નવી દિલ્હી, તા. 3 : સંસદનાં બન્ને
ગૃહો લોકસભા અને રાજ્યસભાએ શનિવારે સંસદીય સમિતિઓમાં ફેરબદલ કરી હતી; જેમાં કોંગ્રેસના સાંસદ શશી થરૂરને વધુ એકવાર
મોટું પદ અપાયું છે. નવી યાદીમાં અનેક એવા નેતા છે, જેમને બીજીવાર
સમિતિઓનું સુકાન સોંપાયું છે. સંસદ તરફથી થરૂરને વિદેશી મામલાઓની સંસદીય સ્થાયી સમિતિના
અધ્યક્ષ તરીકે ફરીવાર નિયુક્ત કરાયા હતા. એ જ રીતે કૃષિની સંસદીય સમિતિનું સુકાન પણ
ફરી કોંગ્રેસના ચરણજિતસિંહ ચન્નીના હાથમાં જ સોંપાયું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને
ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરને પણ કોલસા અને ખાણની સંસદીય સમિતિના અધ્યક્ષ પદ પર જ ફરી
નિયુક્ત કરાયા છે. ભાજપના સુધાંશુ ત્રિવેદીને વાણિજ્ય સમિતિના અધ્યક્ષ બનાવાયા છે.
ત્રિવેદીએ તૃણમૂલ કોંગ્રેસ નેતા ડોલા સેનનું સ્થાન લીધું છે. રાધામોહનસિંહને રક્ષા
સમિતિના અધ્યક્ષ બનાવાયા છે. આ ફેરબદલમાં તૃણમૂલ કોંગ્રેસ સાંસદ કીર્તિ આઝાદને મોટો
ઝટકો લાગ્યો છે. કીર્તિનાં સ્થાને તૃણમૂલના વિદ્રોહી સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારને રસાયણ
અને ખાતર સમિતિનું સુકાન સોંપાયું હતું. બીજી
તરફ, થરૂર અને ચન્ની ઉપરાંત, વધુ એક કોંગ્રેસ
નેતા મુકુલ વાસનિકને મહિલા, બાળક અને યુવા મામલાઓની સમિતિના અધ્યક્ષ
તરીકે ફરી સુકાન સોંપાયું છે. સમાજવાદી પાર્ટીના રામગોપાલ યાદવ પણ આરોગ્ય અને પરિવાર
કલ્યાણ સમિતિના અધ્યક્ષ પદે જળવાઈ રહેશે. કોંગ્રેસના સપ્તગિરિ ઉલાકાને ફરીવાર ગ્રામવિકાસ
અને પંચાયતી રાજ સમિતિના અધ્યક્ષ બનાવાયા છે. દ્રમુકતના કનીમોઝીને ફરી ગ્રાહક બાબતો,
ખાદ્ય અને જાહેર વિતરણ સમિતિની જવાબદારી સોંપાઈ છે.