ભુજ, તા. 21 : કચ્છ સરહદી વિસ્તાર હોવાથી
તેની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય સુરક્ષાના પરિપ્રેક્ષ્યમાં વિવિધ એજન્સીઓ
સાથે સંકલન સાધીને પોલીસ પણ રાષ્ટ્રહિતમાં મહત્ત્વની ભૂમિકા ભજવવા કટિબદ્ધ હોવાની વાત
રાજ્ય પોલીસના વડા બન્યા બાદ પ્રથમ વખત કચ્છની મુલાકાતે આવેલા ગુજરાતના પોલીસવડા કે.
એલ. એન. રાવે કરી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે,
દેશની પશ્ચિમ સરહદે આવેલા આ જિલ્લામાં સુરક્ષાને લઈને ઢીલાશ નહીં ચલાવી
લેવાય. 1992ની બેન્ચના પોલીસ અધિકારી અને
છેલ્લાં 34 વર્ષ દરમ્યાન અલગ-અલગ પ્રકારની
પોલીસની જવાબદારી નિભાવનારા રાજ્યના પોલીસવડા શ્રી રાવે આજે ભુજની આઈજી કચેરી ખાતે
કચ્છની મુલાકાત પાછળનો હેતુ સમજાવતાં પત્રકારો સાથે વાતચીત કરી હતી. સીમા પર રહેતા
લોકોની ચિંતા અમારાં દિલમાં છે. આથી જ અમે વારંવાર અહીં આવી લોકોના પ્રશ્નો જાણીએ છીએ.
અગાઉ ડિસેમ્બરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે આવ્યા બાદ ફરી આવ્યા છીએ. આ સિલસિલો જારી
રહેશે. સીમાવર્તી પોલીસ ક્ષેત્રના બનાવો પરથી ધ્યાનમાં આવ્યું છે કે, અહીં સામાજિક પ્રશ્નો જેવા કે, રોજગારી, પીવાના પાણી અને ચોરી-લૂંટ જેવા પ્રશ્નો છે.
પોલીસ સરકારી વહીવટી તંત્ર જેમ કે, માછીમારી વિભાગ, મહેસૂલ અને સલામતી-સુરક્ષાના કોસ્ટગાર્ડ, આર્મી,
બીએસએફ, બોર્ડરવિંગને સાથે રાખી સમગ્ર પોલીસ દળની
ભૂમિકા ભજવવા અમે કટિબદ્ધ હોવાનું શ્રી રાવે જણાવ્યું હતું. શ્રી રાવે પત્રકારોના વિવિધ
પ્રશ્નોના જવાબ આપતાં જણાવ્યું હતું કે, કચ્છ સીમાવર્તી વિસ્તાર
હોવાથી સુરક્ષાને લઈ કોઈ જાતની બાંધછોડ કરી શકાય નહીં. સીમા વિસ્તારના લોકો સાથે સંકલન-સંવાદ
સાધી તેઓના પ્રશ્નોથી વાકેફ થવાશે. - કચ્છના નિર્જન ટાપુઓ પર પણ નજર રખાશે : આ પત્રકાર
મિલન પૂર્વે આજે સવારે શ્રી રાવ ભુજ આવી પહોંચતાં આઈજી કચેરી ખાતે તેમને ગાર્ડ ઓફ ઓર્નર
અપાયું હતું. આ વેળાએ આઈજી ચિરાગ કોરડિયા, પશ્ચિમ કચ્છ પોલીસ અધીક્ષક વિકાસ સુંડા, પૂર્વ કચ્છ પોલીસ
અધીક્ષક સાગર બાગમાર, બનાસકાંઠા પોલીસ અધીક્ષક દુબે, પાટણ પોલીસ અધીક્ષક વસંત નાઈ, વાવ-થરાદના પોલીસ અધીક્ષક
ચિંતન વેરૈયા અને પોલીસ અધિકારી જોડાયા હતા. - નલિયા પોલીસ મથકને દત્તક : કચ્છના દરિયાઈ અને સીમા ક્ષેત્રના પોલીસ
મથક અને સમુદ્રી સુરક્ષા દળની માળખાકીય સુવિધાને સુદૃઢ કરવા કોઈ રજૂઆત કે પ્લાનિંગ
અંગે વિચારી રહ્યા છો કે કેમ તે અંગે શ્રી રાવને પૂછાતાં તેમણે જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં બોર્ડર એરિયા ડેવલપમેન્ટનો
એક એક્શન પ્લાન છે, જેના અંતર્ગત સીમા ક્ષેત્રના પોલીસ મથક અને
આઉટપોસ્ટને મજબૂત કરાશે તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૂચન મુજબ એક પોલીસ મથક
દત્તક લેવાશે. જેને લઈ કચ્છનાં એક પોલીસ મથકને દત્તક લેશે તેવું જણાવ્યું હતું અને
રાત્રે નલિયા પોલીસ મથકે તેઓ પહોંચ્યા ત્યારે આ પોલીસ મથક તેમણે દત્તક લીધાની ઘોષણા
કરી હતી. - દરિયાઈ માર્ગે
ડ્રગ્સ ઠાલવવાને ગેરપ્રવૃત્તિને ડામવા ખાસ વ્યવસ્થા : પાડોશી દેશ દ્વારા ગુજરાતના દરિયાઈ માર્ગેથી
ડ્રગ્સ ઠાલવવાની નાપાક પેરવી થઈ રહી છે, જેમાં કચ્છના સમુદ્ર ક્ષેત્રનો આવા નાપાક ઈરાદા માટે ભારે ઉપયોગ થઈ રહ્યો છે,
ત્યારે તેના ઉપર અંકુશ મેળવવા કેવા પ્રકારનાં પગલાં અને કોઈ માળખાકીય
સુવિધા વધારાશે કે કેમ તે અંગે પત્રકારોએ પોલીસવડા શ્રી રાવને પૂછાતાં તેમણે જણાવ્યું
હતું કે, ડ્રગ્સના ગુનાઓને અટકાવા રાષ્ટ્રીય કક્ષાની ઈન્ટેલિજન્સ
એજન્સીને વધુ મજબૂત બનાવાશે. નવી એન્ટિ નાર્કોટીક્સ ટાસ્કફોર્સનું ગઠન થયું છે. બોર્ડર
રેન્જના સીઆઈડી ક્રાઈમ ઝોનમાં આવા કેફી દ્રવ્ય સંબંધિત ગુનાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત
કરવા માટે વ્યવસ્થા ગોઠવાઈ છે. - ધોરી માર્ગો પરના અકસ્માતો નિવારવા પગલાં લેવાશે : રાજ્યની સાથોસાથ કચ્છમાં પણ ધોરીમાર્ગો
પર વધતા જતા માર્ગ અકસ્માતોના બનાવોને ઘટાડવા એ એક પડકાર હોવાનું શ્રી રાવે જણાવી ઉમેર્યું
હતું કે, માનવ જિંદગીને હણનારા આવા અકસ્માતો ઘટાડવાને
લઈને આવા આકસ્મિક ઝોન તારવવામાં આવશે અને તેના નિવારણ અર્થે પગલાં લેવાશે. - શરાબના ધંધાર્થીઓના નેટવર્કને
તોડાશે : શરાબ એ ગુજરાત માટે સામાજિક દૂષણ સાથે એક
પડકાર પણ છે. જિલ્લા, રેન્જ અને
રાજ્યસ્તરે પોલીસ દ્વારા કાર્યવાહી થતી જ રહે છે, જેને જે રીતે
માહિતી મળે તે ટીમ કાર્યવાહી કરતી જ હોય છે. આવનારા દિવસોમાં વધુ મજબૂતાઈથી કામગીરી
કરી આવા દારૂના ધંધાર્થીઓના નેટવર્કને તોડી આ દારૂની બદીને નેસ્તનાબૂદ કરવા કાર્યવાહી
થશે, તેવું ગુજરાતના પોલીસવડાએ જણાવ્યું હતું. - સાયબર ક્રાઈમમાં સતર્કતા જરૂરી
: ગુજરાતની પ્રજા મહેનતુ અને વેપારી છે. આથી
આધુનિક યુગ સામે કદમ મિલાવી ડિજિટલકરણ અપનાવ્યું છે. આથી ડિજિટલ ઠગબાજો વધુ પડતા ગુજરાતીઓને
નિશાન બનાવતા હોવાનો અભિપ્રાય શ્રી રાવે આજે પત્રકારોએ પૂછેલા સાયબર ક્રાઈમના સવાલના
જવાબમાં આપ્યું હતું. સાયબર ક્રાઈમના વધુ પડતા ગુનાઓ પણ ગુજરાત પોલીસે ડિટેક્ટ કર્યા
છે. ડિજિટલ એરેસ્ટના બનાવમાં વધુ પડતા વરિષ્ઠ લોકો ભોગ બને છે. આવી કોઈ પણ ઓનલાઈન ઠગાઈનો
ભોગ બનો, ત્યારે તુરંત 1930 હેલ્પલાઈન પર માહિતી આપો, જેથી વહેલી તકે સામેવાળા ખાતા ફ્રિઝ થઈ શકે.
આવા સાયબર ક્રાઈમના ગુનામાં સતર્કતા અત્યંત જરૂરી હોવા પર શ્રી રાવે ભાર મુક્યો હતો.