કાઠમાંડુ, તા. 27 : નેપાળના રસુવા ક્ષેત્રમાં ભોટેકોશી
નદીમાં આવેલા જળપ્રલયે ભારે તબાહી મચાવી છે. નેપાળમાં આવેલા વિનાશકારી પૂરમાં અત્યાર
સુધીમાં 360 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે
અને 1500થી વધારે લોકો હજી પણ લાપતા
છે. આઠ જિલ્લામાંથી મૃતદેહો મળ્યા હતા. પૂરના કારણે મોટા વિસ્તારમાં પરિવહન અને સંપર્ક
માળખું ગંભીર રીતે પ્રભાવિત થયું છે. સરકારી આંકડા અનુસાર 35 પુલ અને 45 સસ્પેન્શન બ્રિજ પૂરમાં વહી
ગયા છે. જેનાથી ઘણા વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે. નેપાળમાં એવી સ્થિતિ બની છે કે
મૃતદેહો સતત મળી રહ્યા છે અને હવે તેને રાખવા માટેની જગ્યા ઘટી રહી છે. આફતના આ સમયમાં
નેપાળને દેશવિદેશથી મદદ મળી રહી છે. ભારતે પણ 10 ટન રાહત સામગ્રી નેપાળને મોકલાવી છે. જેના માટે બાલેન શાહે પીએમ
મોદીનો આભાર માન્યો હતો. આ દરમિયાન ઉત્તર પ્રદેશ અન ઁબિહારમાં ગંડક, નારાયણી અને કોશી નદીના જળસ્તર ઉપર સતત નજર
રખાઈ રહી છે. કહેવાય છે કે ગંડક નદીના જળસ્તરમાં વધારો નોંધાયો હતો. નેપાળમાં ભારતીય
પર્યટકો પણ લાપતા થતા ભારતીય દૂતાવાસ દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરાયો હતો. કોશી
નદીમાં આવેલા પૂરમાં 1500થી વધારે
પર્યટકો લાપતા થયા છે. જેમાં 133 ભારતીય નાગરિક સામેલ છે. નેપાળ પર્યટન બોર્ડ અનુસાર લાપતા
વિદેશી નાગરીકોમાં ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ,
અમેરિકા, મલેશિયા, બ્રિટન
અને દક્ષિણ આફ્રિકાના લોકો સામેલ છે. ઘણા લોકોની રાષ્ટ્રીયતાની પુષ્ટિ હજી બાકી છે.
આ દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા હતા. પૂરથી
ઢાડિંગ, નુવાકોટ, ત્રિશુલી નદી,
ગોરખા સ્યાફ્રૂબેસી અને ટિમુરે વિસ્તારમાં ભારે તબાહી મચી હતી. ઘણી હાઈડ્રોપાવર
પરિયોજના પુરી રીતે તબાહ થઈ હતી. બીજી તરફ નેપાળ બેંકર્સ એસોસિએશન અનુસાર પૂરના ભારે
વહેણમાં 9 કોમર્શિયલ
બેંકની શાખાઓ વહી હતી. પ્રાથમિક જાણકારીમાં સામે આવ્યું હતું કે, 26 બેંક કર્મચારીનો
કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો. આ બેંકમાં માછાપુછ્રે બેંક, નબિલ બેંક, સનિમા બેંક,
લક્ષ્મી સનરાઈઝ બેંક, હિમાલયન બેંક, પ્રભુ બેંક, ગ્લોબલ આઈએમઈ બેંક, નેપાળ ઈન્વેસ્ટમેન્ટ મેગા બેંક, એનએમબી બેંક સામેલ છે.
આફત વચ્ચે નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલે દુનિયાને નેપાળને ટેકો આપવા અપીલ કરી હતી.
તેમણે કહ્યું હતું કે, તત્કાળ રાહત ઉપરાંત નેપાળના પુનર્નિમાણમાં
પણ દુનિયાનો સાથ જરૂરી છે. પર્યટન દેશને ફરીથી બેઠો કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
નેપાળે પૂર રાહત માટે 20 અબજ રૂપિયા
એકત્રિત કરવાની તૈયારી શરૂ કરી હતી અને વિશ્વ બેંક પાસેથી 25 અબજ રૂપિયા મેળવવા પ્રક્રિયા
શરૂ કરવામાં આવી છે. વધુમાં એક પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે જેના મારફતે દેશ વિદેશથી
લોકો પૂર રાહત માટે દાન આપી શકશે. નેપાળમાં પ્રભાવિત લોકોની સહાય માટે ભારતીય વાયુસેનાએ
પણ રાહત અભિયાન શરૂ કર્યું છે. વાયુસેનાના સી-130જે વિમાન મારફતે અંદાજીત 10 ટન રાહત સામગ્રી અને મેડિકલ સહાય નેપાળ મોકલવામાં આવી છે. આ
ઉપરાંત સી-17 અને અન્ય સી-130 વિમાનોના માધ્યમથી સામગ્રી
પણ મોકલાઈ હતી. જરૂર પડે તો બચાવ કાર્યો માટે હેલીકોપ્ટર પણ તૈયાર રાખવામાં આવ્યા છે.
આ મદદ માટે નેપાળના પીએમ બાલેન શાહે ભારતનો આભાર માન્યો હતો.