• સોમવાર, 05 ઑક્ટોબર, 2026

પથરીલા પ્રદેશના ખડકોમાં પ્રકૃતિના રંગીન લીસોટા...

બાબુ માતંગ દ્વારા : નિરોણા (પાવરપટ્ટી), તા. 3 : કચ્છ પર ભાદરવા માસે વરસેલી મેઘમહેરને લઇ પ્રકૃત્તિનું સૌંદર્ય નીખરી ઊઠયું છે. સીમાડા લીલોછમ હરિયાળો બન્યો છે. કાળા ગણાતાં ડુંગરો હરિયાળી ચાદર ઓઢી રળિયામણા શોભે છે. તેની વચ્ચે નખત્રાણા તાલુકાના લૈયારી ગામ નજીકથી નીકળતી નદીના પટ્ટમાં હજારો વર્ષોથી પાણીના વહેણથી ઘસાઇને કલાત્મક આકારમાં ફેરવાયા પછી પાલર પાણીના ધોવાણથી એ ખડકો વધુ રંગીન બનતાં નજારો આકર્ષણરૂપ બન્યો છે. કચ્છની ધરતી પોતાની અનોખી ભૂસ્તરીય રચનાઓ માટે જાણીતી છે ત્યારે લૈયારીમાં પથ્થરોની કુદરતી રચનાઓનું એક સુંદર અને રસપ્રદ સ્વરૂપ જોવા મળે છે. સ્થાનિક ગ્રામીણ લોકોએ નદીપટ્ટને `ડળ' તરીકે ઓળખે છે. અહીંના ખડકોમાં વિવિધ સ્તરો, વળાંક, ખાંચાઓ અને ઘસાઇ ગયેલાં આકારો જોવા મળતાં હોવાથી આ સ્થળ ભૂસ્તર શાત્રમાં રસ ધરાવતા લોકો અને સંશોધકો માટે આકર્ષણનું કેન્દ્ર આવશ્યક બની શકે છે. ભારત સરકારના પ્રવાસન પોર્ટલ અતુલ્ય ભારત (ઇનક્રેડીબલ ઇન્ડિયા) દ્વારા પ્રાચીન ખડક રચનાઓ, રેતી અને પાણીથી બનેલાં વિશિષ્ટ ભૂદૃશ્ય તરીકે વર્ણવવામાં આવ્યાં છે. પોર્ટલ મુજબ લાંબા સમયના પાણી અને પવનના ધોવાણથી ખડકોમાં વિવિધ કુદરતી આકારો સર્જાયાં છે. પથરીલા પ્રદેશના ખડકોમાં પીળાશ, કથ્થાઇ, લાલાશ અને ઘેરા રંગના અલગ-અલગ સ્તરો સ્પષ્ટ દેખાય છે. કેટલાંક ભાગો જાણે કુદરતી શિલ્પ જેવી રચનાઓમાં જોવા મળે છે. આવી રચનાઓ સામાન્ય રીતે ખડકની અલગ અલગ કઠિનતા અને લાંબા સમય સુધી થતાં પાણી, પવન અને હવામાનજન્ય ધોવાણના સંયુક્ત પરિણામે વિકસે છે. સરકારી રાષ્ટ્રીય ડેટા ભંડાર (નેશનલ ડેટા રેપોસીટોરી)ના `કચ્છ તટપ્રદેશ'ના વર્ણન મુજબ નખત્રાણા ફોર્મેશનમાં ચૂનાના પથ્થર (લાઇમસ્ટોન' સિલ્ટી કલેસ્ટોન, શેલ અને રેતી પથ્થર જેવાં ખડક પ્રકારો જોવા મળે છે. કચ્છના આ વિસ્તારમાં આશરે 64થી 67 મિલિયન વર્ષ જૂના કેટલાક જ્વાળામુખી ખડકોની વયના આંકડા પણ નોંધાયેલા છે.  જોકે, આ ઉંમર લૈયારીના આ ચોક્કસ પથ્થરોને સીધી રીતે લાગુ પડે નહીં તેવું જણાવાયું હતું. સ્થાનિક લોકો માટે આ સ્થળ કુદરતી વારસાની દૃષ્ટિએ પણ મહત્ત્વરૂપ બની શકે છે. છેલ્લા કેટલાક સમયથી આ સ્થળ પ્રવાસીઓ, તસવીરકારો અને પ્રકૃત્તિ પ્રેમીઓ માટે લોકપ્રિય છુપાંરત્ન સમાન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આવા સ્થળોની વૈજ્ઞાનિક તપાસ, યોગ્ય દસ્તાવેજીકરણ અને સંરક્ષણ કરવામાં આવે તો કચ્છના ભૂસ્તરીય અને કુદરતી વારસાને સમજવામાં મદદ મળી શકે છે. - રંગીન ખડકોનું રહસ્ય : નિરોણા, તા. 3 : આ ખડકોમાં પીળો, ગુલાબી, લાલ અને ભૂરો રંગો જોવા મળે છે. પથ્થરોમાં રહેલા આયર્ન અને અન્ય ખનિજોના કારણે આ કુદરતી રંગો સર્જાયા છે. કુદરતી રંગો અને કલાત્મક રચના ધરાવતાં આવા પથ્થરો લૈયારી નદી ઉપરાંત જિયાપર, કોટડા (જ), ગુનાઉ, પાવરપટ્ટીના મેડીસર નજીક કડિયા (કડા) ધ્રો, ડુંગરશી ભગતની વીડી નજીક,  બિબ્બરના ઉત્તર-પશ્ચિમના જાબરીવાળા વિસ્તાર ઉપરાંત ભુજ નજીકની ખારીનદી વિસ્તારમાં પણ રંગ-બેરંગી કલાત્મક પથ્થરો જોવા મળે છે. - અદ્ભુત જલસંગ્રહ : નિરોણા, તા. 3 : કચ્છના અનેક પહાડી પ્રદેશમાં જોવા મળતાં આવા રંગ-બેરંગી પથ્થરોને સ્થાનિક લોકો `સાગ' કે સાગવાન પથ્થર તરીકે ઓળખે છે. આ પ્રકારના પથ્થરો પર વરસાદ પડયા પછી પાલર પાણીને સંગ્રહી અને ઠંડું રાખવાની અનોખી શક્તિ ધરાવે છે. આવા પથ્થરોની મોજુદગી વચ્ચે સદીઓ પૂર્વે બનાવેલા વીરડા કે વીડી આજે પણ મોજુદ છે, એ વિસ્તારમાં પ્રખ્યાત છે. જેમાં મુખ્યત્વે ધીણોધરના ડુંગરમાં આવેલા ધોકા વીડી, ખુડીવાળા શંકર પાસે મોર વીડી, ભગત વીડી કે  ભુજ તાલુકાના સુમરાસર જત નજીક માઇભીભીના પડને અડી આવેલ થધડી વાય (વાય)માં આજે પણ અખૂટ ઠંડું પાણી ઉપલબ્ધ છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd