• શનિવાર, 12 ઑક્ટોબર, 2024

અંજારમાં વ્યાજના પૈસા મુદ્દે છરીથી હુમલો

ગાંધીધામ, તા. 18 : અંજારમાં યોગેશ્વર ચોકડી નજીક વ્યાજે લીધેલા પૈસાનું વ્યાજ આપી દેવા અંગે છરી વડે હુમલો કરાતાં બે યુવાનને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે ચાર શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. અંજારના ગંગા નાકા જૂની પાંજરાપોળ પાસે રહી રિક્ષા ચલાવનાર ફરિયાદી સામરનાથ જિતેન્દ્રનાથ નાથબાવાએ ત્રણેક વર્ષ અગાઉ ફાઇનાન્સનું કામ  કરતા હુસેન ઉર્ફે રઘુ પાસેથી 10 ટકા વ્યાજે રૂા. 30,000 લીધા હતા, જે રકમ ફરિયાદીએ ભરી આપી હતી. વ્યાજના આ પૈસાના અવેજમાં ફરિયાદી પાસેથી કોરો ચેક લઇ લેવામાં આવ્યો હતો. ગત તા. 17-9ના ફરિયાદી તથા તેમના ભાઇ સચિનનાથ અને અંકિત પંજોરાપીરના મેળામાં ગયા હતા. ત્યાંથી પરત આવી યોગેશ્વર ચોકડીએ ચા પીવા માટે ઊભા હતા, ત્યારે આરોપી હુસેન ઉર્ફે રઘુએ ત્યાં આવી વ્યાજે આપેલા પૈસાની માગણી કરી હતી. ફરિયાદીએ પૈસા આપી દીધાનું અને કોરો ચેક પરત કરવાની માંગ કરતાં ઉશ્કેરાયેલા આરોપીએ તેને માર માર્યો હતો. તેનો ભાઇ વચ્ચે પડતાં આરોપી સાથે આવેલા ધમભા જાડેજા, ઠક્કરભાઇ તથા અજાણ્યા શખ્સે ત્યાં આવી ત્રણેય યુવાનોને માર માર્યો હતો. બાદમાં હુસેને છરી કાઢી ફરિયાદીને મારવા જતાં સચિન, અંકિત વચ્ચે પડતા આ બંને યુવાનોને છરી લાગી હતી. રાડા રાડના પગલે લોકો એકત્ર થતાં આરોપીઓ નાસી ગયા હતા. ઘવાયેલા યુવાનોને સારવાર અર્થે લઇ જવાયા હતા. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ  ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang