સોમનાથ, તા. 25 : અખિલ
ભારતીય કલા સંસ્થા સંસ્કારભારતી ગુજરાત પ્રાંતનો વર્ષ પ્રતિપદા ઉત્સવ છેલ્લા 19 વર્ષથી પ્રભાસ ક્ષેત્ર હરિહરની ભૂમિ એવા પ્રથમ જ્યોર્તિલિંગ
સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં યોજાય છે. ચાલુ વર્ષે રામમંદિર એડિટોરિયમ ખાતે સોમનાથ
ટ્રસ્ટ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, પવિત્ર યાત્રાધામ વિભાગ અને ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી પ્રભાસોત્સવ-26 યોજાયો હતો. પ્રભાસોત્સવ-26માં પ્રાંતના કચ્છ, મોરબી,
રાજકોટ, જામનગર, પોરબંદર,
દ્વારકા, અમરેલી, બોટાદ,
સુરેન્દ્રનગર, ગીર-સોમનાથ, જૂનાગઢ, કર્ણાવતી, ગાંધીનગર,
મહેસાણા, પાટણ, સાબરકાંઠા,
સુરત, વડોદરા, દાહોદ,
અરવલ્લી, આણંદ, ભરૂચ જિલ્લામાંથી
372 કલાકાર ઉપસ્થિત
રહ્યા હતા. સ્વદેશી અને સ્વાભિમાન થીમ ઉપર સમગ્ર રાત્રિનો કાર્યક્રમ રજૂ કર્યો હતો, જેમાં શાસ્ત્રીય નૃત્ય, ભવાઈ, લઘુ
નાટિકા, લોકનૃત્ય, સુગમ સંગીત, શાસ્ત્રીય સંગીત, લોકસંગીત, ગરબા,
રાસ અને નૃત્યનાટિકા સહિત વિવિધ રૂપો પ્રદર્શિત થયા હતા. ગુજરાતના પદ્મશ્રીથી
સન્માનિત શાહબુદીન રાઠોડ, હાજી રમકડું, સાથે અભાસિંહ રાઠોડ, લલિતાબેન ઘોડાદ્રા, રાધાબેન વ્યાસ સહિતના કલાકારોએ મંચનને તેમની પ્રસ્તુતિથી ગૌરવ વધાર્યું હતું.
આ પહેલાં સોમનાથ મંદિર પરિસરમાં ભારતનાં બંધારણનાં 75 વર્ષ નિમિત્તે યોજાયેલાં ચિત્રોના પ્રદર્શનનું ટ્રસ્ટી
જે.ડી. પરમાર, ગીરના સંઘચાલક પ્રફુલ્લભાઈ હરિયાણી, ક્ષેત્ર પ્રમુખ ચંદુજી ધરોટેએ ઉદ્ઘાટન કર્યું હતું. જેનું સંકલન દૃશ્યકલાના
સંયોજક કનુભાઈ પટેલ દ્વારા કરાયું હતું અને કલા ધરોહર યાત્રા દ્વારા ભાતીગળ વસ્ત્રો
પરિધાન કરી હરિહરની ભૂમિની વિવિધ કૃતિ સાથે ટેબ્લો રાખી ધરોહરની પ્રસ્તુતિ કરાઇ હતી.
સુશોભન યોગેશ યેલવે અને કલાકારો દ્વારા કરાયું હતું. ત્રિવેણી સંગમ ખાતે સમૂહ સાંધ્યા
આરતીમાં ગીર-સોમનાથના કલેક્ટર એન.વી. ઉપાધ્યાય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંકલન
ગીર-સોમનાથ સમિતિના અધ્યક્ષ સુરુભા જાડેજા દ્વારા થયું હતું. બીજે દિવસે ગોલોક ધામના
કાર્યક્રમમાં ગુજરાતી સુગમ સંગીત અને લોકસંગીતનો કાર્યક્રમ અને સમૂહરાસ યોજવામાં આવ્યો
હતો, જેનું સંકલન વિપુલ ત્રિવેદીએ કર્યું હતું. ઉદ્ઘાટા જિલ્લા
પોલીસવડા જયદીપાસિંહ જાડેજા, મંજુલાબેન મુછાળ, પલવીબેન જાની, ડો. યશોધર ભટ્ટ, અજયભાઈ દુબે ઉપસ્થિત થયા હતા. સંસ્કાર ભારતીના પ્રાંતના અધ્યક્ષ અભાસિંહ રાઠોડ
દ્વારા સ્વાગત પ્રવચન તથા રમણીક ઝાપડિયાએ માહિતી આપી હતી. જગદીશ જોશી, નવલ આંબલિયા, રિકેશ ગુર્જર, બિજલબેન
હરિયા, સ્મૃતિ વાઘેલાએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ટ્રસ્ટી
જે.ડી. પરમારે જણાવ્યું હતું કે, હરિહરની આ ભૂમિનો સાંસ્કૃતિક
વારસો પણ અલગ છે, એમણે પ્રભાતોત્સવ દરમિયાન કલાકારો કૃતિઓને બિરદાવી
હતી. અધ્યક્ષ કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ભારતની
સંસ્કૃતિ વારસો નિરાળો છે અને ગુજરાતમાં પણ સાંસ્કૃતિક ધરોહરની ગાથાઓને ગુજરાતના તમામ
જિલ્લાઓમાંથી ઉપસ્થિત કલાકારો પ્રસ્તુત કરે છે, જે આનંદની વાત
છે. ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હાએ સંસ્કૃતિને અનુરૂપ સંસ્કૃતમાં
સંભાષણ કર્યું હતું. આ પ્રસંગે મેઘાણી એવોર્ડથી સન્માનિત અભાસિંહ રાઠોડ, વેરાવળના કેન્દ્રીય સાહિત્ય અકાદમીના પુરસ્કાર વિજેતા યોગેશભાઈ વૈદ્ય,
મહારાષ્ટ્ર સરકારના ગૌરવ પુરસ્કાર વિજેતા ચંદુજી ધરોટે, કૈલાસ લલિત કલા એવોર્ડ મેળવનારા કનુભાઈ પટેલનું વિશેષ સન્માન કરાયું હતું.
કેતન દવે, પ્રકાશ ગોસ્વામી, નરેન્દ્ર ગોસ્વામી,
પથિક માણેક, ગીર સમિતિના કલાકારોએ જહેમત ઉઠાવી
હતી. મુખ્ય સંયોજક તરીકે પ્રાંતના સહ મહામંત્રી પંકજ ઝાલા રહ્યા હતા. સંચાલન કપિલ ગોસ્વામી,
મયૂરી કોટેજા, કમલ જોશી તથા આભારદર્શન જયદીપસિંહ
રાજપૂતે કર્યું હતું.