• શનિવાર, 28 ફેબ્રુઆરી, 2026

સૂર્ય પર પાંચ દિવસની શાંતિ બાદ નવા કલંકનું આગમન નોંધાયું

ભુજ, તા. 27 : ખગોળ વિજ્ઞાનની દૃષ્ટિએ ફેબ્રુઆરી 2026નું આ અંતિમ સપ્તાહ અત્યંત મહત્ત્વનું સાબિત થયું છે. છેલ્લા પોણા ચાર વર્ષથી અવિરતપણે સક્રિય રહેલા સૂર્ય પર 22 ફેબ્રુઆરીના  એક પણ `સનસ્પોટ' (સૂર્યકલંક) જોવા મળ્યું નહોતું. આ સાથે જ સૂર્ય પર સતત 1,355 દિવસ સુધી કલંકો દેખાવાની ઐતિહાસિક શ્રેણીનો અંત આવ્યો છે, જેથી અદભુત ખગોળીય ઘટનાનો અનુભવ અવકાશપ્રેમીઓને થયો છે. આ અંગે વિગતો આપતાં `સ્ટારગેજિંગ ઈન્ડિયા'ના સ્થાપક અને ખગોળશાસ્ત્રી નરેન્દ્ર ગોર (સાગર)એ જણાવ્યું હતું કે, `8 જૂન, 2022થી અત્યાર સુધી સૂર્ય પર દરરોજ કોઈને કોઈ સનસ્પોટ જોવા મળતા હતા. પરંતુ 22 ફેબ્રુઆરીના સોલાર ટેલિસ્કોપ દ્વારા નિરીક્ષણ કરતાં જણાયું હતું કે, સૂર્યની પૃથ્વી તરફની સપાટી સંપૂર્ણપણે સાફ હતી. છેલ્લું સક્રિય સનસ્પોટ સૂર્યના પોતાની ધરી પરના ભ્રમણને કારણે પૃથ્વીની નજરથી દૂર થતાં આ સ્થિતિ સર્જાઈ હતી.' નરેન્દ્રભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, `સૂર્યનું નિયમિત નિરીક્ષણ ચાલુ રાખ્યું હતું. 22 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી સતત પાંચ દિવસ સુધી સૂર્ય `સ્પોટલેસ' રહ્યો હતો, જે, તા. 27 ફેબ્રુઆરીના તાજા અવલોકન મુજબ સૂર્યના પૂર્વીય ભાગ પરથી એક નવું સક્રિય ક્ષેત્ર ઊભરી આવ્યું છે, જેને અછ3991 નામ આપવામાં આવ્યું છે. આ મુખ્ય સનસ્પોટની સાથે અન્ય બે નાના સ્પોટ્સ પણ જોવા મળ્યા છે, જે આવનારા દિવસોમાં સૂર્યના ભ્રમણ સાથે પૃથ્વીની બરાબર સન્મુખ આવશે.' - `શું આ `સોલાર મિનીમમ'ના સંકેત છે ? : વર્તમાન સોલાર સાઈકલ-25માં આટલા લાંબા સમય બાદ સૂર્યનું 5 દિવસ સુધી શાંત રહેવું એ સંકેત આપે છે કે, સૂર્ય હવે તેની મહત્તમ સક્રિયતાના શિખર પરથી ધીમે ધીમે નીચે ઊતરી રહ્યો છે. આમ છતાં, અછ3991 જેવા નવા સનસ્પોટ્સની હાજરી બતાવે છે કે, સૂર્ય હજુ પણ સક્રિય છે અને તેમાંથી સૌર જ્વાળાઓ નીકળવાની પ્રક્રિયા ચાલુ રહેશે. કચ્છના ખગોળપ્રેમીઓ માટે આ એક દુર્લભ તક હતી જેમાં સૂર્યને એકદમ સાફ અને ત્યારબાદ નવા જન્મેલા કલંકો સાથે નિહાળી શકાયો છે.  

Panchang

dd