• રવિવાર, 12 એપ્રિલ, 2026

રાપર તાલુકા પંચાયતમાં 76, જિ.પં.માં 20 ફોર્મ ભરાયાં

રાપર, તા. 11 : ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ તારીખે ભાજપ-કોંગ્રેસ અને અમુક બેઠકો ઉપર આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા પંચાયતની પાંચ અને તાલુકા પંચાયતની 24 બેઠક માટે દાવેદારી નોંધાવાઈ હતી. આ દરમ્યાન  ચૂંટણી અધિકારીઓનાં કાર્યાલય ખાતે મેળા જેવો માહોલ સર્જાયો હતો. રાપર તાલુકા પંચાયતની 24 બેઠક માટે  કુલ 76 ઉમેદવારીપત્ર ભરાયાં હતાં. તા. 13-4ના ચકાસણી થશે અને ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તા. 15-4 છે. આખરે કેટલા ઉમેદવારો મેદાનમાં રહે છે એ તો 15-4 પછી સ્પષ્ટ થશે. જિલ્લા પંચાયતની પાંચ બેઠક માટે 20 ઉમેદવારીપત્ર ભરાયાં હતાં. ભાજપ દ્વારા  ઉમેદવારીપત્રો ભરતા પહેલાં ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં નવનિર્મિત ભાજપ કાર્યાલય ખાતે  સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં ઉમેદવારોને જરૂરી સૂચનો અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નશાભાઈ દૈયા, જયદીપાસિંહ જાડેજા, હમીરજી સોઢા, કાનજીભાઈ ગોહિલ, ડોલરરાય ગોર, રામજીભાઈ સોલંકી, મહેન્દ્રાસિંહ વાઘેલા, મહાદેવભાઈ ભૂષણ, કિશોરભાઈ મહેશ્વરી, સુરેશભાઈ મકવાણા, મદુભા વાઘેલા વગેરેએ પ્રાસંગિક ઉદ્બોધન કરી, વિજયનો વિશ્વાસ વ્યક્ત કરી  કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારી કામે લાગી જવા હાકલ કરી હતી. વાડીલાલ સાવલા, ચાંદ ઠક્કર, ભીખુભા સોઢા, લાલજી કારોત્રા, હઠુભા સોઢા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકર્તાઓનો ધસારો જોતાં વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ સર્જાયો હતો. બાદમાં વાજતેગાજતે સામૂહિક ઉમેદવારી નોંધાવવા ગામેગામથી કાર્યકર્તાઓ અને ટેકેદારો મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને રાડા ઓફિસ ખાતે ઊમટયા હતા.  કોંગ્રેસ દ્વારા પણ આજે બાકી રહેતા ઉમેદવારોએ ભચુભાઈ આરેઠિયાની ઉપસ્થિતિમાં ફોર્મ ભર્યાં હતાં. ભીખુભાઈ સોલંકી, મહેશ ઠાકોર, અજયપાલાસિંહ જાડેજા વગેરે હાજર રહ્યા હતા. જિલ્લા પંચાયતની પાંચ અને તાલુકા પંચાયતની તમામ 24 બેઠક ઉપર ઉમેદવારીપત્રો ભરાયાં હતાં.  અમુક બેઠકમાં ડમી ઉમેદવારોનાં ફોર્મ પણ ભરાવાવમાં આવ્યાં હતાં. આમ આદમી પાર્ટીના તાલુકાના પ્રમુખે કેસરિયા કરતા સેનાપતિ વિનાની પાર્ટીના ઉમેદવારોને આપના પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ કાયનાત અંસારી આથાએ હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું. મામલતદાર ઓફિસ અને તાલુકા પંચાયત કચેરી ભાજપ, કોંગ્રેસ સહિત રાજકીય કાર્યકરો, ઉમેદવારો અને ગ્રામીણ ટેકેદારોથી ઉભરાઈ હતી.  જિલ્લા પંચાયતના ઉમેદવારીપત્રો રાડા ઓફિસ ખાતે ચૂંટણી અધિકારી જયોતિબેન ગોહિલ સમક્ષ અને તાલુકા પંચાયતના ઉમેદવારીપત્રો મામલતદાર કચેરીએ એચ.બી. વાઘેલા તથા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી કે.એમ. વાઘેલા સમક્ષ રજૂ કરવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હતી. 

Panchang

dd