• મંગળવાર, 24 માર્ચ, 2026

કચ્છમાં કમોસમી વરસાદનો દોર યથાવત્

ભુજ, તા. 22 :  ચૈત્ર માસના આરંભ સાથે કચ્છમાં શરૂ થયેલો કમોસમી વરસાદનો દોર યથાવત્ રહ્યો છે. પશ્ચિમી વિક્ષોભની અસર હેઠળ વાદળોની આવન-જાવન વચ્ચે બપોર બાદ જિલ્લાના કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભુજ તાલુકાના કુકમા, પદ્ધર, રેહા ઉપરાંત અંજાર તાલુકાના રતનાલ સહિતના વિસ્તારમાં તડકી-છાંયડી વચ્ચે વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં. જિલ્લા મથક ભુજમાં પણ બપોર બાદ વાદળોની હાજરી જોવા મળી હતી, તો જિલ્લામાં કેટલાક સ્થળે ગાજવીજ થયાના અહેવાલ  મળ્યા છે. કુકમાના અહેવાલ અનુસાર સાંજના 6 વાગ્યા આસપાસ હળવા તડકા સાથે વરસાદ ખાબક્યો હતો. સારી એવી ગતિમાં પડેલા વરસાદી ઝાપટાંથી દસ મિનિટમાં તો પાણી વહેવાં લાગ્યાં હતાં. ગામની બજાર, શેરીઓમાં પાણી વહી નીકળ્યાં હતાં. અચાનકથી પડતા આવા વરસાદથી ખેડૂતવર્ગની મુશ્કેલી વધે છે. આ વરસાદી ઝાપટું અડધા કલાક બાદ ધીમું પડયું હતું. હવામાન વિભાગે આગામી સપ્તાહ દરમ્યાન વરસાદ વરસવાની કોઈ સંભાવના વ્યકત કરી નથી. જો પશ્ચિમી વિક્ષોભ સર્જાય તો અઠવાડિયા બાદ ફરી એકવાર કમોસમી વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે. દરમિયાન મહત્તમ પારો ઊંચકાઈ ભુજ અને અંજાર-ગાંધીધામમાં 35.7 ડિગ્રીએ  પહોંચતાં બપોરના સમયે ગરમી અનુભવાઈ હતી. હવામાન વિભાગે મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઊંચકાય તેવી આગાહી કરી છે. સતત વાતાવરણમાં જોવા મળતા બદલાવથી ખેડૂત વર્ગમાં ચિંતા જોવા મળી રહી છે. 

Panchang

dd