વિશેષ પ્રતિનિધિ તરફથી : નવી દિલ્હી, તા. 27 : સીમાંકન વિધેયક અને સંસદના સત્રાવસાન પર રાજકીય ઘમસાણ મચ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. ખડગેએ જણાવ્યું હતું કે, આપના મનમાં જે પણ સીમાંકનનો પ્રસ્તાવ છે તેના પર ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવો. કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું હતું કે, આ મુદ્દો એવો છે, જેનું ઘણું મહત્ત્વ છે. ફરી એવી કોશિશ ન કરજો, જેવી 16 અને 17 એપ્રિલના કરી હતી. વડાપ્રધાનને લખેલો પત્ર એક્સ પર મૂકતાં ખડગેએ કહ્યું હતું કે, મેં આપને 16 જુલાઇનાં પણ પત્ર લખીને સીમાંકન ખરડા પર સરકારના પ્રસ્તાવ પર ચર્ચા માટે સર્વપક્ષીય બેઠક બોલાવો, તેવી અપીલ કરી હતી. સંસદના કોઇ પણ વિશેષ સત્રમાં રજૂ કરવા આપ વિચારી રહ્યા છો તો પહેલાં તમામ રાજકીય પક્ષોને પ્રસ્તાવનો વિગતવાર અભ્યાસ કરવા માટે સમય આપો, તેવું તેમણે જણાવ્યું હતું. રાજ્યસભામાં વિપક્ષના નેતાએ કહ્યું હતું કે, સસદીય કાર્યમંત્રી કિરણ રિજ્જુએ ગઇકાલે રાત્રે એક ઇન્ટરવ્યૂમાં સંસદનું વિશેષ સત્ર બોલાવવાનો સંકેત આપ્યો હતો. ખડગેએ કહ્યું હતું કે, કોંગ્રેસનું વલણ સ્પષ્ટ છે. લોકસભાની 543 બેઠકો 25 વર્ષ સુધી જાળવી રાખો. રાજ્યવાર બેઠકો પણ જાળવી રાખો. 2029ની લોકસભા ચૂંટણીથી મહિલાઓ માટે અનામત લાગુ કરો. કૉંગ્રેસની ચિંતા માત્ર બેઠકોની સંખ્યા પૂરતી મર્યાદિત નથી. પક્ષનું કહેવું છે કે ભવિષ્યમાં બેઠકોની પુન:વહેંચણી દરમિયાન રાજ્યો વચ્ચે પ્રતિનિધિત્વનું સંતુલન અને સંઘીય માળખાની ભાવના સુરક્ષિત રહેવી જોઈએ.