• શનિવાર, 11 એપ્રિલ, 2026

ઉમેદવાર પસંદગીમાં ભાજપ-કોંગ્રેસ છાવણીમાં મૂંઝવણ

ભુજ, તા. 9 : સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત મળીને કુલ 448 બેઠક માટે 26મી એપ્રિલે મતદાનની તારીખ મુકરર કરવામાં આવી છે ને હવે ઉમેદવારીપત્રો રજૂ કરવા માટે આખરી બે દિવસ બાકી રહ્યા છતાં મુખ્ય બંને રાજકીય પક્ષ ભાજપ-કોંગ્રેસે હજુ ઉમેદવારો જાહેર નહીં કરતાં ક્યાંક નામો ઉપર મહોર મારવા કોકડું ગૂંચવાયું હોવાના હેવાલ મળ્યા છે. આમ તો જો આજે નામોની ઘોષણા થાય તો તા. 10 અને 11ના ફોર્મ ભરવા માટે બે દિવસ બચ્યા છે. જો સાવ છેલ્લી ઘડીએ એટલે કે કાલે નક્કી થશે તો 11મીએ છેલ્લો દિવસ છે. 11 એપ્રિલ સુધી ફોર્મ ભરવા માટે અંતિમ તારીખ જાહેર કરવામાં આવી છે ને 12મીએ રવિવારે રજા, તો 13નાં ફોર્મ ચકાસણી થશે, ફરી 14મીએ રજા છે ને 15 તારીખે ખેંચવાનો દિવસ હોવાથી આમ તો 15 એપ્રિલ પછી આખા કચ્છનું ચિત્ર સ્પષ્ટ થવાનું છે. પરંતુ આજ સાંજ સુધી ભાજપ કે કોંગ્રેસ બંને પક્ષે એકપણ ઉમેદવાર જાહેર કર્યા નથી એટલે જો નામો કાલે જાહેર થશે તો પણ 11મીએ ફોર્મ ભરવા ધસારો થવાનો છે. - કડક નિયમો : બંને રાજકીય પક્ષના સૂત્રોમાંથી મળેલી માહિતી પ્રમાણે હજુ આજે નામોની જાહેરાત થાય તેવી શક્યતા નથી. સત્તા પક્ષ ભાજપની વાત કરીએ તો ઉમેદવારોની પસંદગીમાં કોકડું ગૂંચવાયેલું છે કેમ કે પ્રત્યેક બેઠક ઉપર 8થી 12 દાવેદારોએ ટિકિટ માગી છે. વળી ભાજપે ટિકિટ ફાળવણી માટે ચુસ્ત નિયમો બનાવ્યા છે ને સ્થાનિક કક્ષાએ જીતી શકે તેવા ઉમેદવારો માટે આગેવાનો તરફથી દબાણ કરાતું હોવાથી પસંદગી પ્રક્રિયામાં વિલંબ થયો હોવાનું બહાર આવ્યું છે. - આજ સાંજ સુધી જાહેરાત : ભાજપ તરફથી અમુક જિલ્લાનાં નામો જાહેર કરાઇ ચૂક્યાં છે, પરંતુ કચ્છ માટે નિર્ણય હજુ લેવાયો નથી કેમ કે દાવેદારો વધારે હોવાથી જો નવા નિયમો પ્રમાણે ઉમેદવારો નક્કી થાય તો જે કપાશે તેમાં ક્યાંક બળવો થઇ શકે તેવી સંભાવના હોવાથી ભાજપ દ્વારા ક્યાંક સંગઠનમાંથી ફોન દ્વારા પણ ઉમેદવારોને સૂચના આપી દેવામાં આવી છે, જેથી ઉમેદવારીપત્ર માટે છેલ્લી ઘડીએ દોડધામ ન કરવી પડે તેવું પણ જાણવા મળ્યું છે. - ફોન આવી શકે છે : વિધાનસભામાં જે રીતે નામો નક્કી થાય તેઓને ટેલિફોનિક મેસેજ આપી દેવામાં આવતાં એ જ રીતે સ્થાનિક સ્વરાજ્યમાં પણ ફોન થાય તેવી ચર્ચા સંભળાય છે. - બિનહરીફના દાવપેચ : જો કે, કોંગ્રેસમાંથી મળેલી માહિતી પ્રમાણે કોંગ્રેસ પક્ષ ભાજપ નામો જાહેર કરે તેની રાહ જુવે છે. જો અગાઉથી નામો જાહેર કરી દેવાય તો પક્ષમાં અન્ય દાવેદારો બળવો કરે અથવા ક્યાંક સત્તા પક્ષ દ્વારા ફોર્મ ભરવા ન દેવાય તેનો પણ ડર સતાવે છે. હજુ સુધી બંને પક્ષે નામ જાહેર નહીં થતાં ઉત્કંઠા આખા કચ્છમાં જાગી છે, તો ભાજપના કેટલાક આગેવાનોએ તો દાવો કર્યો છે કે, આ વખતે ભાજપની બિનહરીફ બેઠકોની સંખ્યા વધવાની છે. - એક જ દિવસે 490 ફોર્મ ઊપડયાં : ભુજ, તા. 9 : કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ભરવાનું ચાલુ છે ત્યારે આજે વધુ 25 ઉમેદવારીપત્રો રજૂ થયા હતા, તો એક જ દિવસે 490 ફોર્મનો ઉપાડ થયો હતો. જિલ્લા ચૂંટણી તંત્ર પાસેથી મળેલી માહિતી પ્રમાણે ચાર દિવસથી ફોર્મ ભરવાનું ચાલુ છે ત્યારે આજે ગાંધીધામ મહાનગરપાલિકા માટે 87, નગરપાલિકાના 91,  જિલ્લા પંચાયતના 41 અને તાલુકા પંચાયતના 190 ફોર્મ લેવામાં આવ્યાં હતાં. 448 બેઠકો માટે  અત્યાર સુધીમાં 1837 ફોર્મ માગવામાં આવ્યાં છે. જો કે, હજુ બે દિવસ બાકી છે, બીજી બાજુ આજે 25 ફોર્મ રજૂ થતાં 31 પર સંખ્યા પહોંચી હતી. 

Panchang

dd