ગાંધીધામ, તા. 9 : આડેસરથી સાંતલપુર માર્ગ ઉપર રોઝુ પાટિયા પાસે ગાડી અને ટ્રક વચ્ચે
ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ગાડીમાં
બેઠેલા અહેમદભાઈ હસનભાઈ ઘાંચી(ઉ.વ.65), અક્ષરભાઈ અહેમદભાઈ ઘાંચી(ઉ.વ.45), જાવેદભાઈ અક્ષરભાઈ ઘાંચી (ઉ.વ.25) તથા મદિનાબેન અક્ષરભાઈ ઘાંચી
(ઉ.વ.40)નું મૃત્યુ થતાં ગમગીની પ્રસરી
હતી. આ બનાવમાં અન્ય ત્રણ જણને ઈજા પહોંચતા
તેમણે સારવાર તળે ખસેડાયા હતા. પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર રોઝુ પાટિયા પાસે આજે સાંજે
સાત વાગ્યાના અરસામાં મારુતિ અલ્ટો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પોલીસે પ્રાથમિક તપાસને ટાંકીને જણાવ્યું હતું કે, અલ્ટો ગાડીમાં બેઠેલો પરિવાર હાજીપીર દર્શન કરીને પોતાનાં વતન પરત ફરી રહ્યો
હતો તે દરમ્યાન તેમને અકસ્માત નડયો હતો. આ બનાવમાં સાંતલપુર તાલુકાનાં વારાહીના અહેમદભાઈ,
અક્ષરભાઈ અને જાવેદભાઈને ગંભીર
પ્રકારની ઈજા પહોંચતા તેમનું મૃત્યુ
થયું હતું, જ્યારે અન્ય ઈજાગ્રસ્ત મદિનાબેને સારવાર દરમ્યાન આંખો
મીંચી લીધી હતી. આ ઘટનામાં અલ્ટો ગાડી કોઈ
પ્રકારે સાંતલપુરથી ગાંધીધામ તરફ આવતી ટ્રકમાં
અથડાઈ હોવાની વિગતો સપાટી ઉપર આવી હતી. બનાવમાં ટીનાબેન જાવેદભાઈ ઘાંચી (ઉ.વ. 20), અમીનભાઈ જાવેદભાઈ (ઉ.વ. 3), ઘાંચી મોહેબઅલી જાવેદભાઈ (ઉ.વ.5)ને
ઈજા પહોંચતા તેમને સારવાર તળે ખસેડાયા હતા. અકસ્માતને પગલે સાંતલપુર પોલીસ ટીમે આડેસર-સાંતલપુર ધોરીમાર્ગ ઉપર ટ્રાફિકજામને હળવો
કરવા વ્યાયામ આદર્યો હતો. આ લખાય છે, ત્યારે રાત્રિના 12 વાગ્યે સાંતલપુર પોલીસે વિધિવત રીતે ફરિયાદ નોંધવા સહિતની
કાર્યવાહીમાં પરોવાયેલી હોવાથી વધુ વિગતો સાંપડી ન હતી.