• બુધવાર, 22 મે, 2024

ઉદ્ધવ ઠાકરેને 21 બેઠકો : આઘાડીમાં ``મુખ્ય નેતા''...

મહારાષ્ટ્રની 48 બેઠકોની વહેંચણી મહારાષ્ટ્ર વિકાસ આઘાડીના ત્રણે ભાગીદાર પક્ષોમાં થઈ છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને સૌથી વધુ 21 બેઠકો ફાળવાઈ છે જ્યારે કૉંગ્રેસને 17 અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના ભાગે 10 બેઠકો છે. કૉંગ્રેસને સૌથી વધુ સિંહભાગ મળ્યો નહીં તેનો વસવસો બહાર આવી રહ્યો છે. ઉદ્ધવ ઠાકરેની સેનાએ સૌથી વધુ બેઠકો કેવી રીતે મેળવી તે પ્રશ્ન મહત્ત્વનો છે. શરદ પવાર સમજે છે અને સ્વીકારે પણ છે : ભૂતકાળમાં એમણે ભાજપને દૂર કરીને ઉદ્ધવ ઠાકરેને મુખ્ય પ્રધાન બનાવ્યા પણ ભાજપે બાજી પલટી નાખી ત્યારથી ઉદ્ધવ ઠાકરેને ``ન્યાય'' અપાવવાની હૈયાધારણ શરદ પવાર આપતા આવ્યા છે. લોકસભાની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેને વધુ બેઠકો ફાળવીને એમ બતાવવાનો પ્રયાસ થાય છે કે ઉદ્ધવ ઠાકરે વધુ બેઠકો જીતી બતાવે તો વિધાનસભાની ચૂંટણીમાં પણ બહુમતિ બેઠકો એમના નામે ફાળવવી પડશે. કૉંગ્રેસ બીજા નંબરે હશે જેથી- વિધાનસભામાં એમને વધુ બેઠકો હોય તો કૉંગ્રેસે સ્વીકારવું પડે. અલબત્ત- લોકસભા અને વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ ઉપર આધાર રહેશે. અત્યારે વ્યૂહના પાયામાં ``જો'' અને ``તો'' છે.ઉદ્ધવ ઠાકરેને જનતાની સહાનુભૂતિનો લાભ મળવાની આશા છે અને અત્યારે આઘાડીમાં શરદ પવાર ભલે સિનિયર નેતા હોય, ઉદ્ધવ ઠાકરેનું સ્થાન ``મુખ્ય નેતા'' તરીકે દર્શાવાયું છે.લોકસભામાં 48માંથી 23 બેઠકો ભાજપની હતી. શિવસેનાના કુલ 18 સભ્યો હતા તેમાંથી 13 શિંદે સેનામાં જોડાયા છે માત્ર પાંચ ઉદ્ધવ ઠાકરે સાથે છે. શરદ પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસના ચાર સભ્યોમાંથી ત્રણ એમની સાથે રહ્યા છે અને એક અજિત પવાર સાથે ગયા છે.હવે ઉદ્ધવ ઠાકરે 16 નવા ઉમેદવારો મૂકી રહ્યા છે. મુંબઈની બેઠકોમાં દક્ષિણ મુંબઈના અરવિંદ સાવંત સામે શિંદે ભાજપની મહાયુતિ કોને મેદાનમાં ઉતારે છે તે જોવાનું છે. સાઉથ સેન્ટ્રલમાં આઘાડીના અનિલ દેસાઈ સામે મહાયુતિના રાહુલ શેવાળે છે. મુંબઈ નોર્થ-સેન્ટ્રલ આઘાડીએ કૉંગ્રેસને ફાળવી છે પણ ઉમેદવારનું નામ હજી બાકી છે, જ્યારે ભાજપનાં પૂનમ મહાજનને બદલીને કોને મૂકવાં તે ભાજપે નક્કી કરવાનું છે. મુંબઈ નોર્થ-વેસ્ટમાં ઉદ્ધવના અમોલ કીર્તિકર સામે શિંદે નેતાએ ઉમેદવાર મૂકવાના છે. મુંબઈ-નોર્થ-ઈસ્ટમાં ઉદ્ધવ સેનાના સંજય દીના પાટીલ સામે ભાજપના મિહિર કોટેચા છે અને મુંબઈ-નોર્થમાં ભાજપના પીયૂષ ગોયલ સામે કૉંગ્રેસ ઉમેદવાર મૂકવાના છે.- આમ મુંબઈનું ચિત્ર હજુ સ્પષ્ટ નથી: કૉંગ્રેસના સભ્યોની સ્થિતિ કહેવાય નહીં અને સહેવાય પણ નહીં એવી છે છતાં બળાપો કાઢી રહ્યા છે કે પ્રદેશ પ્રમુખ નાના પાટોલેએ અમને વિશ્વાસમાં લીધા નહીં. વાટાઘાટ કરવા અગાઉ એક પણ વખત આપણી રણનીતિ નક્કી નહોતી. બેઠકોની વહેંચણી પહેલાં તમામ મત વિસ્તારોની તપાસ કરીને લોકોનો મિજાજ જાણવો જોઈએ... પ્રદેશ પ્રમુખે સમસ્ત મહારાષ્ટ્રને બદલે માત્ર પોતાનો વિદર્ભહિત જોયો છે - પાટોલે કહે છે - બધું શાંત પડી જશે. આમ છતાં એમ લાગે છે કે નિરાશ થયેલા નેતાઓ અને કાર્યકર્તા ભાગીદાર પક્ષ માટે પ્રચાર કરશે? ઉદ્ધવ સેના એમ માને છે કે કોઈના ટેકાની જરૂર નહીં પડે. બાળાસાહેબનું નામ અને સહાનુભૂતિ મળશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang