કોલકાતા, તા. 17 : દુર્ગાપૂજા ઉત્સવમાં ભક્તિના
રંગે રંગાયેલા પશ્ચિમ બંગાળની રાજધાની રક્તરંજિત બની છે. કોલકાતામાં શનિવારની મોડી
સાંજે ચોરબાગાનના દુર્ગા પંડાલમાં ભીષણ ભાગદોડ મચતાં ચાર પુરુષ, 13 મહિલા અને
એક બાળક સહિત 18 લોકોનાં કરુણ મોત થઇ ગયાં હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગદોડમાં જીવ ખોનારા ભક્તોના પરિવારોને વડાપ્રધાન રાષ્ટ્રીય
રાહત ભંડોળમાંથી બે-બે લાખ અને ઘાયલો માટે 50-50 હજાર રૂપિયાની સહાય આપવાની ઘોષણા કરી હતી. મુખ્યમંત્રી શુભેન્દુ
અધિકારી તરત કોલકાતા મેડિકલ કોલેજ હોસ્પિટલે પહોંચ્યા હતા, જ્યાં અધિકારીઓ સાથે તાકીદની બેઠક કરી હતી.
બેઠકમાં ઘટના પછીની સ્થિતિ અને આગળ પર શું પગલાં લેવા તે વિશે ચર્ચા કરી હતી. આજે સાંજે
અચાનક સર્જાયેલી આ લોહિયાળ દુર્ઘટનામાં અન્ય 40 લોકો ઘાયલ થઇ ગયા હતા. લોહી
નીંગળતા મૃતદેહો અને કણસતા ઇજાગ્રસ્તોની ચીસોથી ભારે કરુણ દૃશ્યો સર્જાયાં હતાં. દરમ્યાન, કોલકાતા મેડિકલ કોલેજનાં સૂત્રોએ ભાગદોડનો ભોગ
બનતાં 20 લોકોનાં મોત થયા હોવાનો દાવો
કર્યો હતો. અહેવાલો અનુસાર શનિવારે સાંજે 7 અને 40 મિનિટે વરસાદ
શરૂ થયો હતો. વરસાદથી બચવા માટે અનેક લોકો પંડાલની અંદર જ રોકાયેલા રહ્યા હતા. બહારથી
આવતા ભક્તોએ અંદર જવાની કોશિશ કરતાં ધક્કામુક્કી થઇ હતી, જે જીવલેણ બની હતી. કરુણ દુર્ઘટના સર્જાયા બાદ
તરત દુર્ગાપૂજા પંડાલની લાઇટો બંધ કરી દેવાઇ હતી અને પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો
હતો. ચોરબાગાન દુર્ઘટના બાદ કોલકાતામાં અન્ય અનેક દુર્ગાપૂજા પંડાલ પણ આગોતરા સંભાળનાં
પગલાંરૂપે બંધ કરી દેવાયા હતા. દેશના ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે,
બેહદ દુ:ખદ સમાચાર મળ્યા છે. મેં આ મામલામાં મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી
સાથે વાત કરી છે. મા દુર્ગાને પ્રાર્થના છે કે, ઘાયલો જલ્દી સ્વસ્થ
થાય. ભાગદોડ બાદ ખાલી પડેલો પંડાલ પણ તૂટયો હતો. લોકો રડતાં રડતાં પોતાના સ્વજનોને
શોધતા જોવા મળ્યા હતા. સ્વજનો ખોનારાઓનાં કલ્પાંતથી ભારે કરુણ દૃશ્યો સર્જાયાં હતાં.
બંગાળ સરકારે ટોલફ્રી હેલ્પલાઇન નંબર શરૂ કર્યા હતા. પૂર્વ સીએમ મમતા બેનરજીએ પણ દુર્ઘટના
ઉપર દુ:ખ વ્યક્ત કર્યું હતું અને ઘાયલો માટે ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. ઉલ્લેખનીય
છે કે, ચોરબાગાન દુર્ગાપૂજા પંડાલ 91 વર્ષથી થઈ રહ્યો છે, જે ભક્તો વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે અને દર તહેવારમાં
મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચતા હોય છે.