ભુજ, તા. 4 : ડિગ્રીને માત્ર રોજગારી મેળવવાનું
માધ્યમ ન ઘણી પોતાનાં ક્ષેત્રમાં યોગ્યતા કેળવવા સાથે નીતિમતા અને સમર્પણ ભાવ કેળવી
સશક્ત ભારતનાં નિર્માણ માટે આગળ આવવા દીક્ષાપ્રાપ્ત યુવાનોને રાજ્યપાલ ડો. આચાર્ય દેવવ્રતે
શીખ આપી છે. કચ્છ યુનિ.ના 16મા પદવીદાન
સમારોહમાં રાજ્યપાલ અને યુનિ.ના કુલાધિપતિ એવા ડો. આચાર્ય દેવવ્રતજીએ યુવાનોને પોતાની
સ્કિલને ઓળખી આગળ વધવા આહ્વાન કર્યું હતું. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના
પદવીદાન સમારોહમાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં 6989 વિદ્યાર્થીને અનુસ્નાતક અને સ્નાતકની પદવી તથા 43 વિદ્યાર્થીને તેમની શૈક્ષણિક
સિદ્ધિ માટે ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલે શ્યામજી કૃષ્ણવર્માની
જન્મજયંતીએ તેમને નમન કરતાં જણાવ્યું હતું કે, કચ્છના સપૂત શ્યામજી કૃષ્ણવર્માએ વિદેશની ધરતી પર રહીને દેશની આઝાદી માટે ક્રાંતિવીરો
તૈયાર કર્યા હતા. શ્યામજી કૃષ્ણવર્મા તથા તેમના ગુરુ મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જીવન
યુવાઓ માટે પ્રેરણારૂપ ગણાવીને રાજ્યપાલએ યુવાનોને કર્તવ્યભાવના, રાષ્ટ્રધર્મ, સમાજધર્મ તથા પરિવારધર્મ નિભાવવા અનુરોધ
કર્યો હતો. - વડાપ્રધાને
કચ્છની દિશા અને દશા બદલી : રાજ્યપાલે
લોકાર્પણ કરાયેલી ડિજિટલ લાયબ્રેરી તથા સ્કિલ સેન્ટરને યુવાનો માટે વરદાનરૂપ ગણાવ્યા
હતા. આ પ્રસંગે રાજ્યપાલે વધુમાં ઉમેર્યું હતું કે,
એક સમયે સતત સંઘર્ષોનો સામનો કરતાં કચ્છની દશા અને દિશા બંને બદલીને
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કચ્છને વિવિધ ક્ષેત્રે અગ્રેસર બનાવ્યું છે. આજે સમગ્ર
વિશ્વ કચ્છને જાણવા અને માણવા આવે છે. - યુવાનો ગેરમાર્ગે ન દોરાય : વડાપ્રધાન
નરેન્દ્ર મોદીની દેશ પ્રત્યેની કાર્યનિષ્ઠા, કર્તવ્ય ભાવનાને આદર્શરૂપ ગણી વિદ્યાર્થીઓને ભારતના વિકાસમાં આવી જ કર્તવ્યનિષ્ઠા
દર્શાવવા અનુરોધ કર્યો હતો. આજના યુવાનો ગેરમાર્ગે ન દોરાઈ વિકસિત ભારતના સંકલ્પને
સાકાર કરવા સહયોગી બને તેવી અપીલ કરી હતી. - કચ્છ યુનિ. રાજ્યમાં અગ્રેસર બને : સાંસદ વિનોદ
ચાવડાએ ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્માને તેમની જન્મજયંતી નિમિત્તે નમન કરી શ્રદ્ધાંજલિ
અર્પણ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યપાલની પ્રેરણાથી આજે કચ્છમાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ક્રાંતિ આવી છે.
કચ્છના ખેડૂતો નવા પ્રયાસો કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, વર્ષ 2004માં તત્કાલીન
મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્થપાયેલી આ યુનિવર્સિટી
આજે સફળતાપૂર્વક આગળ વધી રહી છે અને આગામી સમયમાં ગુજરાતની ટોચની યુનિવર્સિટીઓમાં સ્થાન
મેળવે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. દીક્ષાંત સમારોહમાં 43 ગોલ્ડ મેડાલિસ્ટને રાજ્યપાલના
હસ્તે ડિગ્ર્રી સાથે મેડલ એનાયત કરાયા, તો પીએચ.ડી. થયેલા 27 છાત્રને પ્રોત્સાહિત કરાયા
હતા. - કચ્છ યુનિ.ના ભાવિ વિકાસની
વાત : આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહનભાઇ
પટેલે યુનિવર્સિટીનાં વિકાસકામોની છણાવટ સાથે યુનિવર્સિટીમાં નિર્માણ પામેલ મ્યુઝિયમ, મોલ, જીમ, ક્રાફેટેરિયાનું આગામી સમયમાં લોકાર્પણ તથા જિલ્લાના એક્સટેન્શન સેન્ટર,
યુનિવર્સિટીની શૈક્ષણિક પ્રગતિ તથા નવાં આયોજન હેઠળનાં વિકાસકામો અંગે
વગેરે માહિતી પૂરી પાડી હતી. તેમણે આગામી સમયમાં નવા ભવન, નવીન
અભ્યાસક્રમો શરૂ કરવા તેમજ કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલી વિવિધ શોધ,
સંશોધન અંગે માહિતી આપીને ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતમાં કચ્છ યુનિવર્સિટીને
વિશેષ ઓળખ અપાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કુલપતિએ કહ્યું કે, સેન્ટર ફોર સ્કિલ ડેવલપમેન્ટ,
હોસ્પિટાલિટી, એન્ડ આર્કિયોલોજી જેવા નવા આયામો
સાથે ફિઝિક્સ, મેથેમેટિક્સ અને લાઇફ સાયન્સના નવા વિભાગ શરૂ કરાશે.
યુનિ. દ્વારા અનેક સંસ્થાનો સાથે મહત્ત્વના એમઓયુ પણ કરાયા છે. કાર્યક્રમના પ્રારંભે
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને કચ્છ યુનિવર્સિટી ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
રાજ્યપાલના હસ્તે બે મહત્ત્વપૂર્ણ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું,
જેમાં કચ્છને ગ્રીન એનર્જી હબ બનાવવાના લક્ષ્ય સાથે સ્કિલ સેન્ટર અને
વિદ્યાર્થીઓ માટે આધુનિક ટેક્નોલોજીથી સજ્જ `નમો ઇ-લાયબ્રેરી'નો સમાવેશ થાય છે. રાજ્યપાલ દ્વારા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, કલેક્ટર અનિલ રાણાવસિયા,
પશ્ચિમ કચ્છ એસ.પી. વિકાસ સુંડા, કામધેનુ યુનિ.ના
કુલપતિ ડો. પી.એચ. ટાંક, રજિસ્ટ્રાર ડો. અનિલ ગોર, ઇસી સભ્યો, ફેકલ્ટી, ડીન,
કોલેજના આચાર્યો, અધ્યાપકો, કર્મચારીગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. - આધુનિક ઇ-લાયબ્રેરી
જ્ઞાનનાં નવાં દ્વાર ખોલશે : આધુનિક ઇ-લાયબ્રેરીની
આ મહત્ત્વપૂર્ણ સુવિધા ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન ફંડ અંતર્ગત વિકસાવવામાં આવી છે.
સાંસદ વિનોદભાઇ ચાવડાની પ્રેરણા-સહયોગથી સાકાર થયેલી આ ઇ-લાયબ્રેરી કચ્છના વિદ્યાર્થીઓ, સંશોધકો અને શિક્ષકો માટે જ્ઞાનનાં નવાં દ્વાર
ખોલશે. વાતાનુકૂલિત અને આરામદાયક અભ્યાસની સુવિધા સાથે કમ્પ્યુટર સિસ્ટમ્સ દ્વારા વિદ્યાર્થીઓ
અને સંશોધકોને ડિજિટલ, શૈક્ષણિક સંશાધનોનો સીધો ઉપયોગ કરવાની
સુવિધા મળશે. ઉચ્ચ ગુણવત્તાવાળા ઇ-જર્નલ્સ, ઇ-બૂક્સ, સંશોધન સામગ્રી, થિસીસ અને અન્ય શૈક્ષણિક સાહિત્ય સુધી
વિદ્યાર્થીઓની પહોંચ વધુ સરળ બનશે. આ ઇ-લાયબ્રેરી સ્પર્ધાત્મક પરીક્ષાઓ, નેટ, જીસેટ, યુપીએસસી, જીપીએસસી, વિવિધ વ્યાવસાયિક પરીક્ષાઓ, ઉચ્ચ અભ્યાસ અને સંશોધન માટે વિદ્યાર્થીઓને વધુ સશક્ત બનાવશે. નોંધનીય છે કે,
આ લાયબ્રેરીનો સંકલ્પ માત્ર 17 દિવસમાં સાકાર થયો છે. - ચાર પહેલવાનોએ લાજ રાખી : રાજ્યપાલે વધુ એકવાર સૂચક અને માર્મિક ટકોર
કરતાં કહ્યું કે, ચાર પહેલવાને
લાજ રાખી છે. કચ્છ યુનિ.ના ગોલ્ડ મેડાલિસ્ટ 43માંથી 39 દીકરીએ સુવર્ણ
ચંદ્રક મેળવ્યા છે, તેનો ઉલ્લેખ
કરી રાજ્યપાલે આ બાબતે આત્મમંથન કરવાની જરૂરત પર ભાર મૂક્યો હતો.