ભુજ, તા. 22 : માંડવીના મસ્કા ગામે શ્યામજી
કૃષ્ણવર્મા ક્રાંતિતીર્થ સ્મારક ખાતે રવિવારે ધોળા દિવસે દીપડો ફરતો જોવા મળતાં સ્થાનિકોમાં
ગભરાટ ફેલાયો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં દીપડો સ્મારક વિસ્તારમાં નિર્ભય રીતે
ફરતો નજરે પડે છે. મહત્ત્વની વાત એ છે કે, આ વિસ્તારમાં સંભવત
પહેલી વખત દીપડો જોવા મળ્યો હોવાની માહિતી મળી રહી છે. સ્થાનિક ઉપસરપંચ દ્વારા ગામલોકોને
હિંસક પ્રાણીથી સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. નોંધનીય છે કે, બે દિવસ પહેલા ભુજના હબાય વિસ્તાર
નજીક પણ દીપડો જોવા મળ્યો હતો. હાલ લોકોમાં ભયનો માહોલ છે અને વન વિભાગ દ્વારા જરૂરી
કાર્યવાહી થાય તેવી માંગ ઊઠી રહી છે.