ભુજ, તા. 4 : અદાણી સમૂહની ક્ષમતા - નિર્માણ
અને કૌશલ્ય શાખા, અદાણી સ્કિલ્સ
એન્ડ એજ્યુકેશને કચ્છ યુનિવર્સિટીના સહકારથી
ભુજ ખાતે કચ્છ યુનિવર્સિટી કેમ્પસમાં ગ્રીન એનર્જી સંબંધી કૌશલ્ય નિર્માણ અને ક્ષમતા
સંબંધિત પ્રવૃત્તિઓ માટેના સેન્ટર ઓફ એક્સેલન્સને રાજ્યપાલ દેવવ્રત ખુલ્લું મૂક્યું હતું. કચ્છમાં વિકસી રહેલા
રિન્યૂએબલ એનર્જીના વિવિધ પ્રકલ્પનાં કારણે નવીનીકરણીય ઊર્જા માળખાંનાં નિર્માણ,
સંચાલન અને જાળવણી માટે તાલીમ પામેલા લોકોની માંગ વધી છે. હરિત ઊર્જા
ક્ષેત્રે કૌશલ્ય ઘડતર સહિતની પ્રવૃત્તિઓ અંતર્ગત અદાણીએ છેલ્લા બે વર્ષમાં કચ્છ જિલ્લામાં
21,000થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ
રોજગારીની તકોનું સર્જન કર્યું છે. આ સેન્ટર નવીનીકરણીય ઊર્જાનાં ક્ષેત્રમાં મૂલ્યવર્ધક
ભૂમિકાઓ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરીને આ પ્રકલ્પોની જરૂરિયાતને પૂર્ણ કરવામાં મદદ
કરવા સાથે યુવાનોને ઘરની નજીક ઉદ્યોગ સાથે સંકળાયેલ તાલીમની તક આપશે. આ સેન્ટરમાં સોલાર
પીવી ટેક્નોલોજી, વિન્ડ એનર્જી,
હાઇબ્રિડ સિસ્ટમ્સ અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ તેમજ ડિજિટલ અને
ઔદ્યોગિક ઓટોમેશનમાં વિશિષ્ટ તાલીમી કાર્યક્રમો મારફત દર વર્ષે કચ્છ યુનિવર્સિટીના
10,000થી વધુ વિદ્યાર્થીને તાલીમ
આપશે. વધુમાં તે ગ્રીન એનર્જીમાં એપ્લાઇડ રિસર્ચ અને ઉદ્યોગસાહસિકતાને પણ ટેકો આપશે. અદાણી ગ્રુપના ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે, ભારતનાં ભવિષ્યને આકાર આપે તેવાં ક્ષેત્રોમાં
કામ કરવાનો અદાણી ગ્રુપનો હંમેશાં પ્રયાસ રહ્યો છે. તેમણે કહ્યું કે, ગ્રીન એનર્જી એક એવું ક્ષેત્ર છે જે દેશની પ્રગતિ અને આપણી ભાવિ પેઢી બન્ને
માટે મહત્ત્વનું છે, ત્યારે વૈશ્વિક સેન્ટર ઓફ એક્સેલન્સ એ ખાતરી
કરશે કે વિદ્યાર્થીઓ માત્ર નોકરીઓ માટે જ નહીં, પરંતુ ભારત અને
વિશ્વભરમાં ઊભરતી નવી તકો માટે પણ સજ્જ છે.
અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશનના મુખ્ય કારોબારી અધિકારી રોબિન ભૌમિકે જણાવ્યું કે,
ઝડપથી વિકસી રહેલા રિન્યૂએબલ એનર્જી ઉદ્યોગની સામે તેને ટેકો આપવા જરૂરી
વિશિષ્ટ કાર્યબળ એ ઝડપે તૈયાર થઇ રહ્યું નથી. આ શૂન્યાવકાશને દૂર કરવા કચ્છ યુનિવર્સિટી
સાથે મળીને વર્ગખંડમાં કામ કરીને અમે ઉદ્યોગની જરૂરિયાતો મુજબ વિદ્યાર્થીઓને શિક્ષણથી રોજગાર તરફ આગળ વધવામાં મદદ કરીશું. 2030 સુધીમાં 500 ગિગાવોટ નોનફોસિલ
ઇંધણ-આધારિત ક્ષમતા હાંસલ કરવા ભારત નવીનીકરણીય ઊર્જાનો ઉપયોગ કરી રહ્યું છે, જે મોટાપાયે માળખાંગત સુવિધાઓ અને વિશેષ તકનીકી
કુશળતા બંનેની માંગને વેગ આપે છે. કચ્છમાં પહેલેથી જ આ વૃદ્ધિ જોવા મળી રહી છે. અદાણી
સમૂહ ખાવડામાં 538 ચો. કિ.મી.માં
ફેલાયેલો 30 ગિગાવોટનો નવીનીકરણીય ઊર્જા
પાર્ક વિકસાવી રહ્યું છે, જે સૌર,
પવન, ઊર્જા સંગ્રહ અને ડિજિટલ તકનીકોમાં કુશળ કાર્યબળની
માંગ ઊભી કરશે. વર્ગખંડ, સિમ્યુલેશનનો આધાર અને વ્યવહારુ શિક્ષણને
આવરી લેતું આ સેન્ટર એક માળખાંગત શીખ, પ્રેક્ટિસ, અનુભવ તથા પ્રમાણિત કરો, જેવા કારકિર્દી ઘડતરના માર્ગના
ઢાંચાને અનુસરશે.