ગાંધીધામ, તા. 27 : અહીંના મીઠીરોહરમાં લગ્નની
લાલચ આપી યુવતીનું શારીરિક શોષણ કરવા તથા સોના-ચાંદીના દાગીના, રોકડ વગેરે મળીને 15 લાખ પચાવી છેતરપિંડી અચારવાનો
કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ બનાવ અંગે ત્રણ શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
છે. મીઠીરોહર સ્થિત ઇન્દિરા નગરમાં રહેનાર એક યુવતીએ બનાવ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે
ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં જણાવ્યા મુજબ કિશન જીવણ ડુરગરાણી (કોળી) નામના શખ્સે
આ યુવતીને પોતાની સાથે લગ્ન કરવાનું વચન આપી લખાણ પણ કરાવી લીધું હતું. બાદમાં યુવતી
સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જેના કારણે તેને ગર્ભ રહી ગયો હતો. દરમ્યાન જીવણ
હમીર ડુંગરાણી, સુરેશ જીવણ ડુંગરાણીએ કિશન
સાથે લગ્ન કરાવી આપવાની ખાતરી આપી વિશ્વાસ કેળવ્યો હતો. આરોપીઓએ વિશ્વાસ જીતી યુવતી
પાસેથી સોનાં-ચાંદીના દાગીના, મોબાઇલ, રોકડા
તથા ઓનલાઇન માધ્યમથી મળીને કુલ રૂા. 15 લાખ મેળવી લીધા હતા. બાદમાં લગ્ન ન કરી, કરાવી યુવતી સાથે વિશ્વાસઘાત, છેતરપિંડી આચરી હતી. બનાવ અંગે પોલીસે ત્રણ સામે ગુનો નોંધી આગળની તપાસ
હાથ ધરી છે.