• શનિવાર, 07 ડિસેમ્બર, 2024

અલીગઢ યુનિ.: દૂરગામી દૃષ્ટિકોણ

સુપ્રીમ કોર્ટે બહુમતીથી નવો ચુકાદો આપીને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના લઘુમતીના દરજ્જાને હાલપૂરતી બહાલી આપી છે અને યુનિવર્સિટીને લઘુમતી સંસ્થા ગણી શકાય નહીં તેવા 1967ના  ચુકાદાને રદ કર્યો છે, પરંતુ તેની સાથે જણાવ્યું છે કે, સર્વોચ્ચ અદાલતની નવી બેન્ચ-ખંડપીઠ લઘુમતી દરજ્જા અંગેના કાયદાના સવાલ અંગે નિર્ણય કરશે કે યુનિવર્સિટીને શું દરજ્જો આપવામાં આવે. આ ચર્ચા છેલ્લા ઘણા દશકાઓથી ચાલી રહી છે. આ મુદ્દા પર રાજકારણ થતું રહ્યું છે, કોર્ટોમાં કાયદાના નિષ્ણાતોએ પણ ભારે લમણાંઝીક કરી છે. હવે સુપ્રીમ કોર્ટે આ સંપૂર્ણ ચર્ચા પર અંતિમ મહોર મારવાના દ્વાર ખોલી દીધા છે.  1967માં સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે ચુકાદો આપ્યો હતો કે, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના સંસદની બંધારણીય કાર્યવાહી થઈ છે તેને લઈ આને લઘુમતી સંસ્થાનો દરજ્જો આપી શકાય નહીં. આ પછી તુરંત અમલમાં આવે એ રીતે યુનિવર્સિટીનો લઘુમતી શિક્ષણ દરજ્જો સમાપ્ત થઈ ગયો હતો. 1981માં સંસદમાં યુનિવર્સિટી એક્ટમાં સંશોધન કરીને ફરીથી લઘુમતી સંસ્થાનો દરજ્જો આપવામાં આવ્યો, જે અલાહાબાદ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો અને 2006માં ચુકાદો આવ્યો કે યુનિવર્સિટી લઘુમતી સંસ્થા નથી. 1967માં પાંચ જજની બેન્ચે ચુકાદો આપ્યો હતો. કોઈ મોટી બેન્ચ વિચાર કરે તે જરૂરી હતું. આ માટે ન્યામૂર્તિ રંજન ગોગાઈએ સાત જજની બેન્ચનું ગઠન કર્યું. હવે આ બેન્ચે 4:3થી ચુકાદો આપ્યો છે કે, કોઈ સંસ્થાનું ગઠન સંસદમાં રજૂ કરેલી દરખાસ્ત દ્વારા થયું હોય તો તે કારણે તેનો લઘુમતીનો દરજ્જો ખતમ કરી શકાય નહીં. આ માટે સંસ્થાનો ઇતિહાસ જોવાનો રહેશે અને એ પણ જોવાનું રહેશે કે, તેના સંસ્થાપકોનો હેતુ શું હતો? યુનિવર્સિટીને લઘુમતી સંસ્થાનો દરજ્જો આપવો જોઈએ કે નહીં, કોર્ટે આ નિર્ણય લેવાનું ત્રણ જજની બેન્ચને હવાલે કરી દીધું છે. જેનું ગઠન થવાનું બાકી છે. પુનર્વિચાર માટે 1967માં પાંચ જજની બેન્ચના ચુકાદાથી જે બાધા ઊભી થઈ હતી તેને આ સાત જજની બેન્ચે ખતમ કરી દીધી છે. આશા રાખીએ કે હવે ત્રણ જજની બેન્ચનો જે ચુકાદો આવશે, તે સૌને સ્વીકાર્ય હશે. એઆઈએમઆઈએમ નેતા અસદુદ્દીન ઓવૈસીએ એક બાજુ તો સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સમર્થન કર્યું છે, તો બીજી બાજુ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, જામિયા મિલ્લિયા અને બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયની સરખામણી કરતાં કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો છે કે, તે લઘુમતીઓની સંસ્થા પ્રતિ ભેદભાવ કરી રહી છે. જો કે, તાજા ચુકાદાને આ વિવાદથી કોઈ લેવીદેવી નથી, અંતિમ ચુકાદો ગમે તે આવે, પરંતુ રાજકારણ બંધ થવાની આશા નથી. પ્રયાસ એવા થવા જોઈએ કે સંસ્થાનો દરજ્જો ગમે તે હોય, શિક્ષણનું સ્તર હવે બધી જગ્યાએ બહેતર થતું રહે, નવી બેન્ચ ન ફક્ત અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પરંતુ ભવિષ્યમાં અન્ય સંસ્થાઓના સ્ટેટસ પર ઊઠનારા સવાલોનો બહેતર રીતથી ઉકેલ લાવશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang