ભુજ, તા. 9 : રૂપિયાની લેતી-દેતીના મુદ્દે
ભુજમાં 71 વર્ષીય રશ્મિકુમાર કનકલાલ ભુલાણી
(શાહ)ની આરોપી નીલેશ હસમુખલાલ શાહે મેટલની બોટલ તથા મેટલના દસ્તા વડે હત્યા કરી દેતાં
ચકચાર પ્રસરી છે. હત્યા બાદ આરોપીએ પુરાવાના નાશ કરવા ઘરમાંના સીસીટીવી કેમેરાના ડી.વી.આર.
કાઢી હમીરસર તળાવમાં નાખી દીધા હતા અને ઘરે ગયા બાદ રાતે બે વાગ્યે પોતાની રીતે જ પોલીસ
મથકે હાજર થઇ હત્યાનો ગુનો કબૂલતાં અડધી રાતે પોલીસ દોડધામમાં મુકાઇ હતી. આ ચકચારી
હત્યાના બનાવ અંગે મૃતક રશ્મિકુમારના ભાઇએ એ -ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ
તા. 9/4ના અડધી રાતે ત્રણ વાગ્યે પોલીસનો
ફોન આવ્યો હતો અને જણાવ્યું કે, તમારા
ભાઇ રશ્મિકુમાર જે અષ્ટાપદ બિલ્ડિંગ, વાણિયાવાડ, પાંજરાપોળ ખાતે રહે છે તેમના ઘરે અણબનાવ બન્યો છે, આથી
તમે તાત્કાલિક અહીં આવી જાવ. આથી ફરિયાદી ઘટનાસ્થળે પહોંચતાં ભાઇ રશ્મિકુમાર લોહીલુહાણ
હાલતમાં બેડરૂમમાં જમીન પર પડયા હતા, ત્યાં હાજર પોલીસ દ્વારા
ફરિયાદીને જાણવામાં મળ્યું કે, ગઇકાલે 8/4ના રાતે 10.30 વાગ્યાથી
11 વાગ્યાના અરસામાં આરોપી નીલેશ
હસમુખલાલ શાહ (ઉ.વ. 48 રહે. મુંદરા
રિલોકેશન સાઇટ, ભુજવાળો) રશ્મિકુમાર પાસે
રાશનના રૂપિયા લેવા માટે આવ્યો હતો. આ રૂપિયાની લેતી-દેતી બાબતે ઉગ્ર બોલાચાલી થતાં
નીલેશે આવેશમાં આવીને મેટલની પાણીની બોટલ રશ્મિકુમારનાં માથામાં ફટકારી દેતાં તે જમીન
પર પડી ગયા હતા અને બાદમાં મેટલના દસ્તા વડે માથાંમાં ગંભીર ઇજા પહોંચાડી હત્યા નીપજાવી
હતી. આ બાદ તેણે ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ડી.વી.આર. કાઢી પુરાવાનો નાશ કરી દીધા
બાદ નાશી જઇને રાતે બે વાગ્યે હાજર થઇ પોતે ખૂન કર્યાની જાણકારી આપી હતી. આ ફરિયાદના
આધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. આ ફરિયાદ ઉપરાંત આ ચકચારી હત્યા પ્રકરણ અંગે
પોલીસ તેમજ સંબંધિત સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ રશ્મિકુમાર પરિણીત ન હતા અને
એકલવાયું જીવન જીવતા હતા. સાધર્મિક ચેરિટેબલ ટ્રસ્ટ-ભુજની સંસ્થાના તેઓ સંચાલક હતા.
આ સંસ્થા ગરીબ પરિવારને 500 રૂપિયામાં
એક માસની રાશનની કિટ આપે છે. આરોપી નીલેશ શહેરની જૂની અને નામના ધરાવતી રાશનની ખેંગારજી
ઇંદરજી પેઢીના હસમુખલાલનો પુત્ર છે. પિતા બાદ પારસ અને નીલેશ પેઢી સંભાળતા હતા, પરંતુ આઠ-દસ વર્ષ પૂર્વે બંને છૂટા પડી સ્વતંત્ર
રીતે વેપાર કરતા થયા છે. નીલેશ પાસે રશ્મિકુમારે રાશન લીધું હતું અને સાતથી આઠ લાખ
લાંબા સમયથી બાકી હતા, જેને લઇને માથાકૂટ બાદ હત્યાનો આ ગંભીર બનાવ બન્યાનું વર્તુળોમાંથી જાણવા મળ્યું
છે. આ અંગે તપાસકર્તા એ-ડિવિઝનના પી.આઇ. એમ. આર. નકુમનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું
હતું કે ફોરેન્સિક સાયન્ટિફિક પોસ્ટમોર્ટમના રિપોર્ટની વિગતો મેળવવા તથા પુરાવા નાશ
કરવા હમીરસરમાં ફેંકેલા સીસીટીવી કેમેરાના
ડીવીઆરને શોધવાની પ્રક્રિયા ચાલુ છે.