દયાપર (તા. લખપત), તા. 22 : ધ્રંગ-લોડાઇથી
કુનરિયા રસ્તે આવતા કોટાય ગામના પશ્ચિમે આવેલા પ્રાચીન સૂર્યમંદિર સુધી પહોંચતાં નાકે
દમ આવી જાય તેવો રસ્તો છે. એક કિ.મી. ડામર રોડ પછીનો રસ્તો ખાડા-ટેકરાવાળો હોતાં પ્રવાસીઓને
મુશ્કેલી થાય છે. કોટાય ગામની શેરીઓમાં ડામર રોડ બની ગયા છે પણ પ્રસિદ્ધ સ્થળ પાકા
રસ્તાથી વંચિત રહી ગયું છે. આ બાબતે ગામના સરપંચ પ્રતિનિધિ નંદલાલભાઇ આહીરનો સંપર્ક
કરતાં તેમણે કહ્યું હતું કે, જે એક
કિ.મી. ડામર રોડ બનાવ્યો છે તે પણ ગામના અમુક રસ્તામાં વધતાં તેનો ઉપયોગ કર્યો છે.
જો કે, ગામની અમુક શેરીઓ રહી ગઇ છે. સૂર્યમંદિર સુધી પાકા રસ્તાની
માગણી કરી છે. હજુ પણ આ બાબતે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી થાય તેવા પ્રયત્નો કરીશું. પ્રાચીન
સૂર્યમંદિર જર્જરિત થઇ ગયું છે અને લાકડાંની થાંભલી ઊભી કરી તેના ટેકે અવશેષો ઊભા છે.
પુરાતત્ત્વ ખાતા પાસે આ બાબતે રજૂઆત કરી છે. અહીં ચોકીદાર પણ રખાયો છે. રાજકોટથી પણ
પુરાતત્ત્વ ખાતાના અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કરી ગયા છે. ત્વરિત મરંમત કાર્ય થાય તો પુરાતન
અવશેષો બચી શકે તેવું નંદલાલભાઇએ જણાવતાં ઉમેર્યું હતું કે રવિવારે મોટી સંખ્યામાં
અહીં પર્યટકો આવે છે. મંદિરનું મરંમત કાર્ય જલ્દી થાય તેવા પ્રયત્નો કરાશે. કચ્છ ઇતિહાસ
પરિષદના મહામંત્રી પ્રમોદ જેઠીનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, કંથકોટ સૂર્યમંદિરની પણ એવી જ દશા છે. માખેલમાં પણ સૂર્યમંદિર છે. ભુજ સત્યનારાયણ
ભગવાન મંદિર સામે પણ વર્ષો પહેલાં સૂર્યમંદિર હતું. કાઠી દરબાર સૂર્યપૂજક હતા. ભુજનું
મંદિર સાતમી સદીનું હતું. પુરાતત્ત્વ ખાતું જૂના સ્થાનકો પર ધ્યાન આપે તે જરૂરી છે.
કોટાય સૂર્યમંદિરની બહારની બાજુ પણ કોતરણી કામ, શિલ્પકામ અદ્ભુત
છે. પથ્થરોને વરસાદ, પવનનો ઘસારો અસર કરી ગયો છે, પણ જૂના અવશેષો તરફ સરકાર જાગૃત થાય તે જરૂરી છે.