ભુજ, તા. 11 : બે દિવસ પહેલાં રાત્રે નિરોણાના
પાવરગ્રીડ પાસે પોલીસની વાહન ચેકિંગની કાર્યવાહી દરમ્યાન પૂરપાટથી આવતા બાઈકને ઊભા
રાખવાનો પોલીસે ઈશારો કરતાં બાઈકચાલકે ત્યાં ફરજ પરના એ.એસ.આઈ.ને અડફેટે લઈ લેતાં ઈજા
પહોંચી હતી. આ અંગે નિરોણા પોલીસ મથકેના એ.એસ.આઈ. નીલેશભાઈ પ્રેમજીભાઈ ચૌધરીએ નિરોણા
પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 9/4ના રાતે હાજીપીરના મેળામાં જતા પદયાત્રીઓના અનુસંધાને પોલીસ
ટીમ પાવરગ્રીડના ગેટ પાસે બેરિકેડ ગોઠવી વાહન ચેકિંગમાં હતી, ત્યારે ભારે અવાજ સાથે પૂરપાટ આવતા બાઈકને રોકવા
ટોર્ચ તથા હાથથી ઈશારો કરવા છતાં ઊભું ન રાખી બેરિકેડ પાસે ફરિયાદી ઊભા હતા ત્યાં આવી
બાઈકથી અડફેટે લઈ ફંગોળી નાખી નાસી ગયો હતો. બાઈક નં. જી.જે. 12 એચએ 6637, તેનું નામ રેયાન હનીફ સુમરા
(ભુજ) હોવાનું જાણવા મળ્યું છે. સાથળ અને ઘૂંટણના ભાગે અસ્થિભંગ સહિતની ઈજા પહોંચી
છે.