ભુજ, તા. 4 : અમદાવાદ અને રાજકોટના માર્ગેથી
માતાના મઢમાં આશાપુરાનાં દર્શનાર્થે આવતા પદયાત્રીઓ તેમજ સ્થાનિક પદયાત્રીઓને આરોગ્ય
સેવા મળી રહે તે માટે જિલ્લા આરોગ્ય અને વહીવટી તંત્ર દ્વારા રૂટ પરના આરોગ્ય કેન્દ્રોને
આજથી તા. 11 ઓક્ટોબર સુધી સજ્જ કર્યા છે.
આ આરોગ્ય કેન્દ્રો ખાતે અકસ્માત, રેફરલ
સર્વિસ માટે તમામ પ્રકારની દવાઓનો જથ્થો ઉપલબ્ધ કરાવાયો છે. જિલ્લા કલેક્ટર અને મુખ્ય
જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા આ માર્ગ પરના દવાખાનાની મુલાકાત લેવાશે. પદયાત્રીઓને
મુખ્યત્વે પગમાં સોજા, પગના તળિયામાં ઇજા જેવી તકલીફો થતી હોવાથી
પ્રાથમિક અને સીએચસી ખાતે જનારા પદયાત્રીને જરૂર જણાયે ફિઝિયોથેરાપિસ્ટને બોલાવાશે.
સામખિયાળી પ્રા.આ. કેન્દ્રથી લઇને ભચાઉ સીએચસી, ગાંધીધામ રામબાગ
હોસ્પિટલ, અંજાર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, રતનાલ-કુકમાના પ્રા.આ. કેન્દ્રો, દુધઇ સીએચસી,
ધાણેટી અને ચાંદરાણી પ્રા.આ. કેન્દ્રો , ભુજ સિવિલ
હોસ્પિટલથી આગળ દેશલપર (વાંઢાય), નખત્રાણા એસડીએચ, રવાપર, માતાના મઢ અને દયાપર પીએચસી તેમજ વચ્ચે આવતા તમામ
સબ સેન્ટરો 24 કલાક ચાલુ
રહેશે. માંડવીના માર્ગે ગુંદિયાળી, માંડવી, ગઢશીશા, ગોધરા અને મંગવાણા
સુધી, અમદાવાદ તરફથી આવનારા માટે રાપર, ગાગોદર, રાજકોટ તરફથી આવનારા માટે ચિત્રોડ, સામખિયાળીના આરોગ્ય કેન્દ્રોમાં સારવાર ઉપલબ્ધ રહેશે.