એમસ્ટેલવી, તા. 19 : હોકી વિશ્વકપના મહામુકાબલામાં
ભારતીય ટીમે પાકિસ્તાનને કચડીને આગેકૂચ કરી છે. ગ્રુપ-ડીની આખરી અને કરો યા મરો સમાન
લીગ મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ ભારતનો વર્ચસ્વ સાથે પ-3 ગોલથી જોરદાર વિજય થયો હતો. આ જીતથી ભારતે
હોકી વિશ્વકપના બીજા રાઉન્ડમાં શાનથી પ્રવેશ કર્યો છે, જ્યારે પાકિસ્તાન ટીમ વિશ્વકપની બહાર ફેંકાઇ
ગઇ છે. પાછલા 10 વર્ષથી ભારતીય
હોકી ટીમ પાકિસ્તાન વિરુદ્ધ અજેય છે. આ ક્રમ આજે પણ જાળવી રાખ્યો હતો અને વિશ્વકપના
બીજા રાઉન્ડમાં પહોંચી સેમિ ફાઇનલની આશા જીવંત રાખી છે. પાકિસ્તાન સામેની મેચમાં ભારત
તરફથી કપ્તાન હરમનપ્રીત સિંઘે ચોથી અને 21મી મિનિટે તથા અભિષેકે 11મી અને 24મી મિનિટે
બે-બે ગોલ કર્યા હતા જ્યારે હાર્દિક સિંઘે 3પમી મિનિટે ગોલ કર્યો હતો. પાકિસ્તાન તરફથી હન્નાન શાહિદે 22મી અને 46મી મિનિટે તથા સૂફિયાન ખાને 24મી મિનિટે ગોલ કર્યા હતા.