નવી દિલ્હી, તા. 17 : કેન્દ્ર સરકારે
પેન્શનર્સનાં હિતને ધ્યાને રાખીને એક મોટો નિર્ણય કર્યો છે. જેનાથી 33.9 લાખ પેન્શન ધારકો અને 36.5 લાખ કર્મચારીઓને રાહત મળવાની
આશા છે. નાણા મંત્રાલયના વ્યય વિભાગે નિર્દેશ
જાહેર કર્યો છે કે તમામ વિભાગોએ નિવૃત્તીનાં ચાર વર્ષ પહેલા કર્મચારીઓના સર્વિસ રેકોર્ડ, વેતન નિર્ધારણ (પે-ફિક્સેશન) અને પેન્શન વિવરણની
તપાસ જરૂર કરાવવી પડશે. કેન્દ્રના આ નિર્ણયનો લાભ અંદાજિત 70 લાખ કર્મચારીઓને મળશે. સરકારના
આ પગલાનો હેતુ નિવૃત્તીના સમયે અચાનક થનારી રિકવરી અને કાનૂની વિવાદ ઉપર લગામ કસવાનો
છે. સરકારના નિર્ણયનું પાલન કડકાઈથી કરવામાં આવશે અને ભૂલની કોઈ શક્યતા ન રહે તે માટે
પણ નિયમ બનાવવામાં આવ્યો છે. જો આ મામલે કોઈ ભૂલ રહેશે તો સંબંધિત અધિકારીઓને જવાબદાર
ઠેરવવામાં આવશે. નવા નિયમ હેઠળ પ્રમોશન, ઇક્રિમેન્ટ અથવા એસીપી-એમએસીપી બાદ જારી પે ફિક્સેશન આદેશોની ખરાબી હવે ત્રણ
મહિના અથવા તો જે તે નાણાકીય વર્ષના અંત સુધીમાં પૂરી કરવી અનિવાર્ય રહેશે. કેગના રિપોર્ટ
અનુસાર નાણાકીય વર્ષ 2025મા કેન્દ્રનો
કુલ પેન્શન ખર્ચ 12.3 ટકાથી વધીને
3.46 લાખ કરોડ રૂપિયા થયો છે. જેમાં
રક્ષા પેન્શનની હિસ્સેદારી 45.57 અને સિવિલ
પેન્શનની 33.57 ટકા છે. નવા નિયમ હેઠળ પે એન્ડ
એકાઉન્ટ્સ ઓફિસથી વેરિફિકેશન સર્ટિફિકેટ જાહેર થયા બાદ કર્મચારી પાસે કોઈ વસૂલી થઈ
શકશે નહીં. સર્ટિફિકેટ બાદ પણ પે ફિક્સેશનમાં ગડબડ મળતા નુકસાનની ભરપાઈ મંજૂરી આપનારા
અધિકારી પાસેથી થશે. પેન્શન માટે સર્વિસ પીરિયડનું સમયાંતરે ઓડિટ થતું રહેશે.