્મુઝમાંથી પસાર થતાં વેપારી જહાજો પાસેથી ટોલ
ઉઘરાવવાનો ઈરાદો ધરાવે છે, જેનો ઈન્કાર કરીને ટ્રમ્પે વાટાઘાટ
ઉપર દબાણ વધારી દીધું હતું. ટ્રમ્પે એવો પણ
દાવો કર્યો હતો કે, હોર્મુઝ ખાડીમાં ઇરાન દ્વારા બીછાવાયેલી સુરંગ
દૂર કરવા તેનાં જહાજો કામે લાગી ગયાં છે. તો બીજીબાજુ ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ
અરાઘચીએ પણ સ્પષ્ટ કહી દીધું હતું કે, અમેરિકાએ વારંવાર કરેલા વિશ્વાસઘાતનાં કારણે ઈસ્લામાબાદની વાટાઘાટમાં ઈરાન
પૂરેપૂરા અવિશ્વાસ સાથે જ સામેલ થયું છે. તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે, ઈરાન હવે અમેરિકા ઉપર બિલકુલ ભરોસો કરતું નથી. ઉલ્લેખનીય છે કે, ઈસ્લામાબાદની
વાટાઘાટ માટે ઈરાને પોતાની બહુ મોટી અને શક્તિશાળી ટીમ મોકલી છે, જેની આગેવાની સંસદના અધ્યક્ષ ઘાલિબાફ કરી રહ્યા છે. આ સિવાય વિદેશમંત્રી અરાઘચી,
સુપ્રીમ નેશનલ ડીફેન્સ કાઉન્સિલનાં સચિવ અલી અકબર અહમદિયાન, કેન્દ્રીય બેન્કના ગવર્નર અબ્દોલનાસેર હેમ્માતી અને સંસદના અન્ય સદસ્યો પણ
સામેલ છે, તો બીજીબાજુ અમેરિકા તરફથી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ,
અમેરિકાના પ્રાદેશિક દૂત સ્ટવ વિટકોફ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના જમાઈ અને
સલાહકાર જેરેડ કુશનર ઈસ્લામાબાદ પહોંચેલા છે, જેમનું સ્વાગત શરીફે
કર્યું હતું.