વિરાણિયા, તા. 4 : મુંદરા તાલુકાના વિરાણિયા ગામે
આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ એક પેડ મા કે નામ - 3.0 અંતર્ગત વૃક્ષારોપણ કરીને પર્યાવરણ
જતનનો સંદેશ આપતાં કહ્યંy કે, વધુમાં વધુ વૃક્ષોનો ઉછેર કરીને જન્મદિન,
લગ્નતિથિની ઉજવણી કરજો, એ જ સાચું પુણ્ય છે,
પરંતુ સાચું પરિણામ ત્યારે જ મળશે જ્યારે એને પૂરું ઉછેરશો. રવિવારે
સવારે કચ્છ યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ બાદ સાંજે રાજ્યપાલે વિરાણિયા ગામની મુલાકાત
લીધી હતી અને ત્યાં વૃક્ષારોપણ, સ્વચ્છતા ઝુંબેશ અને રાત્રિરોકાણમાં
લોકો સાથે સંવાદ કર્યો હતો. હવે આવતીકાલે તેઓ આ તાલુકામાં જ વિવિધ પ્રાકૃતિક ખેતરો
વગેરેની મુલાકાત લેશે. વિરાણિયા ગામમાં આજની રાજ્યપાલની મુલાકાત પ્રસંગે ગ્રામજનો અને
ખેડૂતોમાં છેલ્લા બે દિવસથી ઉત્સાહ છવાયો હતો અને સાંજે તેઓ આવ્યા ત્યારે ઢોલ-નગારા
સાથે તેમનું સ્વાગત કરાયું હતું. આગમન બાદ
કરેલા સીધા સંવાદમાં તેમણે મોટી સંખ્યામાં
ઉપસ્થિત લોકોને નજીક જ બોલાવી ટૂંકા વકતવ્યમાં ગામના વૃક્ષારોપણ કાર્યોને બિરદાવતાં
કહ્યંy કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ રાષ્ટ્રવ્યાપી અભિયાન છેડયું છે. વૃક્ષો એ આવનારી
પેઢીનું કલ્યાણ કરનાર દેવતા સમાન છે, જે જીવતે ઓક્સિજન તથા ફળ
તો આપે જ છે અને નાશ પામ્યા બાદ આપણે અંતિમ
સમયે પણ ઉપયોગી છે. ગ્લોબલ કચ્છ-કચ્છમિત્રના ઉપક્રમે દીનદયાળ પોર્ટ ઓથોરિટીના આર્થિક
સહયોગથી આકાર લઇ રહેલા ભૂખી નદી નવસર્જન પ્રોજેકટ અંતર્ગત નદીકાંઠાના ગામોમાં મિયાવાકી
વનનું નિર્માણ થઇ રહ્યું છે. જે અંતર્ગત વિરાણિયા ગામે ગ્રામ પંચાયતના સહકારથી વન ઊભું
થશે એ સ્થળ પર યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વૃક્ષારોપણનાં કાર્યોને
બિરદાવી તેનાં જતન પર ભાર મૂકયો હતો. ` ગ્રામ પંચાયત અને વન તંત્ર આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યપાલે
વિરાણિયામાં અગાઉ ગામમાં 75 એકરમાં નિર્માણ
પામેલા વનને બિરદાવ્યું હતું. રાજ્યપાલને જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, કચ્છ જિલ્લા પોલીસવડા વિકાસ સુંડા, વિરાણિયા સરપંચ અને
મુંદરા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજાએ આવકાર આપ્યો હતો. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત
માંડવી વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવે, મુંદરા તા.પં. પ્રમુખ
સંતોકબા જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદ, મહામંત્રી ધવલભાઇ આચાર્ય વિ. મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. આ
કાર્યક્રમમાં મુંદરાના જિ.પં.-તા.પં. સદસ્યો, મુંદરાના વહીવટી
તંત્રના અધિકારીઓ, વનખાતાના અધિકારીઓ વિ. ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કચ્છમિત્રના તંત્રી દીપકભાઇ માંકડ, મેનેજર મુકેશભાઇ
ધોળકિયા, સહતંત્રી નિખિલભાઇ પંડયા, ગ્લોબલ
કચ્છના ટ્રસ્ટીઓ ધીરજભાઇ છેડા `એકલવીર', ઉર્મિલભાઇ
ગાલા, સીઇઓ અરુણભાઇ જૈન વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. - વિરાણિયામાં
લહેરાય છે 18,900 વૃક્ષનું વન : હવે મિયાવાકી વન : વિરાણિયા, તા. 4 : અહીં વનતંત્રની યોજના અને ગ્રામ પંચાયતની પહેલથી 75 એકર વિસ્તારમાં 18,900 વૃક્ષ સાથેનું વન લહેરાઈ રહ્યું
છે, જેમાં હવે ગ્લોબલ કચ્છ - કચ્છમિત્રના ઉપક્રમે
ડીપીટીના સહયોગથી આકાર લેતા ભૂખી નદી નવસર્જન પ્રોજેક્ટ અંતર્ગત ગામમાં મિયાવાકી વન
નિર્માણ પામશે. માંડવી ક્ષેત્રના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ કહ્યું કે, ગ્લોબલ કચ્છ-કચ્છમિત્રના નદી નવસર્જન, જળસંચયનો અનોખો
ભૂખી નદી નવસર્જન પ્રોજેક્ટ સાકાર બને છે જે પ્રસંશનીય છે અને હવે પછીના તબક્કામાં
મુંદરા તાલુકાની બંને નદીના નવસર્જનકાર્ય પણ સરકાર, વિવિધ સંસ્થાઓ
અને લોકોના સહિયારા અભિગમથી આગળ વધશે. કાર્યક્રમ દરમ્યાન સરપંચ શક્તિસિંહ જાડેજા અને
ગ્લોબલ કચ્છના ટ્રસ્ટી ધીરજ છેડા `એકલવીર'એ માધ્યમો
સાથે વાત કરતાં જણાવ્યું કે, ગામમાં આવેલા ઐતિહાસિક વનીકરણ કાર્યમાં
વધુ એક છોગું ઉમેરાશે. વિરાણિયા સાથે ભૂખી નદી કાંઠાના અન્ય ગામોમાં પણ 3000 વૃક્ષ સાથેના મિયાવાકી વન બનશે.
750 વૃક્ષ સાથેના ચાર હિસ્સાની
વચ્ચે એક ગઝેબો હશે. જે ગામમાં પર્યાવરણ બદલાવ લાવશે અને પક્ષીઓ કલરવ કરશે.