ભુજ, તા. 4 : શહેરના કંસારા બજાર ચોકમાં
આવેલું દેવમાધવ કોમર્શિયલ કોમ્પલેક્ષ ધરતીકંપમાં જર્જરિત થઈ જતાં ધ્વસ્ત કરી જમીન ખાલી
કરી દેવાતાં તેના પર મંજૂરી વગર દબાણો થઈ રહ્યા છે. જ્યારે પ્રથમ માળના દુકાનધારકોને
ભૂકંપ બાદ જિલ્લા તંત્રના જી.આર. મુજબ પ્લોટ ફાળવવાના હતા તે 26 વર્ષથી નહીં ફાળવાતાં દુકાનધારક
વેપારી અને કારીગરો સ્થાનિક તંત્રથી માંડી રાજ્ય સરકાર સુધી ધક્કા ખાતા રહ્યા છે પણ
તેમની ધા ફરિયાદ કાને ધરાતી ન હોવાની હૈયાવરાળ ઠાલવી હતી. બે મહિના અગાઉ જીતેન્દ્રકુમાર
મૈચા, બકુલકુમાર વ્યાસે જણાવ્યું હતું કે,
તેમના ઉપરાંત જયંતીલાલ બીજલાણી, ગૌતમ મૈચા દ્વારા
મામલતદાર ભાડા અને જિલ્લા કલેકટરને અરજીઓ આપી
છે. દેવમાધવ કોમ્પલેક્ષમાં 30 જેટલા દુકાનધારકો હતા.
આ કોમર્શિયલ કોમ્પલેક્ષની ખાલી જમીન ઉપર ત્રણ પતરાંવાળી દુકાન કોઈ પણ જાતની
મંજૂરી વિના બની ગઈ છે. પાંચ બનાવવાનું કામકાજ ચાલુ છે. ગ્રાઉન્ડ ફલોરના માલિકો દ્વારા
મંજૂરી વિના ગેરકાયદે બાંધકામ ઉપરના માળના મુળ માલિકોને જાણ કર્યા વિના કરી તેમની માલીકી
ડુબાડી રહ્યા હોવાથી ગેરકાયદે કામ તાત્કાલીક અટકાવવા અને થયેલું બાંધકામને દૂર કરવા
માંગ કરી હતી. જથ્થાબંધ બજારને 17 એકર જમીન
ફાળવાયેલી તેમાંથી માંડ ચાર એકરનો દુકાનો બનાવવામાં ઉપયોગ થયો છે. બાકીની જમીનનો કબજો
કલેકટર પાસે છે. તત્કાલીન જિલ્લા કલેકટરનો શહેરના પાંચ કિ.મી.ની ત્રિજ્યામાં
આવતા વેપારી-કારીગરોને પ્લોટ મળે તેવો જી.આર. હતો તે મુજબ જમીન હોવા છતાં ફાળવાઈ
નહીં. સરકારી જી.આર. મુજબ સંબંધિત દુકાનધારકો પ્લોટ મેળવવાને પાત્ર હોવાનું કહેવાયું
હતું. છતાં જથ્થાબંધ બજાર પુરતા જ પ્લોટ ફાળવી બાકીનાને ના પાડી દેવાઈ હતી. તેવો આક્ષેપ
આ રજુઆતકર્તાઓએ કર્યો હતો.