માધાપર (તા.ભુજ), તા. 22 : બહાદૂરી અને
બલિદાનની ભૂમિ માધાપરના આંગણે માનસ મુકુરાષ્ટક રામકથા-974ના બીજા દિવસે રવિવારે જાહેર
રજાનો લાભ લેતાં વિશાળ કથા મંડપમાં પ્રારંભ પૂર્વે જ શ્રોતાઓએ સ્થાન મેળવી લીધું હતું.
સમગ્ર ડોમ હાઉસફુલ જોવા મળ્યો હતો. કથાકાર મોરારીબાપુ દ્વારા દરેશ શબ્દોમાં સંદેશ, દરેક ઉદાહરણમાં જીવનમૂલ્યો અને ભાવસભર વર્ણન
સાથે ભક્તિભર્યા માહોલમાં શ્રોતાઓને આધ્યાત્મિકતાનો અનુભવ કરાવતાં રામનામ જાપ મહિમા
અને ગુરૂ ચરણ રજની મહિમાનું ગાન કર્યું હતું. ત્રિભુવન ખેતર-ગ્રીનસીટી સોસાયટી પાસે
માધાપર ખાતે રરામકથાના નિમિત માત્ર મનોરથી યજમાન પરિવાર ધિરેશ મનજી દબાસિયા દ્વારા
પોથીપુજન-વ્યાસપીઠની પ્રદક્ષિણા કરી પૂજન કર્યું હતું. પ્રગટ-અપ્રગટ સર્વે ચેતનાને
વંદન કરી બીજા દિવસની રામકથાનો મોરારી બાપુએ પ્રારંભ કરતાં જણાવ્યું હતું કે મુકુરાષ્ટકનો
અર્થ અરીસો-દર્પણ થાય. ભક્તોનો મનરૂપી અરીસો સુંદર હોવો જોઈએ. સુંદર મનમાં મેલ ન હોવો
જોઈએ. માનવમનમાં મારા જેવું કોઈ સુંદર નથી, ભવિષ્યમાં કોઈ મારાથી
વધુ સુંદર ન હોવું જોઈએ એવી સ્પર્ધાત્મક માનસિક સ્થિતિ તથા બધા અસુંદર છે આ ત્રણ પ્રકારના
મેલ ન હોવા જોઈએ તેમ જણાવ્યું હતું. સુંદરમનમાં અસુંદરને સુંદર કરવાની તાકાત હોવી જોઈએ.
સુંદરતા બધામાં સીયારામમય જોવે છે. ગુરૂ મહિમાગાન સાથે ગુરૂ ચરણરજની અદ્ભુત મહિમા વર્ણવી
હતી. ગુરૂ આશ્રિતને રજનો મહિમા સમજવો જરૂરી છે. સુંદર મન રૂપી અરીસાને મારાથી કોઈ સુંદર
નથી એવો અહંકારનો મેલ લાગવાથી ગુરૂ અટકાવે છે દર્પણમાં આવતી મલિનતાને રોકે છે. રામાયણના
ઉપાસકોને કોઈના અપરાધો ન દેખાય તે માટે ગુરૂની જીવનમાં મહત્તા દર્શાવી હતી. રામચરિત
માનસમાં આઠ પ્રકારના દર્પણ છે. માનસ દર્પણ માનસ એટલે હૃદય. હૃદય પણ દર્પણ છે. મન પણ
દર્પણ છે ચહેરો, આંખ, જળ-પાણી, કાયરા, જગત દર્પણ છે. મોરારીબાપુએ ભાવાત્મક શબ્દોથી શ્રોતાને
જણાવ્યું હતું કે રામકથાથી શ્રોતાના મન સુધી પહોંચવું છે. હનુમાનજી આ પૃથ્વિ પર જીવંત
છે રામગાન ગવાતા હશે ત્યાં સુધી હનુમાન પૃથ્વિ પર સાક્ષાત છે. શ્રોતાગણ દ્વારા કથાના
નામ મુકુરાષ્ટક પર કવિતા લખી મોકલેલી તેનું
કાવ્ય મોરારીબાપુએ સંભળાવી આનંદ વ્યક્ત કર્યો હતો. આ માનસ મુકુરાષ્ટક કથા અનેક ને કવી
બનાવી દેશે તેવું ઉમેર્યું હતું. રામ નામ આરામ-વિશ્રામ આપનારૂં તત્વ છે. કવચ છે,
શક્તિ છે. શંકર ભગવાન મહામંત્ર સમજી 24 કલાક રામનામ જાપ કરે છે રામનામ
જાપનો મહિમા વર્ણવતા આંખના પલકે પલકે હૃદયની ધડકને ધડકને હાલતાં ચાલતાં ડગલે પગલે ધમની
શીરામાં રોમેરોમમાં રામનામ જાપ કરવા જણાવ્યું હતું. કબીર, ગુરૂનાનક સહિતના બધા મહાપુરુષો રામનામ જાપ મહિમા
બતાવે છે. જે પણ ઈષ્ટનું નામ સહજ આવે તે જપવું એ નામ પણ રામ જ છે. તુલસીદાસજીએ રામનામ
મહિમાની 72 ચોપાઈ લખી
છે તેની ગાયન વંદનરા કરી જેસલ-તોરલને યાદ કર્યા હતા. માન સરોવરના વિવિધ ઘાટનરા રૂપક
પ્રસંગનું વર્ણન બાપુએ કર્યું હતું. કર્મ એ ભગવાન શ્રીરામનું રામકથાનું મહત્ત્વનું
સંવાદ છે. વેલજીભાઇ ગજ્જરને યાદ કરતાં જણાવ્યું હતું કે, ભીડમાં એકલો ઓળખાતો ગજ્જર એની ઓળખાણ પણ એ જિગરી
હતો. જિગર એની ઓળખ હતી. - સુવ્યવસ્થિત
ભોજન-પાર્કિંગ વ્યવસ્થા : કથા સ્થળે
ભોજન-પ્રસાદ અને પાર્કિંગની સુવ્યવસ્થિત વ્યવસ્થા માટે સેવાકાર્યમાં કાર્યકરો ખડેપગે
જોવા મળ્યા હતા. સુગમ પાર્કિંગ વ્યવસ્થાને પગલે મોટી સંખ્યામાં આવેલા શ્રોતાઓને સગવડતા
અનુભવાઇ નહોતી. શ્રોતાઓનો અવિરત પ્રવાહ જોતાં વિશાળ કથામંડપ નાનો પડયો હતો. રામકથા
સાંભળવા ત્રિભુવન ખેતરમાં ભક્તો ઉમટયા હતા. - શેરડી રસની વ્યવસ્થા : માધાપર સ્થાનિક ભાઇ-બહેનો દ્વારા ગરમીના દિવસોમાં શેરડી રસ પાન
વ્યવસ્થા કરાઇ હતી. રસોડા સમિતિ સેવામાં વિશ્વ હિન્દુ પરિષદના ભાઇઓ, ગઢવી સમાજ, સમર્પણ મહિલા
મંડળ, મોગલધામ તથા સેવાભાવી સહિતના સેવા આપી રહ્યા છે. વર્ધમાન
નગર, ગ્રીન સિટીલ પાર્શ્વનાથ શ્રીહરિ પિંક સિટીના ભાઇ-બહેનો રસોડા
તથા પ્રસાદ પીરસવાની સેવા સહિતની વ્યવસ્થામાં સહયોગ આપી રહ્યા છે. રામકથાના યજમાન પરિવાર
ગોરસિયા નારણ કાનજી, ગોરસિયા અમૃતબેન, ગોરસિયા
શાંતાબેન પ્રકાશભાઇ, ગોરસિયા ભાવિકાબેન કુશભાઇ, ગોરસિયા પ્રેમિલાબેન કિરણભાઇ, ગોરસિયા જયદેવ કિરણ,
ગોરસિયા મીરાં કિરણ અને આયોજનને સફળ બનાવવા પ્રવીણભાઇ તન્ના,
યોગેશભાઇ વેલજીભાઇ ગજ્જર, ભાવેશભાઇ ઠક્કર,
ઘનશ્યામ જોષી, રિશી જોષી, વિનેશ સાધુ જહેમત ઉઠાવી રહ્યા છે.- ચેઇન સ્નેચરોથી સાવધાન : માધાપરની
રામકથામાં ભારે ગિરદીનો ગેરલાભ લઇ ચેઇન ચીલઝડપની રાવ સામે આવી છે. રવિવારે એક મહિલાની
સવા તોલાની સોનાની ચેઇન સેરવાયાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય એક મહિલાના ગળામાંની
ચેઇનની ચીલઝડપનો પ્રયાસ થયો હતો, જેમાં
ચેઇન અને લોકેટ ગળામાં જ રહી ગયા હતા. આ મહિલાએ જણાવ્યું હતું કે, ગિરદીનો ગેરલાભ લઇ ચારથી પાંચ મહિલા ચારે તરફથી તેને ઘેરી વળી હતી અને ગિરદીમાંથી
બહાર નીકળતાં ગળામાંથી તૂટીને કપડામાં વીંટળાયેલી ચેઇન લોકેટ સાથે દેખાયા હતા. જે મહિલાની
ચેઇન સેરવાઇ હતી તેણે ત્યાં હાજર પોલીસને ચેઇન ગુમ થયાની જાણ કરી હોવાની વિગતો મળી
છે. આમ ભારે ગિરદીનો ગેરલાભ ઉઠાવી ચેઇનની ચીલઝડપ કરતી મહિલા ટોળકી આ કથામાં સક્રિય
હોવાનું સામે આવ્યું છે. આથી કથામાં આવતા ભક્તો મોંઘેરા ઘરેણા પહેરીને ન આવે તે તેમના
હિત ખાતર જરૂરી બન્યું છે. બીજી તરફ પોલીસ પણ સાદા વેશમાં ગોઠવાઇ નજર રાખી આ ટોળકીને
જબ્બે કરે તેવું જાગૃતો જણાવી રહ્યા છે.