કુલદીપ દવે દ્વારા : અંજાર, તા. 2 : પાછલાં છેલ્લાં કેટલાંક વર્ષોથી
સરકારી શાળોમાં અપૂરતી શિક્ષણ વ્યવસ્થાના અભાવની ફરિયાદો સાથે બાળકોને ખાનગી શાળામાં
જ અક્ષરજ્ઞાન અપાવવાની ઘેલછા વધી છે, ત્યારે અંજાર નગરપાલિકા દ્વારા સંચાલિત સરકારી અંગ્રેજી માધ્યમની શાળામાં વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, રોબોટિક્સ તથા એરોમોડેલિંગ ઉપર પ્રશિક્ષણ
આપવાની અનોખી પહેલ કરવામાં આવી છે. કચ્છની પ્રથમ સરકારી શાળામાં છાત્રો વર્તમાન ટેક્નોલોજી
સાથે કદમ-તાલ મેળવી શકે તે પ્રકારે શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો
છે. આજના આધુનિક સમયમાં શિક્ષણ ક્ષેત્રે અનેક નવા આયામો ઉમેરાયા છે. વિદ્યાર્થીઓના માતા-પિતાએ સ્વપ્નમાં
ન વિચાર્યું હોય તે પ્રકારના ધરખમ ફેરફાર આજના શિક્ષણમાં આવ્યા છે, જેની સામે ટેક્નોલોજીનો પણ એટલો જ
વિકાસ થયો છે. તાજેતરમાં અંજાર નગરપાલિકાની સામાન્ય સભામાં એ.આઈ. અને રોબોટિક્સ અને
એરોમોડેલિંગના શિક્ષણ માટે રૂા. 14.30 લાખના ખર્ચની જોગવાઈ કરવામાં આવી હતી. સુધરાઈ પ્રમુખ વૈભવભાઈ
કોડરાણીએ જણાવ્યું હતું કે, શાળામાં અભ્યાસ
કરતા વિદ્યાર્થીઓ ભારતનું આવતીકાલનું ભવિષ્ય છે. છાત્રોને પાયાના શિક્ષણમાં જ આધુનિક
ટેક્નોલોજીનું શિક્ષણ આપવામાં આવે તે વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે, જેને ધ્યાને લઈને અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત અંગ્રેજી માધ્યમની શાળામાં આ પ્રયાસ કરવામાં આવ્યો
છે. આ ઉપરાંત સરકારી શાળાના વિદ્યાર્થીઓના વિકાસ માટેની તમામ બાબતે પાલિકા કટિબદ્ધ
છે. અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ
ચેરમેન દિગંત ધોળકિયાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે માત્ર
પુસ્તકજ્ઞાનના કારણે વિદ્યાર્થીઓ ઓછા થઈ જતા હોય છે. પુસ્તકની સાથોસાથ પ્રાયોગિક શિક્ષણ
વિદ્યાર્થીઓને અનેક પ્રકારના અનુભવ કરાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ શાળાના પાયામાંથી કૌશલ્ય વિકાસ માટે ભાર મુકાયો છે. નવી શિક્ષણનીતિ એન.ઈ.પી.-2020માં આ પ્રકારે કૌશલ્ય વિષયનો
સમાવેશ કરાયો છે. પ્રારંભિક તબક્કામાં શહેરની
અંગ્રેજી શાળામાં 1000 વિદ્યાર્થી
આ આધુનિક શિક્ષણ મેળવી શકે તેવા લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યા છે. આ પ્રકલ્પમાં વિશેષ
શિક્ષકો પ્રશિક્ષણ આપશે. આ પ્રકલ્પ તળે ધો. 1થી 9 બાળકની વિશેષ કિટ અને પુસ્તકના માધ્યમથી નવીનતા અને સર્જનાત્મકતા શક્તિ બહાર લાવવામાં આવશે. કોમ્પ્યુટર સાયન્સમાં
બ્લોક આધારિત કોડિંગ, ગેમ અને ડેવલપમેન્ટ,
જાવા, પાયથન તેમજ રોબોટિક્સ અને એરોમોડેલિંગ તળે
બળ, ચુંબકત્વ, વીજળી, પ્રોગામિંગ સહિતની બાબતો શીખવવામાં
આવશે. વર્ષના અંતમાં રોબોફેર પણ યોજવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓની
શ્રેષ્ઠ કૃતિને પ્રસ્તુત કરાશે તેવું પાલિકાના સત્તાધીશોએ ઉમેર્યું હતું. વિકસિત ભારતનાં
સ્વપ્ન સાથે કરાયેલી આ પહેલને વાલીઓ અને શહેરીજનોએ આવકારી હતી.