ભુજ, તા. 21 : વાજતે-ગાજતે વરઘોડા અને સમુરતાંની
ધાર્મિક અને પારંપરિક લગ્નવિધિ સહિતના અનેકવિધ કાર્યક્રમો સાથે આજે અખિલ કચ્છ રઘુવંશી
સોશિયલ ગ્રુપ આયોજિત 40મા સમૂહલગ્નનો
પ્રારંભ થયો હતો. આવતીકાલે રવિવારે રઘુવંશી સહિતના વિવિધ સમાજના 31 યુગલ આ આયોજન અંતર્ગત તેમનું
લગ્નજીવન સંતો, મહંતો, દાતાઓ અને શ્રેષ્ઠીઓની
ઉપસ્થિતિમાં શરૂ કરશે. શહેરની ભાગોળે સેડાતા સ્થિત ધી વિલા ખાતે માતા વીરબાઈનગરમાં
આજે બપોર પછી 40મા સનાતની
સમૂહલગ્નના બે દિવસીય કાર્યક્રમોનો પરંપરાગત ઢબે પ્રારંભ થયો હતો. ગ્રુપ દ્વારા તેના
ભુજ શહેર એકમના સથવારે અને ભુજ લોહાણા મહાજનના સાંનિધ્યમાં આ આયોજન કરવામાં આવ્યું
છે, જેમાં જોડાનારા તમામ 31 યુગલને સાડા ત્રણ લાખ રૂપિયાથી
વધુનું કરિયાવર આપવામાં આવશે. સમૂહલગ્નના પ્રારંભે આજે સાંજે વાજતે-ગાજતે નીકળેલા વરઘોડાએ
આકર્ષણ જમાવ્યું હતું. શણગારેલી બગીઓ અને ઘોડાઓના સથવારે ગીત-સંગીત તથા બેન્ડવાજાના
નાદે ઉપસ્થિતો વરઘોડામાં ઝૂમ્યા હતા. આ પછી લગ્નમાં ભાગ લેનારા પરિવારોએ સમુરતાંની
વિધિ પારંપરિક અને ધાર્મિક રીતે કરી હતી. મોડીસાંજે જલારામ જીવન ચરિત્રની પ્રસ્તુતિ
દ્વારા ભક્તિનો અનેરો માહોલ સર્જાયો હતો, જ્યારે રાત્રે જાણીતા કલાકારો અને સાજિંદાઓના સથવારે આયોજિત સંગીત સંધ્યાએ
ગીત, સંગીતની જમાવટ કરી હતી. આવતીકાલે રવિવારે સવારે મંડપારોપણ,
51 બટુકને યજ્ઞોપવિત અને ગૃહશાંતિની
વિધિ યોજાશે. આ પછી બપોરે હસ્તમેળાપ અને સાંજે કન્યા વિદાય સહિતના કાર્યક્રમો યોજાશે.
લગ્નની વિવિધ વિધિઓના ધમધમાટ અને સાજન-માજનની ઉપસ્થિતિએ લગ્ન સ્થળ માતા વીરબાઈ નગર
ખાતે અનેરા વાતાવરણને ઊભું કર્યું છે. સમારંભમાં સહભાગી થવા માટે જિલ્લા બહારથી પણ
અનેક પરિવારો અને સભ્યો ભુજ પહોંચી આવ્યા છે. ગ્રુપના હોદ્દેદારોએ આવતીકાલે રવિવારે
યોજાનારા કાર્યક્રમો વિશે જણાવ્યું હતું કે, જગતગુરુ 1008ની પદવી મેળવનારા
રવિભાણ સંપ્રદાયના સંત મોટી વિરાણીના શાંતિદાસજી મહારાજની રક્તતુલા કરવા સાથે તેમના
તરફનો અહોભાવ પ્રદર્શિત કરાશે, જ્યારે
વિધાનસભાના માજી અધ્યક્ષ એવા જ્ઞાતિના મોવડી ડો. શ્રીમતિ નીમાબેન આચાર્યને રઘુવંશી
(સમાજ) રત્નથી વિભૂષિત કરવા સાથે તેમનું વિશેષ બહુમાન કરવામાં આવશે. સાથેસાથે વિરાટ
જ્ઞાતિ સંમેલન અને સત્કાર સમારંભ સહિતના કાર્યક્રમો પણ લગ્નની વિવિધ વિધિઓ સાથે યોજવામાં
આવશે, જેમાં સંતો, મહંતો તથા સામાજિક-રાજકીય
આગેવાનો ઉપરાંત દાતાઓ અને જ્ઞાતિજનોનું સાંનિધ્ય રહેશે. ગ્રુપના સ્થાપક પ્રમુખ જેન્તીલાલ
જેઠાલાલ ઠક્કર (ડુમરાવાળા) તથા માજી પ્રમુખ વસંતભાઈ કોડરાણી અને પંકજભાઈ ઠક્કર તથા
ગ્રુપના વર્તમાન અધ્યક્ષ જયેશ જમનાદાસ સચદે (બાપાદયાળુ)એ વધુ માહિતી આપતાં જણાવ્યું
હતું કે, કચ્છ અને બૃહદ કચ્છમાં વસતા રઘુવંશી અને અન્ય સમાજના
દાતાઓના સહકારથી આ આયોજન અમલી બની શક્યું છે. દાતાઓ અને શ્રેષ્ઠીઓની ઉદાર સખાવતના કારણે
પ્રત્યેક કન્યાને સાડા ત્રણ લાખ રૂપિયાથી વધુની રકમનું કરિયાવર આપી શકાશે. કરિયાવરમાં
વિવિધ 150 વસ્તુ આપવામાં આવશે તેવું તેમણે
ઉમેર્યું હતું. - વરઘોડાએ કરી
જમાવટ : સમૂહલગ્નના પ્રારંભે આજે યોજાયેલા વરરાજાઓના
વરઘોડાએ ઉત્સાહ-ઉમંગનો માહોલ ઊભો કર્યો હતો. ભાતીગળ વત્રોમાં સજ્જ જાનૈયાઓ બેન્ડવાજાની
સંગાથે ઉમંગભેર ઝૂમ્યા હતા. શણગારેલી બગીઓ અને ઘોડાઓ સાથે સામૂહિક લગ્નના ઉમંગની ઝાંખી
જોવા મળી હતી. વરઘોડાઓમાં સંબંધિત પરિવારજનો સાથે અગ્રણીઓ અને જ્ઞાતિજનોનો સમૂહ જોડાયો
હતો. - સંધ્યા પાઠથી ભક્તિરસ : આયોજન અંતર્ગત સાંજે યોજાયેલા સંધ્યા પાઠના
કાર્યક્રમે સામાજિક પ્રસંગની સાથોસાથ શ્રદ્ધા અને ભક્તિનું વાતાવરણ ખડું કર્યું હતું.
વાંઢાયના જીતુ ભગત દ્વારા સંધ્યા પાઠમાં પ્રભુભક્તિના વિવિધ પાસાઓ વર્ણવી લેવા સાથે
શ્રોતાવર્ગને ઝકડી રાખ્યો હતો. જીતુ ભગતે વિવિધ દૃષ્ટાંતો સાથે ભક્તિ અને કીર્તન સહિતની
બાબતોને વણી લીધી હતી. - જલારામ ચરિત્રનું
આકર્ષણ : રઘુવંશી સમાજના સંત શિરોમણિ જલારામ બાપાના
જીવનચરિત્રની રજૂઆતના કાર્યક્રમે પણ આજે પ્રથમ દિવસે જ્ઞાતિજનોને ઝકડી રાખ્યા હતા.
આ કાર્યક્રમની પ્રસ્તુતિ હિનાબેન ઠક્કરના આયોજન તળે મુલુન્ડ મુંબઈથી આવેલા મહિલા મંડળના
35 સભ્યે કરી હતી. સંતના જીવનના
વિવિધ પાસાઓ અને તેમના સેવા તથા ભક્તિના કાર્યો સહિતની બાબતોની આમાં પ્રસ્તુતિ કરાઈ
હતી. - દાંડિયારાસથી ઉમંગ-ઉલ્લાસ : આજે શનિવારે
રાત્રે સમૂહલગ્નના પ્રથમ દિવસે રાત્રે સંગીત સંધ્યા અને દાંડિયારાસ સહિતના સાંસ્કૃતિક
કાર્યક્રમો પણ યોજાયા હતા. સંગીત સંધ્યામાં જાણીતા કલાકાર નીલેશ ગઢવી અને સાથીદારોએ
ઉપસ્થિતોને ડોલાવ્યા હતા, તો દાંડિયારાસમાં
ગીત-સંગીતના સથવારે જ્ઞાતિજનો અને આગેવાનો ઉમંગભેર જોડાયા હતા. - આયોજકો અવિરત પ્રવૃત્ત : લોહાણા (રઘુવંશી)
સહિતના વિવિધ સમાજને આવરી લેતા આ સનાતની સમૂહલગ્નના આયોજન સાથે તેની બાગડોર સંભાળી રહેલા ગ્રુપના મોવડીઓ અને હોદ્દેદારો
સાથે વિવિધ તાલુકા અને શહેર એકમ, મહિલા
તથા યુવા પાંખ અને જ્ઞાતિના મોવડીઓ આયોજનને પાર પાડવા સતત પ્રવૃત્ત જોવા મળ્યા હતા.
આયોજન અંતર્ગત વિવિધ જવાબદારી વિવિધ વ્યક્તિ અને સમિતિને સોંપવામાં આવી છે. ગ્રુપના
મહિલા પાંખના હોદ્દેદારો અને સભ્યોએ કરિયાવર, ભેટસોગાદ અને કન્યાઓને
સંલગ્ન કાર્યવાહીની જવાબદારી અવિરત રાખી છે, તો યુવા અને વિવિધ
તાલુકા એકમની ટીમ પણ તેમની જવાબદારીમાં પ્રવૃત્ત જોવા મળી હતી. સ્વંયસેવક સ્વરૂપે સેવા
આપનારા પણ સતત તૈનાત રહ્યા હતા. - સામાજિક એકતા થશે મજબૂત : વિવિધ સમાજને લગ્નના એક જ માંડવા નીચે લાવીને કરવામાં આવેલા
આ સમૂહલગ્નના આયોજનથી સામાજિક એકતા અને વિવિધ સમાજ વચ્ચેનો નાતો વધુ મજબૂત બનશે, તેવી લાગણી ગ્રુપ દ્વારા વ્યક્ત કરાઈ હતી. માત્ર
રઘુવંશી જ નહીં, પણ અન્ય સમાજ દ્વારા મળેલો સહયોગ આનું દૃષ્ટાંત
બની રહ્યાનું તેમણે જણાવ્યું હતું. આ પ્રકારના
આગામી અન્ય આયોજનોમાં પણ સામાજિક એકતાને વધુ મજબૂતી બક્ષે તેવો અભિગમ જારી રાખવામાં
આવશે, તેવી કટિબદ્ધતા પણ ગ્રુપ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.
- જીવદયા-સેવાકાર્યો શરૂ : સમૂહલગ્નની
શરૂઆત સાથે ગ્રુપ દ્વારા અગાઉથી જાહેર કરાયા મુજબ જીવદયા, ગૌસેવા અને માનવસેવા સહિતના વિવિધ ઉપયોગી કાર્યો
પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. ગાયો માટે ચારો તથા શ્વાનો અને પક્ષીઓ માટે પણ કાર્યો
હાથ ધરાયાં હતાં. ગઢશીશા અંબેધામના ચંદુમાની પ્રેરણાથી આરંભાયેલા આ સેવાકાર્યોની બાગડોર
જયેશભાઈ બિટ્ટાવાળા અને અન્યો સંભાળી રહ્યા છે. આ કાર્યો હેઠળ જિલ્લાના વિવિધ ધાર્મિક
સ્થાનોને પણ આવરી લેવામાં આવ્યા છે. સેવાના સ્વરૂપે થતી આ કાર્યવાહી બંને દિવસ જારી
રખાશે. - દાતાઓની કરાઈ સરાહના : કચ્છ અને બૃહદ કચ્છને આવરી લેતા આ મોટા
ગજાના આયોજન માટે વિવિધ દાતાઓ દ્વારા મળેલા અભૂતપૂર્વ સહયોગની ગ્રુપ દ્વારા નોંધ લેવામાં
આવી હતી. આયોજન માટે દક્ષાબેન કમલેશભાઈ મામોટિયા અને સોનાબેન કિરણભાઈ મામોટિયા પરિવારે
સ્વ. દમયંતીબેન કરશનદાસ ઠક્કર (અમ્માબેન)ની સ્મૃતિમાં 25.11 લાખનું દાન આપી મુખ્ય દાતાનો
લ્હાવો લીધો છે, જ્યારે જશોદાબેન હંસરાજભાઈ
ઠક્કર પરિવારના રક્ષાબેન પંકજભાઈ ઠક્કર (પડાણાવાળા)એ 5.51 લાખના દાન સાથે સહયજમાન બનવાનો
લાભ લીધો છે. લગ્નમાં જોડાનારી દરેક કન્યાને એક-એક લાખ રૂપિયાનું કરિયાવર આપવાનો મોટો
સહયોગ રવેચી મા કૃપા સંઘ રવ આદિપુર દ્વારા અપાયો છે. કચ્છ અને કચ્છ બહાર વસવાટ કરતા અનેકવિધ દાતાઓએ ફાળો આપ્યો હોવાનું જણાવીને
ગ્રુપે તેમની તમામની સરાહના કરી હતી. - આયોજન-વ્યવસ્થા : સમૂહલગ્નનું આયોજન સુપેરે પાર પાડવા ગ્રુપની ટીમ મોવડીઓ, દાતાઓ અને જ્ઞાતિજનોને સાથે રાખીને આયોજન વ્યવસ્થા
સંભાળી રહી છે. ગ્રુપના સ્થાપક પ્રમુખ જેન્તીભાઈ ઠક્કર (ડુમરાવાળા), માજી પ્રમુખ વસંતભાઈ કોડરાણી અન પંકજભાઈ ઠક્કર, કચ્છ
લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ બળવંતભાઈ ઠક્કર, ભુજ લોહાણા મહાજનના
અધ્યક્ષ ડો. મુકેશભાઈ ચંદે વગેરેનું અવિરત માર્ગદર્શન મળી રહ્યું છે. ગ્રુપના પ્રમુખ
જયેશ સચદે, વરિષ્ઠ ઉપપ્રમુખ રાજેશભાઈ પલણ, વર્તમાન મહામંત્રી સુકેત નિરંજન રૂપારેલ અને મહેન્દ્ર ગટ્ટા સાથે રશ્મિકાંત
ઠક્કર, હરેશ તન્ના, રાજેશ ચોથાણી,
રાજેશ આથા, મહિલા પાંખના બિંદિયાબેન મેહુલ ઠક્કર,
કલ્પનાબેન ઠક્કર, અવનીબેન ઠક્કર, ગીતાબેન રૂપારેલ, રઘુવીર સેનાના મયંક રૂપારેલ તથા કૈલેશભાઈ
ગણાત્રા, અર્પિત ઠક્કર, કુશલ ઠક્કર વગેરે
જહેમત ઉઠાવી રહ્યા છે. *