નવી દિલ્હી, તા. 5 : પોતાના મત, વિચાર બેધડક વ્યક્ત કરી દેવા
માટે જાણીતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે સંસદમાં મોટું નિવેદન કરતાં કહ્યું
હતું કે, માર્ગોનાં નિર્માણમાં ગુણવત્તા સાથે બાંધછોડ કરીને યોગ્ય કામ નહીં કરનાર ઠેકેદારોને
બુલડોઝરની નીચે નખાવી દેવાશે. ઠેકેદારોને `ઠોકી - પીટી'ને ઠીક કરાશે, તેવું પ્રશ્નકાળ દરમ્યાન રાજસ્થાનનાં
નાગૌરનાં સાંસદ હનુમાન બેલીવાલના પૂરક પ્રશ્નના ઉત્તરમાં ગડકરીએ કહ્યું હતું. તેમણે
જણાવ્યું હતું કે, દિલ્હી - મુંબઈ એક્સપ્રેસ-વેનાં નિર્માણમાં જોવા મળેલી ખામીઓમાં
જે ચાર ઠેકેદારને જવાબદાર ઠરાવાયા છે, તે તમામ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે. સંસદમાંથી
ગડકરીએ રસ્તાનાં નિર્માણમાં ગુણવત્તા સાથે બાંધછોડ નહીં કરવાની તાકીદ સાથે ચેતવણી આપતાં
ઠેકેદાર તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે. પહેલીવાર ગડકરી સંસદમાં આવા ગુસ્સાભર્યા મિજાજમાં
જોવા મળ્યા હતા. તેમનું આ રૂપ જોઇને વિપક્ષના સાંસદો પણ અચરજમાં મુકાઇ ગયા હતા. આખા
દેશમાં દિલ્હી-મુંબઇ એક્સપ્રેસવેને વિશ્વસ્તરીય બતાવતા ગડકરી પર વિપક્ષે સવાલોના તીર
છોડયા ત્યારે વળતા જવાબરૂપે કેન્દ્રીય મંત્રીએ
યોગીની અદામાં ભ્રષ્ટ ઠેકેદારો પર `બુલડોઝર' કાર્યવાહીની ચેતવણી આપી હતી.