ભુજ, તા. 9 : ભારત દેશનો ડ્રીમ પ્રોજેક્ટ
અમદાવાદથી મુંબઇની બુલેટ ટ્રેન છે, જેના વિકાસમાં મુંબઇ બાજુની જમીન સંપાદનના 3.56 કરોડ બે ભાગીદાર પૈકીના એક
ભાગીદારે હડપ કરી લેતાં મૂળ કચ્છીએ અન્ય કચ્છી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
આ સમગ્ર બનાવ અંગે મુંબઇના નાયગાંવ પોલીસ મથકે જમીન ખરીદ-વેચાણના વ્યવસાયી મૂળ મોટી
વમોટી (તા. અબડાસા)ના પદમશી કલ્યાણજી ગજરાએ આરોપી મૂળ તેરા (તા. અબડાસા)ના હાલે મુંબઇ
રહેતા હરીશ રામજી ભાનુશાલી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવેલી
વિગતો મુજબ ફરિયાદી અને આરોપી વર્ષ 2011માં સંપર્કમાં આવ્યા બાદ ભાગીદારીમાં કંપની બનાવી જમીન ખરીદી
અને વેચાણનો વ્યવસાય શરૂ કર્યો હતો. તેઓએ ગ્રાહકોની માંગ મુજબ પોમન, શિલોત્તર અને અન્ય સ્થળોએ ખેતી (એનએ વગર) અને પ્લોટિંગ વગરની જમીન ખરીદીને
વેચવાનું શરૂ કર્યું હતું. વર્ષ 2014માં પોમનની જમીન પર બે માળની ઇમારત બનાવી કાર્યાલય શરૂ કર્યું
હતું. જે લીઝ શ્રી રોયલ ઇન્ડ. હબના ભાગીદારો પદમશી અને હરીશનાં નામે નોંધાયેલ હતી.
વર્ષ 2017-18માં એવી માહિતી મળી કે, બુલેટ ટ્રેન અમારી ભાગીદારી કંપનીના સર્વે નંબરવાળી
જમીનમાંથી પસાર થશે. 2018માં વસઇની
લેન્ડ રેકર્ડ ઓફિસ દ્વારા સરકારી જમીનની માપણી કરી નક્કી કરવામાં આવ્યું કે, બુલેટ ટ્રેન માટે સરકાર દ્વારા અમારી કેટલી
જમીનનાં કાર્યમાં ફેરફાર થશે. આ બાદ વર્ષ 2018-19માં અમુક જમીન વેચાઇ ગયા બાદ અન્ય જમીનો વેચવાનું નક્કી કરી
બંનેની સંમતિથી મિલકત સંમતિ કરાર બનાવી કેટલીક જગ્યાએ 100ના સ્ટેમ્પ પેપર બનાવી વેચવામાં
આવી. બુલેટ ટ્રેન માટે સરકાર દ્વારા સંશોધિત ઓફિસનાં બાંધકામ માટે મળેલ વળતર ભાગીદારી
કંપનીમાં લેવાનું અને ભાગીદારીના કરાર મુજબ તેનું વિતરણ કરવાનું નક્કી થયું હતું. કંપનીની
ઓફિસની ઇમારતને બાદ કરતાં ફકત જમીન સર્વે નં.
165, પ્લોટ નં. એ/21, વિસ્તાર 6567 ચો. ફૂટ હરીશને ફક્ત સંમતિ
વિતરણ દ્વારા આપવામાં આવી છે. ગાર્ગી નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન (બુલેટ ટ્રેન)
માટે પોમન સર્વે નં. 164, 165માં
સુધારેલા જમીન અને બાંધકામો અમારા બે ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવ્યા હતા. ભાગીદારો વચ્ચે થયેલા સંમતિ વિતરણપત્રનો આરોપી હરીશે દુરુપયોગ
કરી 2021માં ઘરભાડું, લાઇટ બિલ પોતાના નામે ટ્રાન્સફર કર્યા બાદ સરકાર
પાસેથી વધુ વળતર મેળવવા બે માળની ઇમારતના બદલે
ત્રણ માળની ઇમારતના ખોટા દસ્તાવેજ તૈયાર કર્યા હતા. આમ હરીશે આ મકાન પોતાનાં
નામે હોવાના પુરાવા રજૂ કરી નવેમ્બર 2022ના સરકાર પાસેથી રૂા. 3,56,76,633ની વળતર રકમ પોતાના બેન્ક ખાતાંમાં લઇને ફરિયાદી અને સરકારને
ચૂકવવાની બાકી રકમ ન ચૂકવી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે. પદમશીભાઇ કચ્છી ભાનુશાલી મહાજનના અગ્રણી અને દાતા
પણ છે. તેમની સામે થયેલી છેતરપિંડીનાં કારણે જ્ઞાતિમાં પણ ચકચાર જોવા મળી છે.