ગાંધીધામ, તા. 15 : રાજ્ય સ્તરની સ્ટેટ મોનિટરિંગ
સેલની ટીમે ભચાઉ નજીક ગેરકાયદેસર રીતે ચાલતા કોલસાના કાળા કારોબાર પર તવાઈ બોલાવી હતી, ત્યારબાદ રેન્જ સ્તરની સાયબર ક્રાઈમ પોલીસે ગાંધીધામમાં ગેરકાયદેસર વિદેશી સિગારેટનો જથ્થો
ઝડપી પાડયો હતો. આ ઉપરાંત અન્ય દરોડામાં પોલીસે
ચોરી અથવા છળકપટથી મેળવેલો 13.58 લાખનો ચોરાઉ ચોખાનો જથ્થો અંકે કર્યે હોવાની વિગતો સાંપડી હતી. થોડા સમય અગાઉ અંજાર
પંથકમાં રેન્જ સ્તરીય સાયબર ક્રાઈમ પોલીસ ટીમે દારૂનો જથ્થો પકડી પાડયો હતો. ત્યારબાદ સ્થાનિક પોલીસને અંધારાંમાં રાખીને વધુ એક વખત રેન્જ
સ્તરીય આ ટુકડીએ પૂર્વ કચ્છનાં ગાંધીધામ વિસ્તારમાં લટાર મારી ધાક બેસાડી કાર્યવાહી
કરી હતી. બહાર આવેલી વિગતો અનુસાર સેક્ટર - 11માં ગોડાઉન નં.4માં ગેરકાયદેસર વિદેશી સિગારેટનો જથ્થો
હોવાની બાતમી આધારે પોલીસે અહીં છાનબીન આરંભી હતી. આ સ્થળે તપાસના અંતે અહીંથી અંદાજિત 19.23 લાખનો પ્રતિબંધિત વિદેશી અને દેશી સિગારેટનો જથ્થો અંકે કર્યો
હતો. પકડાયેલા આ જથ્થા અંગે શંકાસ્પદોનાં નિવેદનો
નોંધાવવા સહિતની તપાસ આરંભાઈ છે. તપાસના ધમધમાટ અંતે આ અંગે વિધિવત રીતે ગુનો નોંધાશે
તેવું માહિતગારોએ જણાવ્યું હતું. આ ઉપરાંત
રેન્જ સ્તરીય આ ટીમે જી.આઈ.ડી.સી. વિસ્તારમાં શંકાસ્પદ ચોખાનો જથ્થો ભરેલું વાહન ઝડપી પાડયું
હતું. ચોરાઉ મનાતો આ મુદ્દામાલ પોલીસે કબજે
લીધો હતો. સંબંધિતોને બોલાવી જરૂરી આધાર-પુરાવા
રજૂ કરવા સહિતની દિશામાં કાર્યવાહી આરંભી છે. સફેદ રંગની બોરીમાં અંદાજિત રૂા.13.58 લાખના ચોખાનો જથ્થો ચોરી અથવા
છળકપટથી મેળવેલા હોવાની શંકાના આધારે વાહન
સહિતનો મુદ્દામાલ અંકે કર્યો છે. પોલીસે છેલ્લા
લાંબા સમયથી સરકારી અનાજના જથ્થાની બોરીઓને બદલીને આ માલને વિદેશ મોકલવામાં આવતો હોવાનાં
કારસ્તાનનો પર્દાફાશ કર્યો હોવાનો જાણકારોએ ઈશારો કર્યો હતો. આ બંને પ્રકરણમાં જરૂરી
તપાસના અંતે આગામી દિવસોમાં ફરિયાદ સહિતની કાર્યવાહી થશે તેવો અંદેશો તપાસ ટીમે આપ્યો
હતો.