• શુક્રવાર, 26 જુલાઈ, 2024

પન્નુ ષડ્યંત્રની તપાસ : ભારતનો યોગ્ય નિર્ણય

ખાલિસ્તાની અલતાવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યા માટે કહેવાતા ષડ્યંત્રની તપાસ માટે ભારત સરકારે એક સમિતિ ગઠિત કરીને  અમેરિકાની શંકા અને ફરિયાદના નિરાકરણનો યોગ્ય માર્ગ કાઢ્યો છે. સાથે આતંકવાદ અને ગુનાઓની આંતરરાષ્ટ્રીય જાળને ખતમ કરવાની દિશામાં પણ આ પગલું ભર્યું છે. અમેરિકા દ્વારા રજૂ કરવામાં આવેલાં તથ્યોમાં એક ભારતીય અધિકારી સામેલ હોવાની વાત કરી છે. જે વ્યક્તિએ એ અધિકારી સાથે મળીને પન્નુને મારવાનું ષડ્યંત્ર રચ્યું, તેના પ્રત્યપર્ણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે. અમેરિકા ઈચ્છે છે કે આ પ્રકરણમાં ભારત સરકાર સહયોગ કરે. ભારતે કહ્યું છે કે તેઓ આવા કેસ ગંભીર ગણે છે અને તપાસમાં દરેક પ્રકારના સહયોગ કરવા માટે તૈયાર છે. હાલમાં અમેરિકાના એક અખબારમાં સમાચાર હતા કે અમેરિકાએ પન્નુની હત્યાનું ષડ્યંત્ર નિષ્ફળ બનાવ્યું છે. આ ષડ્યંત્રમાં ભારતીય અધિકારી પણ સામેલ હોવાનું જણાવાયું છે. આ સમાચાર પછી સ્વાભાવિક દુનિયાભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ અને આ ઘટનાને કૅનેડામાં થયેલી નિજ્જરની હત્યા અને પછી તપાસ અંગે બન્ને દેશ વચ્ચે શરૂ થયેલા વિવાદના સંદર્ભમાં ચર્ચા શરૂ થઈ છે. પન્નુની હત્યાના ષડ્યંત્રને નિજ્જરની હત્યા સાથે સાંકળી શકાય નહીં. ભારતે પણ સ્પષ્ટ કર્યું છે કે નિજ્જરનું પ્રકરણ કૅનેડામાં બેલગામ થઈ રહેલા ભારતીય મૂળના અલગતાવાદીઓની પરસ્પર આંતરિક દુશ્મનીનું પરિણામ છે. આ લોકોના ગ્રુપ સામે પગલાં ભરવાને બદલે કૅનેડા એમને રક્ષણ અને આશરો આપતું રહ્યું છે. પન્નુનું પ્રકરણ આંતરરાષ્ટ્રીય ગુનાના નેટવર્કથી સંકળાયેલું છે. વાસ્તવમાં આ ષડ્યંત્રની પણ જાણ ત્યારે થઈ જ્યારે અમેરિકાની જાસૂસી એજન્સીએ આંતરરાષ્ટ્રીય સ્તર પર સંગઠિત ગુનાઓથી સંબંધિત એક રિપોર્ટ રજૂ કર્યો. તેમાં એક ભારતીય અધિકારી સામેલ હોવાનું તથ્ય પ્રકાશમાં આવતા અમેરિકાની ચિંતા સ્વાભાવિક છે. આ પ્રકરણનો પર્દાફાશ ચાર-પાંચ મહિના અગાઉ થયો હતો. ત્યારે અમેરિકા જાસૂસી એજન્સીના ડાયરેકટર અને રાષ્ટ્રીય જાસૂસી તંત્ર અલગ અલગ સમયે ભારત સરકારથી તપાસમાં સહયોગનો પ્રસ્તાવ લઈને આવ્યા હતા. ભારતે આ સંદર્ભમાં તપાસ સમિતિનું ગઠન પહેલાં જ કરી દીધું હતું, છતાં આનો ખુલાસો અમેરિકાનાં અખબારોમાં સમાચાર છપાયા પછી કરવામાં આવ્યો. પન્નુ અનેક આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ રહેવાના કારણે ભારતમાં વૉન્ટેડ છે. ભારતે તેને આંતરરાષ્ટ્રીય આતંકવાદીની સૂચિમાં નાખી રાખ્યો છે, પરંતુ તેની હત્યાના ષડ્યંત્રની માહિતી જે રીતે સામે આવી છે તેનાથી ભારતના હિત અને પ્રતિષ્ઠાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આવી રીતે કોઈપણ આતંકવાદી ષડ્યંત્રને અંજામ આપવા માટે ભારતની ભૂમિનો ઉપયોગ કરી શકે છે. આ આતંકવાદથી લડવાની ભારતની વૈશ્વિક ભાગીદારી અને આંતરરાષ્ટ્રીય કાયદાઓની દૃષ્ટિએ ભારતનો પક્ષ નબળો પાડનારી ઘટના છે. એટલે જ ભારત સરકારે તુરંત સકારાત્મક વલણ અખત્યાર કરી લીધું. નિજ્જરના પ્રકરણમાં કૅનેડાએ હજી સુધી કોઈ એવો પુરાવો રજૂ નથી કર્યો તો પણ ભારતનું વલણ સહયોગનું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang