ભુજ, તા. 25 : કચ્છ
યુનિ.ની પ્રથમ તબક્કાની શરૂ થયેલી પરીક્ષામાં પ્રથમ દિવસે એમ.એમ. સેમ.-4નાં અર્થશાત્રનાં પેપરમાં અભ્યાસક્રમ બહારના પ્રશ્નો
પૂછાતાં પરીક્ષાર્થીઓ મુંઝાયા હતા. જો કે, આ ક્ષતિ ધ્યાને આવતાં છાત્રોને નવા
પ્રશ્નપત્ર અપાયા સાથે પેપર લખવા માટે વધારાનો સમય પણ ફાળવાયો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી
પરિષદ દ્વારા આ મુદ્દે યુનિ.માં રજૂઆત કરવામાં આવી હતી. હવે પછી જો આ પ્રકારના પ્રશ્નો
ઊઠશે, તો ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી
પરિષદ પશ્ચિમ કચ્છ દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવ્યાનુસાર એમ.એ.નાં અર્થશાત્ર સેમેસ્ટર-4ની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક પ્રશ્નો બીજા સેમેસ્ટરના
હતા. વિદ્યાર્થીઓએ રજૂઆત કરતાં સુધારેલું પ્રશ્નપત્ર અપાયું હતું. એબીવીપીએ જવાબદારો
સામે કાર્યવાહી કરવાની માંગ કરી ઈન્ચાર્જ પરીક્ષા નિયામકને આવેદનપત્ર પાઠવ્યું હતું.
રજૂઆત સમયે એબીવીપીના પશ્ચિમ કચ્છ જિલ્લા સંયોજક શૈલેષ પરમાર, સહસંયોજક મીત દરજી, મહિપતસિંહ જાડેજા સહિત જોડાયા હતા.
આ બાબતે ઈન્ચાર્જ પરીક્ષા નિયામક ડો. અમર મહેતાને પૂછતાં ભુજ, માંડવી અને આદિપુર કેન્દ્રમાં આ સમસ્યા સર્જાઈનું ધ્યાને આવતાં 30 મિનિટમાં નવું પ્રશ્નપત્ર આપી દેવાયું હતું. છાત્રોને
પેપર લખવા માટે વધારાનો સમય પણ આપવામાં આવ્યો હતો.